Get The App

દેશની કુલ આવકના 58 ટકા હિસ્સો 10 ટકા ભારતીયો રળી રહ્યા છે

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
દેશની કુલ આવકના 58 ટકા હિસ્સો 10 ટકા ભારતીયો રળી રહ્યા છે 1 - image

- આર્થિક રીતે અસામનતાનું ધોરણ વધી રહ્યું છે

- પ્રસંગપટ

- કોવિડની મહામારી પછી પોતાની પાછળ નાણાં મૂકી જવાને બદલે લોકો જીવતેજીવ રૂપિયા વાપરતા થયા છે

૨૦૨૫નું વર્ષ ભલે સોના-ચાંદીમાં ચમકીલું રહ્યું હોય પણ આ વર્ષમાં પૈસાદાર વધુ પૈસાદાર થયો છે તે તો ઠીક, પણ મધ્યમવર્ગમાંથી ઉચ્ચ મધ્યમ વર્ગમાં પણ અનેક લોકો આવી ગયા છે. વળી, ઓછી આવકવાળાં જૂથના અનેક લોકો  મધ્યમવર્ગની યાદીમાં આવી ગયા છે. લોકોની આવકમાં વધારો થયો છે. લોકો પોતાની પાછળ કે પોતાના કુટુંબ પાછળ પૈસા ખર્ચતા થયા છે. કોવિડના સમયકાળ પછી જાણે કે લોકોને સમજાઈ ગયું છે કે  પોતાની પાછળ પૈસા મૂકી જવાના બદલે જીવતેજીવ રૂપિયો ખર્ચી નાખવો સારો. 

આર્થિક અસમાનતા દેખીતી રીતે છે જ, પણ લોકો હવે લક્ઝરી પણ ભોગવી રહ્યા છે. મર્સિડીઝ જેવી લકઝરી કાર આસાનીથી ભાડે મળે છે. એક કોલ કરો એટલે ઘરઆંગણે ચકચકિત ગાડી આવીને ઊભી રહી જાય છે. ફ્રિજ, એસી, ગિઝર, વોશિંગ મશીન વગેરે ઉપકરણો હવે મધ્યમ મધ્યમવર્ગનાં ઘરોમાં પણ જોવા મળે છે. સેકન્ડ હેન્ડચીજોનું માર્કેટે સાધારણ આવકવાળાં ઘરોમાં પણ ઉચ્ચ મધ્યમવર્ગ પાસે હોય તેવી સવલતો ઊભી કરી આપી છે.

આપણે ત્યાં હાઇ નેટવર્થવાળા લોકોની સંખ્યા વધી રહી છે, એમ મધ્યમવર્ગની યાદીમાં આવતા  લોકો જ્મ્પ મારીને ઉચ્ચ મધ્યમવર્ગમાં પહોંચી રહ્યા છે. મધ્યમવર્ગના સૌ કોઈ હાઇ નેટવર્થની યાદીમાં સામેલ થવાની આશા નથી રાખતા, પણ ઉચ્ચ મધ્યમવર્ગની લાઇફસ્ટાઇલનાં સપનાં જરૂર જુએ છે અને તે સાકાર કરવા માટે મહેનત પણ કરે છે. કંપનીઓ માર્કેટીંગ માટે મધ્યમ મધ્યમવર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગને ટાર્ગેટ કરે છે. તેમની સંખ્યા અને શોખ અનુસારની અઢળક ચીજોથી બજારો ઊભરાય છે. ભારતના આ વિરાટ મધ્યમવર્ગ પર દુનિયાભરની કંપનીઓની નજર છે. 

અલબત્ત, ભારતમાં વધી રહેલી આર્થિક અસમાનતા ચિંતાજનક છે. વર્લ્ડ ઇનઇક્વેલિટી રિપોર્ટ ૨૦૨૬ અનુસાર, ભારતની કુલ સંપત્તિનો ૪૦ ટકા હિસ્સા પર દેશના ૧ ટકા લોકોનો કંટ્રોલ છે. દેશની કુલ આવકના ૫૮ ટકા  ટોચના ૧૦  ટકા વસ્તીના ખિસ્સામાં જાય છે. આ રિપોર્ટ અનુસાર માત્ર ભારતમાં આવી સ્થિતિ નથી, બલ્કે આખા વિશ્વમાં પૈસાદાર વધુ પૈસાદાર બની રહ્યા છે. આર્થિક અસમાનતાની લેટેસ્ટ યાદીમાં ભારતનું સ્થાન પહેલાં હતું ત્યાં જ છે. પણ દરેક વર્ગ આર્થિક રીતે એક પગથિયું ઉપર ચડી ગયો છે તેમ કહી શકાય.  

આ અહેવાલ અનુસાર, દેશના ૫૦ ટકા લોકો પાસે દેશની ફક્ત ૬.૪ ટકા જેટલી સંપત્તિ છે. ભારતની ૧૫.૭ ટકા મહિલાઓ કમાય છે. ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકામાં ભારતના મધ્યમવર્ગનું ચિત્ર ઘણું જુદું હતું.  ખાસ કરીને ઉદારીકરણ પછી આ ચિત્રમાં અમુક સ્તરે એકધારા ફેરફારો દેખાઈ રહ્યા છે. 

આશ્વાસન એ વાતનું લઈ શકાય કે આર્થિક અસમાનતાના મામલામાં ભારત એકલું નથી. શ્રીમંત અને દ્રરિદ્ર વચ્ચેનું અંતર દુનિયાના અન્ય દેશોમાં પણ ખૂબ વધ્યું જ છે. તે જ રીતે નિમ્ન મધ્યમવર્ગ ક્રમશઃ મધ્યમ મધ્યમવર્ગ કે ઉચ્ચ મધ્યમવર્ગ  બનવા તરફ આગળ વધ્યો છે તે પણ એટલું જ સાચું. 

આર્થિક અસમાનતા બહુ ગંભીર સમસ્યા છે. બજારોમાં શરૂ થયેલું લીઝ માર્કેટ મધ્યમ વર્ગનું લકઝરી કારમાં ફરવાનું સપનું સાકાર કરી શકે છે. લોકો વિકલ્પ તરીકે ભાડા પર ચીજો વસાવી શકે છે પરંતુ તે બહુ ખર્ચાળ સાબિત થાય છે. 

ભારતીયોના પગાર ધેારણો વધ્યા છે. પરિવારમાં પતિ-પત્ની બન્ને જોબ કરતાં હોય એટલે સ્વાભાવિક રીતે જ આર્થિક સમૃદ્ધિ વધે છે. ભારતીયોનોે એક મોટો વર્ગ શેરબજાર, મ્યુચ્યુઅલ ફન્ડ, સોનાચાંદી વગેરેમાં રોકાણ કરતો થયો છે. આજનો શિક્ષિત ભારતીય યુવાન ઇન્વેસ્ટમેન્ટની બાબતમાં આગલી પેઢીના યુવાનો કરતાં વધારે સ્માર્ટ છે.  

આર્થિક અસમાનતા એવો મુદ્દો છે કે તે આસાનીથી દૂર થઈ શકતો નથી. વૈશ્વિક અર્થવ્યવસ્થા જ એવી રીતે ગોઠવાઈ છે કે તે શ્રીમંતને વધારે શ્રીમંત બનાવતી જાય. પૈસાદારોની સંખ્યા વધતી જાય, પણ મધ્યમવર્ગ આર્થિક તાણમાંથી ઊંચો જ ન આવે ચિંતા ઉપજાવે તેવી સ્થિતિ છે.