Get The App

પાંચ નૈતિક ગુણો પૈકીનું એક અહિંસા છે; છતાં ઠેર ઠેર હિંસા

Updated: Apr 30th, 2025

GS TEAM

Google News
Google News
પાંચ નૈતિક ગુણો પૈકીનું એક અહિંસા છે; છતાં ઠેર ઠેર હિંસા 1 - image

- પ્રત્યેક સભ્યતામાં અહિંસાનું ચિંતન

- પ્રસંગપટ

- જ્યારે સઘળા જગતને એક પરિવાર માનવામાં આવ્યો હોય તો દુશ્મન કોણ ?

સૃષ્ટિ સર્જનહારે પ્રકૃત્તિની વિવિધ સભર રચનાઓ કરી ! પ્રકૃત્તિની નિર્માણ વિધિમાં મનુષ્યનાં દેહની પણ રચના કરી ! વિશેષતઃ તેનાં ભલા માટે તેમાં દેવી શક્તિઓ પણ અર્પી ! સાથે સાથે સદ્ભાવો અને ર્દુઃભાવોને પણ આપ્યા. માનવ દેહમાં પ્રભુ પણ વિરાજમાન થયા ! આથી જ મનુષ્યનો અવનવા પરિવર્તનો થતાં રહે છે - તેમનાં મનમાં દેવાસૂર સંગ્રામ ચાલતો જ રહે છે. જે તેની પ્રવૃત્તિઓ પર પ્રભાવ પાડે છે. તેવાં જ વ્યવહારોનું તે આચરણ કરે છે. જેમ જેમ વિવેકની જાગરૂકતા આવે છે. મન નિર્મળ થાય છે. ત્યારે માનવ હૃદયમાં કરુણા, દયા વગેરે સદ્ગુણો વિકસવા લાગે છે. અતઃ મનમાં અમૃતગંગાનો પ્રભાવ વહેવા માંડે છે. જેનો પ્રભાવ મનુષ્યનાં બ્રાહ્મ વહેવારો વર્તન પરથી જોવા મળે છે. માત્ર મનુષ્યમાં જ પરિવર્તન આવતું નથી - એટલે કે તેની માનસિકતા જ બદલાતી નથી. તેની આસપાસનું પર્યાવરણ, તેનાં સંપર્કમાં આવનાર અન્ય વ્યક્તિઓ પર તેનો પ્રભાવ પડે છે.

પ્રબુધ્ધજનો અને ચિંતકો કહે છે - 'અહિંસા પરમો ધર્મ યતો ધર્મસ્તતો જયઃ !' અહિંસા મૌલિક પ્રવૃત્તિ છે. એટલા માટે અહિંસા માટેનું ચિંતન તેમજ તેને વૈયક્તિક અને સામાજિક સ્તરે વ્યવહારમાં વર્ણવાનો અખતરો પ્રત્યેક સભ્યતામાં કરવામાં આવ્યો. અનેક બુધ્ધિજીવી, ચિંતકો અને પ્રબુધ્ધજનો એ પોતાની સમતા પ્રમાણે સમજ્યા અને સમજાવ્યા. સર્વધર્મનાં સંસ્થાપકોએ સંસારને તે જ સંદેશ આપ્યો કે ખરાબીઓનો નાશ કરવા ખરાબ બનવું ન જોઇએ. હિંસા દ્વારા દમન તો કરવામાં આવે છે. પણ, સમસ્યાઓનું કાયમી સમાધાન થઇ શક્તું નથી. કાયમી પરિવર્તન અથવા સમાધાન માત્ર હૃદય પરિવર્તન દ્વારા જ થવાની શક્યતા છે.

