- પ્રસંગપટ
- ગયા દાયકામાં સૌર ઊર્જા ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે
- ક્લીન ટેકનોલોજીની કિંમતોમાં ઘટાડો થયો છે, જે વિશ્વભરના દેશોને ફાયદો પહોંચાડે છે
ભારત ઊર્જા ક્ષેત્રે ઐતિહાસિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. ફોસિલ ફયુઅલ (જીવાશ્મિ ઈંધણ) પર આધારિત અર્થતંત્રમાંથી દેશ ઝડપથી સ્વચ્છ ઊર્જા (ક્લીન એનર્જી)ના વૈશ્વિક અગ્રણી તરીકે ઊભરી રહ્યો છે. આ સફર માત્ર વીજળી ઉત્પન્ન કરવાને લગતી નથી, પરંતુ ઊર્જા સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ અને આત્મનિર્ભર અર્થતંત્રનું નિર્માણ કરવાનો સંકલ્પ છે.
ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ૨૦૨૧માં યોજિત ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ ખાતે ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ નોન-ફોસિલ વીજ ઉત્પાદન-ક્ષમતા ઊભી કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ૨૦૨૫ના મઘ્ય સુધીમાં ભારતે ૧૨૩ ગીગાવોટ સૌર ઊર્જા સ્થાપિત કરી છે, જ્યારે કુલ અક્ષય (રિન્યુએબલ) ઊર્જા ક્ષમતા ૨૨૦ ગીગાવોટને પાર કરી ગઈ છે. આ વૃદ્ધિનું મુખ્ય કારણ છે કેન્દ્ર અને રાજ્યોએ અપનાવેલી પ્રોત્સાહક નીતિઓ, સ્થાનિક ઉત્પાદન માટેના પ્રયત્નો અને નાગરિકોની સક્રિય ભાગીદારી.ટ
ઉલ્લેખનીય છે કે ૨૦૧૪માં ભારતની સૌર ક્ષમતા માત્ર ૨.૬ ગીગાવોટ હતી, જ્યારે આજે તે ૧૨૩ ગીગાવોટથી વધારે છે. આ આંકડો દર્શાવે છે કે ગયા દાયકામાં સૌર ઊર્જા ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે.
ભારત લાંબા સમય સુધી ચીનથી આયાત કરાતાં સૌર મૉડયુલો પર નિર્ભર રહ્યું છે. ચીન હાલ વિશ્વના ૭૦ ટકાથી વધુ સૌર ઘટકો પૂરા પાડે છે. આ નિર્ભરતા ઊર્જા સુરક્ષાની દૃષ્ટિએ જોખમી હતી. તેને ઘટાડવા માટે સરકારે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઇ) યોજના શરૂ કરી. આ યોજના હેઠળ ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા મૉડયુલોના ઉત્પાદન માટે આથક પ્રોત્સાહન આપવામાં આવ્યું.
પરિણામરૂપે ૨૦૨૫ સુધીમાં ભારતની સૌર મૉડયુલ ઉત્પાદન ક્ષમતા ૮૮ ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે, જ્યારે સેલ મેન્યુફેક્ચરિંગ ૨૫ ગીગાવોટ સુધી વધી છે. સાથે સાથે આયાતી મૉડયુલ્સ પર ૪૦ ટકા સુધીની બેઝિક કસ્ટમ ડયુટી લાદવામાં આવી છે, જેના કારણે સ્થાનિક ઉત્પાદન વધુ સ્પર્ધાત્મક બન્યું છે.
ભારતની આ નીતિઓ ફક્ત સ્થાનિક ઉદ્યોગને મજબૂત નથી કરતી, પણ વૈશ્વિક સ્તરે વિકલ્પરૂપ સપ્લાય ચેઇન ઉભી કરે છે. તેના પરિણામે ક્લીન ટેક્નોલોજીની કિંમતોમાં ઘટાડો થયો છે, જે વિશ્વભરના દેશોને ફાયદો પહોંચાડે છે.
સાથે સાથે ભારતે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ (આઇએસએ) અને વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડ જેવી પહેલ દ્વારા વૈશ્વિક ઊર્જા ક્ષેત્રે સહકારમાં આગેવાની સ્થાપિત કરી દીધી છે. આઇએસએમાં ૧૦૦થી વધુ દેશો જોડાયેલા છે, જે સૌર ઊર્જાને વૈશ્વિક સ્તરે આગળ વધારે છે.
કેન્દ્રીય નીતિઓની સાથે રાજ્યોની પહેલે સૌર ઊર્જાના વિકાસને ગતિ આપી છે.
મઘ્યપ્રદેશે મોરેનામાં સૌર-પ્લસ-સ્ટોરેજ પ્રોજેક્ટ શરૂ કરીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ પ્રોજેક્ટ દિવસ-રાત સમાન વીજળી પૂરી પાડે છે, જે પરંપરાગત થર્મલ પાવર પ્લાન્ટ સાથે સીધી સ્પર્ધા કરી શકે છે. રાજ્ય સરકારે આ મોડેલ દ્વારા સબસિડીના બોજને ઘટાડવાનો પ્રયત્ન કર્યો છે.
ગુજરાતે ૨૦૨૨માં ઘેરઘેર સોલાર રૂફટોપ યોજના શરૂ કરી હતી. આજે રાજ્યમાં ૨.૬ લાખથી વધુ ઘરોમાં રૂફટોપ સોલાર પેનલ લગાવવામાં આવી છે. આ પગલાએ રાજ્યને સૌર ઊર્જા ક્ષેત્રમાં આગેવાની અપાવી છે.
સરકારની યોજનાઓ સામાન્ય નાગરિકો સુધી ઊર્જા ક્રાંતિ પહોંચાડે છે.
હાલમાં ભારત હજુ પોલિસિલિકોન જેવા કેટલાક કાચા માલ માટે ચીન પર નિર્ભર છે. આ ક્ષેત્રે સંશોધન અને સ્થાનિક ઉત્પાદન વધારવાની જરૂર છે. સાથે સાથે, સૌર પેનલોના નિકાલ અને રિસાયકલિંગ માટે નીતિઓ બનાવવી પણ તાત્કાલિક જરૂરી છે. આમ છતાં, ભારતે જે ઝડપે સૌર ઊર્જાના ક્ષેત્રમાં પ્રગતિ કરી છે તે વૈશ્વિક સ્તરે એક દાખલારૂપ બાબત છે. જો હાલની ગતિ જળવાઈ રહી તો ભારત ૨૦૩૦ સુધી ઊર્જા આત્મનિર્ભરતા હાંસલ કરી શકે છે.
છેલ્લે, કહેવું રહ્યું કે ભારતની સૌર ઊર્જા ક્ષેત્રની સફર માત્ર એક ઊર્જા પરિવર્તન નથી, પરંતુ સામાજિક અને આથક વિકાસના રસ્તે કરાયેલી યાત્રા છે. મઘ્યપ્રદેશની નવીનતા, ગુજરાતની રૂફટોપ ક્રાંતિ, રાજસ્થાનની વિશાળ ક્ષમતા તથા લાખો નાગરિકોની ભાગીદારી ભારતને આત્મનિર્ભર અને હરિત ભવિષ્ય તરફ દોરી રહી છે. આ સફર એ સાબિત કરે છે કે જ્યારે નીતિ, ટેક્નોલોજી અને નાગરિકો એકસમાન દિશામાં આગળ વધે છે ત્યારે કોઈપણ રાષ્ટ્ર વૈશ્વિક આગેવાન બની શકે છે.


