- આ વર્ષે બંગાળ સહિત ચાર રાજ્યો અને પોંડિચેરીમાં ચૂંટણી
- પ્રસંગપટ
- ચૂંટણી યોજાવાની છે તે રાજ્યોમાં સિફતપૂર્વક વિકાસ અને રોજગારલક્ષી પગલાં ભરવામાં આવ્યાં છે
ગયા રવિવારે નાણાંપ્રધાન સીતારામને રજૂ કરેલા બજેટમાં અમેરિકી ટેરિફનો ડર ના વર્તાય તેની તકેદારી રાખવાની સાથે બજેટ ચૂંટણીલક્ષી છે એવો સંકેત પણ ના જાય તેવા પ્રયાસો કર્યાં હતાં. આ વર્ષે ચાર રાજ્યો વત્તા એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાનો જંગ છે. જ્યાં ચૂંટણી યોજાવાની હોય તે રાજ્યોના મતદારોને ખુશ કરવાનો રિવાજ છે. નવ વાર બજેટ રજૂ કરનારાં નિર્મલા સીતારામન પણ આ રિવાજ અથવા તો પરંપરા પાળવામાંંથી બાકાત નથી રહ્યાં. તેમણે બહુ સાવચેતીપૂર્વક ચૂંટણી થવાની છે તે રાજ્યોમાં નવી સ્કીમો મારફતે રાહત પહોંચાડી છે.
અલબત્ત, નાણાંપ્રધાને કોઇ નવી વેલફેર સ્કીમ ચૂંટણીવાળાં રાજ્યો માટે નથી આપી. અમેરિકાની ટેરિફથી જે રાજ્યોને સૌથી વધુ અસર થઇ છે તેવા મહારાષ્ટ્ર, આધ્ર પ્રદેશ અને તમિળનાડુનું બજેટમાં ખાસ ધ્યાન રખાયું છે. જે પાંચ પંથકમાં વિધાનસભાનો જંગ છે તેમાં આસામ, પશ્ચિમ બંગાળ, તમિળનાડુ, કેરળ અને પુડીચેરીનો સમાવેશ થાય છે. એનડીએ આસામ રાજ્યમાં ફરી સરકાર રચાય તેમ ઇચ્છે છે, તો અન્ય રાજ્યોમાં પોતાની પકડને વધુ મજબૂત બનાવવા માંગે છે.
અમેરિકી ટેરિફના કારણે તમિળનાડુના ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો ફટકો પડયો છે. તમિળનાડુના મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલીને કેન્દ્ર સરકારને પત્ર લખીને મોકલ્યો છે કે ટેરિફના કારણે લાખો લોકોની જોબ પર જોખમ ઊભું થયું છે. તાજેતરમાં ભારત અને યુરોપ વચ્ચે થયેલા એફટીએ કરારના પગલે રોજગારી વધશે એમ નિષ્ણાતોનું માનવું છે.
તમિળનાડુમાં આડકતરી રીતે નોકરીઓ ઊભી થાય તે માટે નાણાંપ્રધાને મેગા ટેક્સટાઇલ પાર્ક ઊભા કરવાની જાહેરાત કરી છે. અન્ય જાહેરાતોમાં નેશનલ ફાઇબર સ્કીમ ગેમ ચેન્જર બની શકે છે. તેના કારણ સિલ્ક, વૂલ,અને જ્યૂટ જેવા નેચરલ ફાઇબર બાબતે આત્મનિર્ભર બની શકાશે. માણસે બનાવેલા ફાઇબર અને ટેકોનોલોજીના આધારે બનાવેલા ફાઇબરમાં બહુ ફર્ક જોવા નથી મળતો. ટેક્સટાઇલ ગાર્મેન્ટ, લેધર ગાર્મેન્ટ,લેધર કે સિન્થેટીક ફૂટવેર વગેરેની નિકાસ માટેની સ્કીમનો લાભ લેવાનો સમય છ મહિના પરથી ૧૨ મહિનાનો કરાયો છે. જેના કારણે ટેક્સટાઇલ અને લેધર નિકાસકારોને સીધો લાભ થઇ શકે છે. લેધરના માલસામાન માટે પશ્ચિમ બંગાળ બહુ પ્રખ્યાત છે.
