- પહેલા તબક્કામાં 93.10 ટકા, બીજા તબક્કામાં 90 ટકા મતદાન
- પ્રસંગપટ
- એન્ટિ-ઇન્કમબન્સી ફેક્ટરનો સામનો મમતા કેવોક કરી શક્યાં છે તે જાણવા 4 મેની રાહ જોવી પડશે
પશ્ચિમ બંગાળ જાણે કોઇ અલગ દેશ હોય એમ લાગી રહ્યું છે. બુધવારે બીજા તબક્કાના મતદાન દરમ્યાન જે રીતે હિંસાચાર જોવા મળ્યો છે તે પરથી એમ કહી શકાય કે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો લશ્કરના જવાનોને પણ ગાંઠતા નથી. તોફાની મતદારો પર કડક હાથે કામ લેતા પોલીસ અધિકારીઓને તૃણમૂલના નેતાઓ જાહેર ભાષણો દ્વારા ધમકી આપતા હતા કે ચોથી મેનાં રોજ પરિણામો બાદ તમારી અક્કલ ઠેકાણે લાવી દઇશું. ચૂંટણી પંચ સામે આવી ફરિયાદો મોટા પ્રમાણમાં થઈ છે, પરંતુ ચૂંટણી પંચનું સઘળું ધ્યાન મતદાન શાંતિપૂર્વક આટોપવા પર રહ્યું.
પ.બંગાળના રાજકારણમાં ગુંડાગીરી એ નવી વાત નથી. જ્યોતિ બસુની સત્તા સાડાત્રણ દાયકા સુધી ચાલી, અને ત દરમિયાન ડાબેરી વિચારધારા ગુંડાઓ માટે ફળદ્રૂપ જમીન સમાન સાબિત થઇ હતી. તે સમયમાં બાંગ્લાદેશાના ઘૂસણખોરો માટે રાહત કેમ્પો ઊભા કરવામાં આવ્યા હતા અને તેમને જમાડવામાં આવતા હતા. તે વખતે ઘૂસણખોરો નિર્દોષ લાગતા હતા. આવા દયામણા ચહેરાવાળા પાડોશી દેશના નાગરિકોને જોઇને ભારતે તેમને પુરતી મદદ કરી હતી. જોકે આ ચેષ્ટા હવે તે ઝેરીસાપ પાળવા બરાબર સાબિત થઇ રહી છે. સમય જતાં ઘૂસણખોરો પૈકી કેટલાક પોતાનું અસ્તિત્વ કાયમી કરવા ગુંડા ટોળકીમાં શામેલ થઈ ગયા. તેમને દાદાગીરી કરવાનું આસાન લાગતું હતું. રાહત કેમ્પો ઊભા કરવામાં ગૌરવ સમજતા ભારતને બહુ મોડે ખબર પડી હતી કે આ લોકો ધીરે ધીરે ભારતમાં પ્રસરી ગયા છે. તેમની ડોક્યુમેન્ટ્સ બોગસ હોવા છતાં તેઓ દેશમાં ફેલાઇ ગયા છે.
સ્થાનિક સત્તાધારીઓના ટેકાથી ઘૂસણખોરો પૈકી કેટલાકનો ઉપયોગ રાજકીય ગુંડાગીરીમાં થવા લાગ્યો હતો. જ્યારે મમતા બેનરજી સત્તા પર આવ્યાં ત્યારે ડાબેરી પક્ષો સાથે સંકળાયેલી ગુંડા ટોળકી તૃણમૂલ કોંગ્રેસ પાસે ે આવી ગઇ હતી. બંને એક બીજાના પૂરક બની ગયાં હતાં. મમતાનું શાસન ત્રણ ટર્મ માટે ચાલ્યું અને તે દરમ્યાન બાંગ્લાદેશી ઘૂસણખોરોએ પોતાનું નાનું સામ્રાજ્ય ઊભું કરી નાખ્યું. ઘૂસણખોરોને આધારકાર્ડ, પાન કાર્ડ વગેરે બનાવી આપીને તેમને ભારતીય નાગરિક તરીકે પેશ કરવાની શરૂ થઇ ગઈ. આ ઘૂસણખોરોને સત્તાવાંચ્છુ મમતા બેનરજીનો પડદા પાછળથી પૂરેપૂરો ટેકો હતો.
