Get The App

18મી લોકસભામાં યાદવ યુગલ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
18મી લોકસભામાં યાદવ યુગલ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે 1 - image


- જો વિપક્ષી જોડાણ જીત્યું હોત તો અખિલેશ સંરક્ષણ પ્રધાન હોત

- કોઇ યુગલ લોકસભામાં ચૂંટાઈ આવે તે તેના પરિવારની મતદારો પરની પકડ બતાવે છે

- પ્રસંગપટ

૧૮મી લોકસભાના પહેલા સત્રની શરૂઆત થઈ ગઈ છે. સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ અને તેમનાં પત્ની ડિમ્પલ યાદવ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં હતાં, કેમ કે આ વખતે લોકસભામાં આ એક માત્ર યુગલ ચૂંટાયું છે. બંને વિપક્ષની પાટલી પર આગળ-પાછળ બેઠાં હતાં. અધ્યક્ષને સંબોધીને જ્યારે અખિલેશે કહ્યું કે અધ્યક્ષ મહોદય, તમારી જવાબદારી વિપક્ષને સંયમમાં રાખવાની છે, તો સાથે સાથે સત્તાધારી પક્ષને સંયમમાં રાખવાની પણ છે. એક બેન્ચ પાછળ બેઠેલાં ડિમ્પલ પતિને આ વાતને અનુમોદન આપતાં હોય તેમ સ્માઇલ કરતાં હતાં. 

કહે છે કે ચૂંટણીનું પરિણામ ઘોષિત થયુ તે પહેલાં વિપક્ષી જોડાણે પોતાનું સંભવિત પ્રધાનમંડળમાં વિચારી રાખેલું, જેમાં અખિલેશને સંરક્ષણ પ્રધાન હતા અને ડિમ્પલને શિક્ષણ પ્રધાન હતાં! 

અખિલેશ અને ડિમ્પલ રાજકારણમાં ચાલતા સગાવાદનું પ્રતીક છે. બંને ઉત્તરપ્રદેશમાંથી ચૂંટાયાં છે. કોઈ યુગલ લોકસભામાં ચૂંટાઈ આવે તે તેના પરિવારની મતદારો પરની પકડ બતાવે છે. ભારતના રાજકારણમાં સગાવાદને પ્રોત્સાહન સામે વિરોધ અને વિવાદ ચાલી રહ્યા છે. ગાંધી પરિવાર, યાદવ પરિવાર, લાલુ પરિવાર, કરૂણાનિધિ પરિવાર, ઠાકરે પરિવાર, પવાર પરિવાર વગેરે સતત ટીકાનું કેન્દ્ર બની રહ્યા છે.

લોકસભામાં અખિલેશ-ડિમ્પલ જેવા યુગલનું ચૂંટાઈ જવું એ નવી વાત નથી. ભૂતકાળ પર નજર કરીએ તો અત્યાર સુધીમાં પાંચ યુગલો લોકસભામાં ચૂંટાઈ ચૂક્યાં છે. 

ચોથી લોકસભામાં (૧૯૬૭-૧૯૭૦) એ.કે. ગોપાલન અને સુશીલા ગોપાલન ચૂંટાયાં હતાં. બંને ડાબેરી વિચારધારા ધરાવતાં હતાં અને મજૂર સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતાં હતાં. એ.કે. ગોપાલને ભારતમાં કમ્યુનિસ્ટ પક્ષની સ્થાપના કરી હતી. તેઓ આઝાદીના લડતમાં ખાસ્સા સક્રિય હતા. તેમનાં પત્ની સુશીલા પણ ઘણાં એક્ટિવ હતાં. ૧૯૬૨માં એ.કે. ગોપાલને કમ્યુનિસ્ટ પાર્ટી છોડીને સીપીઆઇ (એમ)ની સ્થાપના કરી હતી. સુશીલા કેરળમાંથી ૧૯૬૭માં ચૂંટાયાં બાદ ફરી સાતમી (૧૯૮૦-૧૯૮૪) અને દશમી લોકસભામાં પણ ચૂંટાઈ આવ્યાં હતાં.

બિહારના ઔરંગાબાદનું પૈસાદાર કપલ નામે સત્યેન્દ્ર નારાયણ સિંહા અને કિશોરી સિંહા સાતમી તથા આઠમી લોકસભામાં ચૂંટાયાં હતાં. સત્યેન્દ્ર સિંહા બિહારના મુખ્યપ્રધાન પણ બન્યા હતા. 

ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહનાં પત્ની ગાયત્રી દેવી સાતમી લોકસભામાં ચૂંટાયાં હતાં. 

સાતમી લોકસભામાં ચૂંટાયેલા અન્ય એક કપલનું નામ છે મધુ દંડવતે અને પ્રેમિલા દંડવતે. પ્રોફેસર મધુ દંડવતે પાંચ વાર લોકસભા જીત્યા હતા અને ભારતના રેલ્વે તેમજ ફાયનાન્સ મિનિસ્ટર રહી ચૂક્યા હતા. ૧૯૮૧માં પતિ-પત્ની જનતા પાર્ટીની ટિકિટ પરથી ચૂંટાયાં હતાં. મધુ દંડવતે ભારતીય રાજકરાણનું બહુ જાણીતું નામ છે. આ યુગલે પોતાની અલગ ઓળખ ઊભી કરી હતી. મધુ દંડવતે મહારાષ્ટ્રની રાજાપુર અને પ્રેમિલા દંડવતે બોમ્બે નોર્થ-સેન્ટ્રલ બેઠક પરથી ચૂંટણી જીત્યાં હતાં.

બિહારના રાજકારણનું એક જાણીતું નામ રાજેશ રંજન છે, જે પપ્પુ યાદવના નામથી દેશમાં ઓળખાય છે. તેમનાં પત્ની રંજીત રંજન પણ બે વાર સાથે લોકસભાની ચૂંટણી જીત્યાં છે. ૨૦૦૪ અને ૨૦૧૪ દરમ્યાન આ કપલ લોકસભામાં જોવા મળતું હતું. પપ્પુ યાદવે તાજેતરની લોકસભાની ચૂંટણીમાં  કોંગ્રસને ફાળવેલી બેઠક પરથી જંગ લડવા બહુ ધમપછાડા કર્યા હતા. લાલુ પ્રસાદના પરિવાર સાથે બહુ બનતું ન હોવા છતાં એ ચૂંટાઇ આવ્યા છે. ૨૦૦૪માં પપ્પુ યાદવ માધેપુરા બેઠક પરથી આરજેડીની ટિકિટ પરથી લડયા હતા, જ્યારે તેમની પત્ની તેમના રાજકીય પક્ષ લોકજન શક્તિ પાર્ટીની બેઠક પરથી લડયા હતાં.

ભારતની રાજકારણમાં સગાવાદ ચરમ સીમાએ છે. એકવાર રાજકીય સત્તા ભોગવનાર ક્યારેય તે છોડવા તૈયાર  હોતા નથી. ભારતના મોટાભાગના રાજકીય પરિવારો સત્તાના મીઠા ફળ ખાઇ ચૂક્યા હોવાથી તેને વળગી રહ્યા છે.

Prasangpat

Google NewsGoogle News