જર્મન અને સ્વીડન જેવા દેશો યુરોપિયન યુનિયનના સભ્યો છે, જે ભારતના એસએમઇ સેક્ટરને બહુ ઉપયોગી બની શકે છે. એટલેજ સરકારે ૧૦,૦૦૦ કરોડ એસએમઇ ગ્રોથ ફંડની રચના કરી છે. હાઇસ્પીડ ટ્રેનની સવલતોની જાહેરાતોમાં હૈદ્રાબાદ-ચેન્નાઇ, ચેન્નાઇ -બેંગલુરૂ રૂટનો સમાવેશ થાય છે. ઓડિસા, કેરળ,આન્ધ્રપ્રદેશ અને તમિળનાડુમાંથી મળી આવતાં અપ્રાપ્ય ખનીજ તત્ત્વોને ધ્યાનમાં રાખીને નાણાપ્રધાને રેર અર્થ કોરીડેારની જાહેરાત કરીને કંઇક નવું આપવાનો પ્રયાસ કર્યો છે. તમિળનાડુની પુરાતત્વ સાથે સંકળાયેલી સાઇટ આદિચન્નલુર, પુલકીત લેક સાથે બર્ડ વોચીંગ સાઇટ વગેરે માટે સરકારી સહાય અને તેના વિકાસ માટે જોઇતી મદદની ખાત્રી આપી હતી. તમિળનાડુ, પ.બંગાળ, આસામ અને કેરળનાં ધાર્મિક સ્થળો ખાતે આધુનિક સવલતો ઊભી કરવા બજેટમાં ૫,૦૦૦ કરોડ રૂપિયા ફાળવવમાં આવ્યા છે.
ટાયર -ટુ અને ટાયર-થ્રી શહેરો તેમજ જે શહેરોમાં મંદિરો છે ત્યાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભાં કરવા બજેટમાં ૭,૫૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. અહીં યાદ રહે કે સૌથી વધુ મંદિરો તમિળનાડુમાં છે કે જ્યાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. રાજ્યનાં ૧૦૦ જેટલાં જૂનાં ઔદ્યોગિક સ્થળો અને એસ્ટેટોમાં વિશેષ સવલતો આપવાની બજેટમાં દરખાસ્ત છે.
પ.બંગાળમાં હૂગલી જિલ્લામાં આવેલા ડાંકુની ફ્રેઇટ કોરીડોરથી સુરત સુધીનો લિન્ક પ્રોજેક્ટ ચર્ચામાં છે. પૂર્વનાં પાંચ રાજ્યો, જેમાં પ.બંગાળનો પણ સમાવેશ થાય છે, ત્યાં ટુરીઝમના વિકાસ માટે પ્રયાસ કરાશે અને તે માટે ૪,૦૦૦ ઇ-બસ ફાળવવામાં આવશે. દરિયા કિનારાનાં રાજ્યોમાં નાળીયેર, સેન્ડલવૂડ, કોકો અને કાજુના ઉત્પાદનમાં સરકાર વિવિધ રીતે ટેકો આપશે એમ નાણાંપ્રધાને કહ્યું છે.
બજેટમાંથી પોતાના રાજ્યને શું મળ્યું તે જાણવા દરેક મુખ્યપ્રધાન ઉત્સુક હોય છે. પ.બંગાળનાં મમતા બેનરજીએ બજેટનો વિરોધ કર્યો છે, પરંતુ વિરોધ કર્યા પછી તેમને ખબર છે કે તેમના રાજ્યના ઉદ્યોગોને વિશેષ લાભ મળ્યા છે. મોદી સરકારને જ્યાં ચૂંટણી છે તે રાજ્યમાં પ્રચાર કરવા જવાનું થશે ત્યારે બજેટમાં કરાયેલી જાહેરાતાનો ઉલ્લેખ જરૂરથી કરશે.


