Get The App

બેંગલુરુમાં ટ્રાફિક જામની સમસ્યા, દર બુધવારે વર્ક ફ્રોમ હોમનું પગલું

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
બેંગલુરુમાં ટ્રાફિક જામની સમસ્યા, દર બુધવારે વર્ક ફ્રોમ હોમનું પગલું 1 - image


- ઓફિસ સમયમાં ફેરફાર જેવા પગલાં લેવામાં આવી રહ્યા છે

- પ્રસંગપટ

- બાઇક ટેક્સી પર પ્રતિબંધ મૂકાયાના એક અઠવાડિયામાં, પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામમાં 18 થી 22 ટકાનો વધારો થયો હતો

માત્ર બેંગલુરુ નહીં પણ દિલ્હી, મુંબઇ જેવા શહેરોમાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઇ છે. ભારતના આઇટી કેપિટલ કહેવાતા બેંગલુરૂના  આઉટર રિંગ રોડ પર, દરરોજ જામ જેવી પરિસ્થિતિ તરફ દોરી જાય છે. અહીં લોકોને છ કિલોમીટર કાપતાં બે કલાકનો સમય લાગે છે.  દિલ્હીમાં જ્યારે કેજરીવાલની સરકાર હતી ત્યારે પ્રદૂષણ નાથવા એકી નંબર અને બેકી નંબરવાળી ગાડીનો કોન્સેપ્ટ અપનાવાયો હતો. બેંગલુરુમાં ટ્રાફિક પોલીસે અઠવાડિયાના મધ્યમાં એટલે કે દર બુધવારે ઘરેથી કામ કરવાનું સૂચન કર્યું છે. આ દરખાસ્તનો હેતુ IT કંપનીઓના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, જેથી સવાર અને સાંજના પીક અવર્સ દરમિયાન ટ્રાફિક ઓછો કરી શકાય.

જે પગલાં સૂચવવામાં આવ્યા છે તેમાં ઓફિસનો સમય બદલવો જોઈએ જેથી બધા કર્મચારીઓ એક જ સમયે બહાર ન નીકળે, કંપનીઓને સવારે ૭-૩૦ વાગ્યાથી શિફ્ટ શરૂ કરવાનું કહેવામાં આવ્યું છે, કર્મચારીઓની અવરજવર માટે શટલ સેવાઓ અને BMTC બસોનો વધુ સારી રીતે ઉપયોગ કરવો જોઈએ, કંપનીઓને મીટિંગ શીડયૂલ કરતી વખતે કર્મચારીઓના મુસાફરીના સમયને ધ્યાનમાં રાખવા કહેવામાં આવ્યું છે. બેંગલુરુમાં સતત વધતા ટ્રાફિક દબાણ વચ્ચે, ઘણી જગ્યાએ, ખાસ કરીને આઉટર રિંગ રોડ (ORR) ના ઘણા ભાગોમાં, રસ્તાના સમારકામનું કામ હજુ પણ અધૂરું છે. સાંકડા ચોકઠા પર ગેરકાયદેસર પાર્કિંગ અને ખોટી લેનમાં દોડતા વાહનોને કારણે ટ્રાફિક જામની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.

આ સમસ્યાનો સામનો કરવા માટે, પોલીસે ટેક પાર્ક અને  પાર્કિંગ નિયમોના ઉલ્લંઘન કરનારા પર કડક પગલાં લેવાનું સૂચવ્યું છે.

બેંગલુરુ આઈટી કંપનીઓ અને ગ્રેટર બેંગલુરુ આઈટી અને કંપનીઝ એસોસિએશને વર્ક ફ્રોમ હોમ (WFH) યોજનાને ટેકો આપ્યો છે. બેંગલુરુમાં ટ્રાફિક સમસ્યા વધુને વધુ ગંભીર બની રહી છે. એક  અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૫ ના પહેલા છ મહિનામાં શહેરમાં ત્રણ લાખથી વધુ નવા ખાનગી વાહનો નોંધાયા છે. ફક્ત જૂન મહિનામાં જ લગભગ ૪૯,૬૨૦ નવા વાહનો ઉમેરાયા હતા. અહીં પહેલાથી જ ૧.૨૩ કરોડથી વધુ વાહનો નોંધાયેલા છે.

કર્ણાટક સરકારે જૂન ૨૦૨૫ માં રાજ્યભરમાં બાઇક ટેક્સીઓ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે ટ્રાફિક સમસ્યામાં વધુ વધારો થયો. આ સુવિધા હજારો લોકો માટે છેલ્લા માઇલની મુસાફરી માટે એક સરળ વિકલ્પ હતી.એક અહેવાલ દર્શાવે છે કે બાઇક ટેક્સી પર પ્રતિબંધ મૂકાયાના એક અઠવાડિયામાં, પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામમાં ૧૮ થી ૨૨ ટકાનો વધારો થયો હતો. આ નિર્ણયથી લગભગ છ લાખ લોકો પ્રભાવિત થયા છે અને હવે ઓટો અને ટેક્સીઓનો ઉપયોગ વધ્યો છે, જેના કારણે રસ્તાઓ પર ભીડ વધુ વધી છે.

સરકારને આશા છે કે અઠવાડિયાના મધ્યમાં વર્ક ફ્રોમ હોમ (WFH) મોડેલ અપનાવવાથી, ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવાથી અને કંપનીઓ સાથે વધુ સારા સંકલનથી થોડી રાહત મળી શકે છે. હાલમાં, મેટ્રો વિસ્તરણ અને માર્ગ પહોળો કરવા જેવા લાંબા ગાળાના ઉકેલો પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિકને અમુક હદ સુધી નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમ મોટા સિટીમાં ટ્રાફિક જામની સમસ્યા છે એમ અનેક હાઇવે સતત ટા્રફિક જામની સમસ્યામાં અટવાયેલા રહે છે. વડોદરા-ભરૂચ વચ્ચેનો હાઇવે  અઠવાડિયામાં છ વાર જામ હોય છે. આવા જામ ચાર કલાકે ખૂલે છે. અમદાવાદ-વડોદરાનો એક્સપ્રેસ હાઇવે સામાન્ય અકસ્માતના પગલે જામ થઇ જાય છે. આવા હાઇવે પર વાહનેાને બહાર નીકળવાનો કોઇ વધારાનો માર્ગના હોઇ તેમને ઉભા રહેવું પડે છે. ફેમિલી સાથે કારમાં જનારા પાણી અને નાસ્તાની શોધમાં અહીં તહીં ફર્યા કરે છે. લોકો વ્યકિતગત સ્તરે ટ્રાફિક સેન્સનું પાલન કરવાનું શરૂ કરેતો જ ટ્રાફિકની સમસ્યા હળવી બની શકે છે. ટ્રાફિક પોલીસે પણ મેમો આપવામાં બહાદુરી બતાવવાના બદલે દરેક પોઇન્ટ પરની ટ્રાફિક સમસ્યા હળવી કરવાના આઇડયા વિશે વિચારવું જોઇએ.

Tags :