એક શ્રદ્ધાનું ધામ અને બીજું વિદ્યાનું મંદિરઃ બંનેનો મહિમા એકસમાન
- એક બાજુ મંદિરમાં ભાગદોડ, બીજી બાજુ સ્કૂલની છત તૂટવી
- પ્રસંગપટ
- ઓડિટ જો અસરકારક હથિયાર હોય તો સરકારે તે આગતરું ઉઠાવીને લોકોના જાનમાલનું રક્ષણ કરવું જોઇએ
રવિવારે હરદ્વારમાં માનસા મંદિરમાં થયેલી ધક્કામુક્કીમાં છ શ્રદ્ધાળુઓનાં મૃત્યુની ઘટના અને બે દિવસ અગાઉ રાજસ્થાનના જાલવરમાં સ્કૂલની છત તૂટી પડતાં સાત વિદ્યાર્થીઓનાં અપમૃત્યુની ઘટનાને એકસરખી ગંભીર ગણવી જોઇએ. સ્કૂલો પણ મંદિર સમાન છે, વિદ્યાનાં ધામ છે. સોમવારે રાજસ્થાનમાં સ્કