Get The App

દરેક ક્ષેત્રે સેકન્ડ કેડર તૈયાર કરવાની જરૂરઃ એનસીપીમાં સર્જાયો શૂન્યાવકાશ

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News
Google News
દરેક ક્ષેત્રે સેકન્ડ કેડર તૈયાર કરવાની જરૂરઃ એનસીપીમાં સર્જાયો શૂન્યાવકાશ 1 - image

- પ્રાદેશિક પક્ષો સેકન્ડ કેડર ભાગ્યે જ તૈયાર કરતા હોય છે

- પ્રસંગપટ

- અજીત પવાર

- 2024ની હેલિકેાપ્ટરની ઘટનાની યાદઃ  હું ગભરાયેલો હતો ને પાંડુરંગા-પાંડુરંગાનો જાપ કરવા લાગ્યો હતો...

અજીત પવાર નામનો મહારાષ્ટ્રનો એક રાજકીય સિતારો અચાનક આથમી ગયો છે અને પાછળ શૂન્યાવકાશ છોડતો ગયો છે. રાજકીય પક્ષો, ખાસ કરીને પ્રાદેશિક પક્ષો, સેકન્ડ કેડર ભાગ્યેજ તૈયાર કરતા હોય છે. તેના કારણે એકચક્રી શાસન ઊભું થતું હોય છે. મુખ્ય નેતાની અચાનક વિદાય થતાં ખાલીપો સર્જાય છે. સેકન્ડ કેડરની જરૂર દરેક ક્ષેત્રે હોય છે. 

રાષ્ટ્રીય સ્તરના રાજકીય પક્ષો સામાન્યપણે  સેકન્ડ કેડરનું ધ્યાન રાખે છે. ભાજપ અને કોંગ્રેસ પાસે સેકન્ડ કેડર છે, પરંતુ પ્રાદેશિક પક્ષો પાસે બીજી હરોળ ઊભી કરવાનું પ્લાનિંગ જોવા મળતું નથી.

દિવંગત અજીત પવાર એનસીપીના સર્વેસર્વા હતા. તેમની પાસે કાર્યકરોની મજબૂત ટીમ હોવા ઉપરાંત મહારાષ્ટ્રમાં તેમણે પોતાની એક પ્રતિભા ઊભી કરી હતી. કાકા શરદ પવારની આંગળી છોડીને બહાર આવ્યા પછી તેમણે પોતાની પાંખો એવી રીતે પ્રસરાવી હતી દેશના બન્ને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તેમને મળીને રાજકીય દાવપેચ તૈયાર કરતા થઈ ગયા હતા. અજીત પવાર ભાજપ અને શિવસેનાના  નેતાઓને  બહુ નજીકથી ઓળખતા હતા. વ્યવહારિક સ્તરે તેઓ પોતાનું અને શરદ પવારનું એમ બંનેનું કુટુંબ સાચવતા હતા.

મહારાષ્ટ્રના આ નાયબ મુખ્યપ્રધાનનું  હુલામણું નામ અજીતદાદા હતું. વિમાન અકસ્માતમાં થયેલા તેમના અણધારા મોતે  મહારાષ્ટ્રના મહત્ત્વના પ્રાદેશિક પક્ષ એવા એનસીપીના પાયા હચમચાવી નાખ્યા છે. મહારાષ્ટ્ર ભારતના રાજકારણની પાઠશાળા સમાન છે. મહારાષ્ટ્રમાં શિવસેનાના બાળાસાહેબ ઠાકરેનો દબદબો હતો ત્યારે તમામ પક્ષના રાજકારણીઓ તેમને પગે લાગીને સલાહ લેતા, તેમનેા ટેકો મેળવવા પ્રયાસ કરતા. બાળાસાહેબે કિંગમેકર તરીકેનું માન-સન્માન મેળવ્યું હતું. 