દેશમાં ચિંતકો અને દાર્શનિકો, સંતોએ અહિંસા પર વ્યાપકપણે વિચારો કર્યા છે. માનવીય જીવનની સમગ્રયતાને ધ્યાને રાખીને જોવામાં આવ્યું. અહિંસાને પરમ કર્તવ્ય માનવામાં આવ્યું. અહિંસાની ચેતના જાગરૂકતા તથા અહિંસાત્મક સંસ્કારોનાં નિર્માણ કાર્યને પવિત્ર કર્તવ્ય તરીકે ગણવામાં આવ્યું. છંદોગ્ય ઉપનિષદમાં અહિંસાને પાંચ નૈતિક ગુણો પૈકીનું એક ગુણ માનવામાં આવ્યું છે. પાતંજલિનાં યોગસૂત્રમાં અહિંસાનો ઉલ્લેખ પાંચ નિયમોમાં કરવામાં આવ્યો છે. ભગવતગીતાને ઘણાં લોકો યુદ્ધ શાસ્ત્ર માનતા આવ્યા છે. પરંતુ આ વિશે એક મત નથી. કેમકે ઊંડાણપૂર્વક વિચાર કરીએ તો ગીતાનો બોધ મોહને દૂર કરવાનો, નિષ્કામ કર્મ કરવાનો તથા અનાશક્તિ યોગનાં પથે ચાલવાનો ઉપદેશ આપે છે. સ્થિતપ્રજ્ઞા મનુષ્યમાં આથી વિવેક જાગ્રત થાય છે. દિવ્યતા વિકાસ પામે છે. જે અહિંસાનાં પથ પર ચાલવાની પ્રેરણા આપે છે. હિતોપનિષદમાં સમગ્રસંસારને એક પરિવારરૂપે ઓળખવામાં આવ્યો છે. જ્યારે સઘળા જગતને એક પરિવાર માનવામાં આવ્યો હોય તો પછી કોણ દુશ્મન હોય શકે ? કોની વિરુદ્ધ હિંસાનું આચરણ કરવું ? આપણા પણાનો ભાવ હોય તો અહિંસા ખૂદ બખૂદ જ વ્યવહારમાં વણાય જાય છે. ફળ સ્વરૂપ 'आत्मवत् सर्व भूतेषु । ' દેશની પવિત્ર ભૂમિ પર 'એકાત્મક માનવદર્શન' પ્રસારિત થયું.

ઇતિહાસ તેમાં સાક્ષી છે કે સહ અસ્તિત્વનો વિશ્વાસ રાખનાર આ દેશે કદી યુદ્ધ સામગ્રીઓ અથવા તો સૈન્યને બહારનાં દેશો પર ચઢાઈ માટે મોકલી નથી. આ દેશમાં ન તો કોઈ સિકંદર, કૈસર, ચંગેઝખાન કે હલાકુ જેવા વિશ્વવિજય માટેનો ઉન્માદ રાખનારા પેદા થયા નથી. જેમણે અન્ય દેશોમાં લૂંટફાટ, જુલ્મ, કત્લો અને વિનાશલીલાઓનું તાંડવ ખેલ્યું હતું ! અથવા તો અન્ય દેશની જમીનો પર અનઅધિકૃત કબ્જો જમાવ્યો.

આ દેશ તો યોગ સાધનાની વિરાસતવાળી ભૂમિ ! દર્શનશાસ્ત્ર, તત્ત્વજ્ઞાાન, વિદ્વાનો અને પ્રચારકોને જ વિદેશમાં મોકલાવ્યા હતાં... માનવકલ્યાણની ભાવના માટે દેશ સદૈવ સત્ય-અહિંસાની જ વાતો કરી છે. સહઅસ્તિત્વનાં સિદ્ધાંતોનો સ્વીકાર કર્યો છે. વિવિધતામાં એકતાનું દર્શન માત્ર આ દેશનું અમુલખ ઘરેણું રહ્યું છે. તથાગત ગૌતમ બુધ્ધ અહિંસા અંગે મધ્યમ માર્ગનો સ્વીકાર કર્યો, અહિંસાને સ્વીકાર્ય કરી તેનાં મહાવ્રતોને સમજ્યા. જ્યારે ભગવાન મહાવીર સ્વામીની દિવ્ય વાણીને તેઓનાં ચોવીસ તીર્થંકરો દ્વારા દર્શાવવા આવેલ છે. તે સમ્યક ધર્મ છે. હિસાનાં વિષવૃક્ષને ધરમૂળથી નિકંદન કરવાનો આ ધર્મનું મહત્વૂર્ણ યોગદાન રહ્યું છે.