Get The App

કઠોળ તથા તેલીબીયાંના ઉત્પાદનમાં વૃદ્ધિ છતાં આયાત પર આધાર વધ્યો

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
કઠોળ તથા તેલીબીયાંના ઉત્પાદનમાં વૃદ્ધિ છતાં આયાત પર આધાર વધ્યો 1 - image

- પ્રસંગપટ

- 2014-15થી 2024-25 વચ્ચે કઠોળનું ઉત્પાદન આશરે 47 ટકા વધ્યું

- એક બાજુ ઉત્પાદન વધારવાના પ્રયત્નો જ્યારે બીજી બાજુ હળવી આયાત નીતિના પગલે વિરોધાભાસ સર્જાયો

દેશમાં તાજેતરના વર્ષોમાં કૃષી ક્ષેત્રે ખાસ્સી પ્રગતિ  થઈ છે છતાં હજી પણ ઘણી એવી કૃષી ચીજો છે જેમાં આપણે આયાતી માલો પર આધાર રાખવો પડે છે એવું કૃષી બજારોના જાણકારોએ જણાવ્યું હતું. ખાસ કરીને કઠોળ-દાળ તથા ખાદ્યતેલોની બાબતમાં આવી સ્થિતિ જોવા મળી છે. ભારતમાં કોરોના કાળ પછી લોકો આરોગ્ય વિશે વધુ સભાન બનતાં દેશમાં કોરોના કાળ પછીના ગાળામાં તાજેતરના વર્ષોમાં વિવિધ દાળ-કઠોળના વપરાશમાં ખાસ્સી વૃદ્ધી જોવા મળી છે. આ દરમિયાન, ઘરઆંગણે જો કે કઠોળનું ઉત્પાદન પણ વધ્યું છે પરંતુ ઉત્પાદનમાં થયેલી વૃદ્ધી કરતાં માગમાં થયેલી વૃદ્ધી વિશેષ રહેતાં  દેશમાં કઠોળની બાબતમાં આયાતો પર આધાર વધ્યો હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા. ખાદ્યતેલોની બાબતમાં પણ આવી જ સ્થિતિ દેખાઈ છે.

જોકે સરકારે તાજેતરમાં એવો દાવો કર્યો હતો કે દેશમાં છેલ્લા દસ વર્ષમાં ઘરઆંગણે વિવિધ કઠોળ તથા તેલિબિંયા -ખાદ્યતેલોના ઉત્પાદનમાં વૃદ્ધીની ગતી તે પૂર્વના દાયકાની સરખામણીએ વધુ થઈ છે. જોકે હજી પણ આ ચીજોમાં આયાત પર આધાર વધતો જોવા મળ્યો છે. ૨૦૨૩-૨૪ના બહાર આવેલા આંકડા મુજબ દેશમાં ખાદ્યતેલોની જે કુલ માંગ નોંધાઈ હતી તે પૈકી આશરે ૫૬ ટકા માગ આયાતી ખાદ્યતેલો મારફત પુરી કરવામાં આવી હતી.  આ ગાળામાં આવી આયાત આશરે ૧૫૬થી ૧૫૭ લાખ ટન જેટલી થઈ હતી.  સરકારના જણાવ્યા મુજબ ૨૦૧૪-૧૫થી ૨૦૨૪-૨૫ દરમિયાનના ગાળામાં દેશમાં વિવિધ તેલિબિંયાનું કુલ ઉત્પાદન આશરે પંચાવન ટકા જેટલું વધ્યું છે તથા છેલ્લા નાણાં વર્ષમાં આ ઉત્પાદનનો આંકડો ૪૨૬ લાખ ટનથી વધુ નોંધાયો હતો.