શરદ પવારથી છૂટા પડયા બાદ અજીતદાદાએ જાહેરમાં ક્યારેય પોતાના આ રાજકીય ગુરૂ માટે કોઇ ટીકા ટીપ્પણ નહોતી કરી. સ્થાનિક ચૂંટણીઓમાં અજીત પવાર અને શરદ પવારનું જૂથ એક થઇને મેદાનમાં ઉતરતાં સૌને અચંબો થયો હતો. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદનું સપનું સેવતા અનેક લોકોમાં તેમનો પણ સમાવેશ થતો હતો, પરંતુ આ એમનું એકમાત્ર કે અંતિમ ધ્યેય નહોતું. અજીત પવારના સાથીઓ કહે છે કે તેઓ એનસીપીનો વિસ્તાર કરવા માંગતા હતા, અને દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીઓમાં ઝંપલાવીને ત્યાં પોતાના પક્ષની હાજરી ઊભી કરવા માંગતા હતા. સમયે જોકે તેમને સાથ ન આપ્યો.

જાહેર જીવન જીવતો માણસ મૃત્યુ પામે એટલે એના વ્યક્તિત્ત્વની સારી સારી, મધુર મધુર વાતો ખોતરી ખોતરીને લોકો સોશિયલ મીડિયામાં શેર કરવાનું શરૂ કરી દે. અજીત પવારના હસમુખા સ્વભાવની વાતો ઉપરાંત એમનો એક જૂનો વીડિયો ખાસ્સો શેર થયો છે. 

૨૦૨૪માં અજીત પવાર એક હેલિકોપ્ટરમાં સવાર થયા હતા ત્યારે એમણે તીવ્ર ફફડાટનો અનુભવ થયો હતો. તે વખતે તેમની સાથે તે સમયના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ અને ઉદ્યોગપ્રધાન ઉદય સામંત પણ હતા. નાગપુરથી તેઓ એક સ્ટીલ કંપનીના શિલાન્યાસ માટે ગઢચરોલી જઇ રહ્યા હતા. હેલિકોપ્ટર વાદળામાં પ્રવેશ્યું  ને બહાર કશું જ દેખાવાનું બંધ થયું ત્યારે  પવારને ડર લાગવા લાગ્યો હતો.  પેલી વીડિયો ક્લિપમાં અજીત પવાર કહે છે, 'ફડનવીસ બેફિકર રહીને વાતો કરતા હતા ત્યારે મેં કહ્યું કે જુઓ, બહાર કશું દેખાતું નથી.  ફડનવીસે કહ્યું હતું હતુ કે ચિંતા ના કરતા, મને અગાઉ આવા સાતેક અનુભવ થયા છે. આમાં કશું થવાનું નથી. ત્યારે અગિયારસ હતી, હું ગભરાયેલો હોવાથી પાંડુરંગા-પાંડુરંગાનો જાપ કરવા લાગ્યો હતો. આખરે જ્યારે જમીન દેખાવા લાગી ત્યારે મને રાહત થઇ હતી...'

 આ વીડિયોમાં પોતાનો ડર પણ તેઓ લોકો સામે એવા મજાકીયા અંદાજમાં વ્યક્ત કરે છે કે તે સાંભળીને સૌ હસી પડે છે.  દુર્ભાગ્યે તાજેતરની વિમાન દુર્ઘટનામાં તેમને પાંડુરંગા-પાડુંરંગાનો જાપ કરવાની તક સુધ્ધાં મળી નહોતી. 

એનસીપીને નવા નેતા મળી જશે, પરંતુ એને રાજકારણની આંટીઘૂંટી શીખતા થોડી વાર લાગશે તે નક્કી છે. શરદ પવારના અણધાર્યા મૃત્યુએ  રાજકીય પક્ષો અને કોર્પોરેટ કંપનીઓને નંબર ટુ તૈયાર કરવાની જરૂરીયાત પર વિચારતા કરી દેશે તે નક્કી છે.