Get The App

કાલથી ચૈત્રી નવરાત્રી: ટ્રમ્પના ટેરિફ, ગ્રહોની ચાલના દિવસો

Updated: Mar 29th, 2025

GS TEAM

Google News
Google News
કાલથી ચૈત્રી નવરાત્રી: ટ્રમ્પના ટેરિફ, ગ્રહોની ચાલના દિવસો 1 - image

- બિઝનેસ ક્ષેત્રની નજર બીજી ઓપ્રિલ પર 

- પ્રસંગપટ

- ચૈત્રી નવરાત્રીના દિવસોમાં ગુજરાતમાં એક નવી પરિક્રમા પ્રત્યે લોકોમાં શ્રદ્ધા વધી રહી છે

આજથી આગામી એક અઠવાડિયું ગ્રહોની ચાલ અને વેશ્વિક બિઝનેસ માટે બહુ ઉથલપાથલવાળું બની રહેવાનું છે. આજે અમાસ છે અને આધ્યાત્મિક ઉન્નતિ તરફ લઇ જઇ શકે તેવી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ રવિવારથી થઈ રહ્યો છે. સતત ૨૬ વર્ષથી રાજકીય સિંહાસન પર બિરાજમાન નરેન્દ્ર મોદી પણ ચૈત્રી નવરાત્રી કરે છે તે જાણ્યા બાદ નવી પેઢીમાં અને રાજકારણીઓમાં ચૈૈત્રી નવરાત્રી કરવાનો ક્રેઝ વધ્યો છે.

ચૈત્રી નવરાત્રી મહારાષ્ટ્રની પ્રજા  માટા પ્રમાણમાં કરે છે. હવે તો ગુજરાતમાં પણ ચૈત્રીના ઉપવાસ કરતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે.

 નાના મોટા બિઝનેસ કરતા લોકો ચૈત્રી નવરાત્રી કરીને પોતાના કામકાજના વ્યાપને વધુ મજબૂત બનાવી શકે છે. ઇદના દિવસો પણ નોંધપાત્ર બિઝનેસને ખેંચી લાવશે. ચૈત્રીના ઉપવાસ વ્યાપારીઓની અનેક મુશ્કેલીઓને હણી શકે છે. પાવાગઢના મંદિરમાં અને અંબાજી ખાતે દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

બીજી એપ્રિલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ટરિફ નામનું બ્રહ્માસ્ત્ર ભારતના બિઝનેસ સેક્ટર પર ત્રાટકશે. ભારત તેનો કેવી રીતે સામનો કરે છે તે જોવાનું રહ્યું. સૌની નજર બીજી એપ્રિલ પર છે. શ્રદ્ધાળુઓ તો ત્યાં સુધી કહે છે કે ચૈત્રી નવરાત્રીના આધ્યાત્મિક તાપની અસરથી ટ્રમ્પને કૂણા પાડી શકે છે અને તેઓ ટેરિફની માત્રા ઘટાડી શકે છે! 

ગ્રહોની ચાલના અભ્યાસુઓના મતે આજે ૨૯ માર્ચની રાત્રે શનિ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિને સમયના દેવતા કહ્યા છે. ૨૯મીએ શનિવાર છે, અમાસ છે, સૂર્યગ્રહણ છે તેમજ મીન રાશિમાં બહુ ગ્રહયુતિ પણ જોવા મળશે. વૈદિક જ્યોતિષમાં  શનિ પાસે કર્મનો પોર્ટફોલિયો છે. આ કોઇ મંત્રાલયનો પોર્ટફોલિયો નથી, પણ દરેકના જીવનનો હિસાબ કરતું તત્ત્વ છે. શનિ પાસે વધારાના મંત્રાલય સમાન ન્યાય મંત્રાલયનો વહિવટ પણ છે. 

શ્રધ્ધાપૂર્વક  કરેલા માનસિક જાપ ઉત્તમ ફળ આપે છે તેવું શ્રદ્ધાળાઓનું માનવું છે. 

હિન્દુઓના નવા વર્ષ તરીકે પણ ચૈૈત્રીનો પહેલો દિવસ ઉજવાય છે. આપણે જ્યાં દિવાળી પછીના બેસતા વર્ષને  ઉજવવામાં આવે છે, પણ કેટલાક લોકો એવી રજૂઆત કરે છેે કે ચૈત્રીના પહેલા દિવસને નવા વર્ષ તરીકે  ઉજવવો જોઇએ.  ૧ જાન્યુઆરીને અંગ્રેજી નવા વર્ષ તરીકે ઉજવાય છે, જ્યારે આર્થિક નાણા વર્ષ ૧ એપ્રિલથી  શરૂ થાય છે.  

હિન્દુઓના નવા વર્ષે લોકો સવારે કડવા લીમડાના રસનું સેવન કરીને તંદુરસ્તીનું સંવર્ધન કરે છે. વૈષ્ણવ મંદિરોમાં સવારે મંગળા આરતીમાં લીમડાનો રસ પ્રસાદ તરીકે મળે છે.

ચૈત્રી નવરાત્રીના દિવસોમાં ગુજરાતીઓમાં એક નવી પરિક્રમા પર જવાનો ટ્રેન્ડ વધ્યો છે.  વડોદરા નજીક આવેલા રાજપીપળા પાસેના રામપુરા ગામથી નર્મદા મૈયાની મિની પરિક્રમા ચૈત્ર મહિના દરમ્યાન યોજાય છે. 

સામાન્ય રીતે રીતસર પગપાળા નર્મદાની પરિક્રમા કરવામાં એક વર્ષનો સમય જોઇએ, પરંતુ નર્મદાની  મિની પરિક્રમાનો માર્ગ માત્ર ૧૮ કિલોમીટર જેટલો છે. તેનો એક ભાગ હોડીમાં બેસીને પસાર કરવાનો હોય છે. ચૈત્ર માસમાં ગરમી હોવા છતાં લાખો લોકો મહિના દરમ્યાન પરિક્રમા માટે આવશે. હવે તો ગુજરાત સરકાર આ મિની પરિક્રમાનું માર્કેટિંગ પણ કરે  છે અને યાત્રિકોને તમામ સવલતો પણ પૂરી પાડે છે. આમ તો, આ પરિક્રમા વર્ષોથી થાય છે, પણ છેલ્લાં કેટલાક વર્ષોમાં તેનું મહાત્મ્ય વધ્યું છે. એમાંય જ્યારથી લોકોએ મહાકુંભમાં ગયેલા શ્રદ્ધાળુઓને જોયા છે ત્યારથી  તેઓ બહુ લાંબુ વિચાર્યા વગર પરિક્રમા કરવાની તક શોધવા લાગ્યા છે.

ટૂંકમાં, ચૈત્ર માસ અનેક પડકારોનો સામનો કરવાનું શિખવાડશે અને શ્રદ્ધાળુઓની આધ્યાત્મિક શક્તિ  વધારશે. તેથી જ આજથી સાત દિવસ સુધી ગ્રહોની ચાલ, આધ્યાત્મિક તાકાતમાં વધારો અને બિઝનેસ ક્ષેત્રે ટ્રમ્પના ટેરિફના પગલે ઊભી થનારી સંભવિત અનિશ્ચિતતા જોવા મળશે.