આ પૂર્વે ૨૦૦૪-૦૫થી ૨૦૧૪-૧૫ વચ્ચેના ગાળામાં આવી ઉત્પાદન વૃદ્ધી આશરે ૧૩ ટકા  થઈ હતી.  ભારતમાં ખાદ્યતેલોની આયાતનો ખર્ચ આશરે રૂ.૮૦ હજાર કરોડ વાર્ષિક ધોરણે થાય છે.  ભારતમાં ખાસ કરીને પામતેલ, સોયાતેલ તથા સનફલાવર તેલની વિશેષ આયાત થાય છે.  સનફલાવરની આયાત આશરે ૩૪થી ૩૫ લાખ ટન થાય છે. સોયાતેલમાં પણ ઘરઆંગણે જેટલી વાર્ષિક માગ રહે છે એ પૈકી આશરે ૬૦ ટકા માગ આયાત કરીને પૂરી પાડવામાં આવે છે. સરસવ તેલ તથા સિંગતેલની બાબતમાં દેશમાં રહેતી માગની સરખામણીએ ઘરઆંગણે ઉત્પાદન પણ તેટલા પ્રમાણમાં પૂરતું થાય છે. દરમિયાન, કઠોળના સંદર્ભમાં જોઈએન તા. ૨૦૧૪-૧૫થી ૨૦૨૪-૨૫ વચ્ચેના ગાળામાં દેશમાં વિવિધ કઠોળનું કુલ ઉત્પાદન આશરે ૪૭ ટકા વધ્યું છે તેની સામે આ પૂર્વના દાયકામાં ૨૦૦૪થી ૨૦૧૪ના ગાળામાં આવી ઉત્પાદન વૃદ્ધી આશરે ૩૧ ટકા નોંધાઈ હતી.  સરકારે એવો દાવો કરી રહી છે કે ૨૦૩૦-૩૧સુધીમાં આપણો દેશ કઠોળ તથા ખાદ્યતેલોની બાબતમાં સ્વાવલંબી થઈ જવાની શક્યતા છે. દેશમાં વિવિધ રાજ્યોમાં ડાંગર (ચોખા) તથા ઘઉં ઉગાડતા ખેડૂતોને ચોખા તથા ઘઉંના વાવેતરનો વિસ્તાર ઘટાડી કઠોળના વાવેતરનો વિસ્તાર વધારવા હાકલ કરાઈ છે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવોએ વધુ કૃષી માલો ખરીદવાની તૈયારી પણ સરકારે બતાવી છે. ૨૦૨૪-૨૫ની મોસમમાં આશરે ૬૦ લાખ ટન તેલિબિંયાની તથા આશરે ૫૦ લાખ ટન વિવિધ કઠોળની ટેકાના ભાવોએ ખરીદી કરવાનો લક્ષ્યાંક સરકારે બનાવ્યાના વાવડ મળ્યા હતા. આ પૂર્વે થયેલી આવી ઊંચી ખરીદીમાં ૨૦૧૭-૧૮ની મોસમમાં સરકારે ૪૫થી ૪૬ લાખ ટન કઠોળની ખરીદી ટેકાના ભાવોએ કરી હતી જ્યારે આશરે ૨૦ લાખ ટન વિવિધ તેલિબિંયાની ખરીદી ટેકાના ભાવોએ એ ગાળામાં સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ વર્ષે તુવેર, ચણા, અડદ, મસુર, મગ વિ.ની ખરીદી ટેકાના ભાવોએ સરકાર દ્વારા વિવિધ રાજ્યોમાં કરવામાં આવનાર છે.  સરસવની ટેકાના ભાવોએ આશરે ૧૫ લાખ ટનની ખરીદી કરવામાં આવનાર છે. ૨૦ લાખ ટન સોયાબીનની તથા ૧૫ લાખ ટન સિંગદાણાની ખરીદીની શક્યતા સરકારી સૂત્રો બતાવતા હતા. એક બાજુ સરકાર દેશમાં ઉત્પાદન વધારવા ઈચ્છે છે  ત્યારે બીજી બાજુ તાજેતરમાં  સરકારે વિવિધ કાચા ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી પણ ઘટાડી છે ઉપરાંત કઠોળની આયાત નીતિ પણ હળવી બનાવી છે. આમ સરકારના આવા વિરોધાભાસી વલણ વિશે પણ કૃષી જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા.  દરમિયાન, તુવેરદાળના ભાવ વિવિધ મથકોએ કિલોના રૂ.૧૦૦ની અંદર ઉતરી ગયાના વાવડ મળ્યા હતા.