દરેક નેતા લોકશાહી બચાવવા અને બંધારણ પ્રમાણે વર્તવાની ડાહી ડાહી વાતો કરે છ,ે પરંતુ પછી તેઓ લોકશાહી નહીં પણ દાદાગીરી કરનારાને બચાવ કરવા લાગતા હોય છે. બુધવારે પશ્ચિમ બંગાળ યુદ્ધના મેદાન સમાન લાગતું હતું. કેટલાક મતદાન મથકો પર બટન પ્રેસ કરવાની જગ્યાએ ભાજપના નિશાન પર ટેપ મારી દેવાઇ હોવાનો આક્ષેપ કરાયો છે અને ત્યાં ફેર મતદાન કરવાની માંગણી કરાઇ છે. મમતા બેનરજીની ચૂંટણી વ્યૂહરચના ભાજપને હંફાવતી હોય એમ લાગી રહ્યું છે. મમતા એકલા હાથે ઝઝૂમી રહ્યાં છે. ચૂંટણી પંચે જ્યારે લશ્કરની ટુકડીઓ ઉતારવાની જાહેરાત કરી ત્યારેે લોકો માનતા હતાકે પશ્ચિમ બંગાળના ગુંડાઓે હવે ગભરાશે, પરંતુ પહેલા તબક્કાના મતદાન તેમજ બુધવારના મતદાનમાં અનેક સ્થળોએ લશ્કારના જવાનોની સામે સુધ્ધાં આ ગુંડાઓ દાદાગીરી કરતાં જોવા મળ્યા હતા.
અનેક સ્થળો પરથી બોંબ મળી આવ્યા છે તો અનેક સ્થળો પર મતદાન માટે જતા લોકોને રોકવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે ડ્રોનના ઉપયોગથી બોંબ શોધી કાઢ્યા હતા. મતદારોને મતદાન મથકો પર જતા રોકવા, મતદાન મથકમાં પણ દાદાગારી કરવી, જાહેરમાં મારામારી કરવી, લાઇનમાં ઊભેલા લોકોને ડરાવવા... આ બધામાં મમતા બેનરજીની સેના અનુભવી હોય એમ લાગી રહ્યું છે.
પશ્ચિમ બંગાળનાં પરિણામો પર સૌની નજર છ,ે કેમ કે ત્યાં કોની લોકપ્રિયતા વધુ છે તે ખબર પડશે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત મળી, પણ પશ્ચિમ બંગાળના મતદારોની વિચારસરણી અલગ છે.
પાંંચ રાજ્યોની ચૂંટણીમાં સૌથી વધુ હિંસાચાર અને અરાજકતા માત્ર પશ્ચિમ બંગાળમાંજ જોવા મળી છે. તીવ્ર રસાકસી તો તમિળનાડુમાં પણ હતી, પરંતુ અહીં ગુંડાગીરી ભાગ્યે જ જોવા મળી.
પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કામાં ૯૩.૧૦ ટકા મતદાન નોંધાયું છે જ્યારે બુધવારના બીજા તબક્કામાં ૯૦ ટકા મતદાન નોંધાયું છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન કરીને મતદારો પણ જાગૃતિ બતાવી રહ્યા છે. હવે મમતા બેનરજી પોતાની સામેના એન્ટિ-ઇન્કમબન્સી ફેક્ટરનો સામનો કેવોક કરી શક્યાં છે તેનો જવાબ મળેવવા માટે ૪ મેની રાહ જોવી પડશે.


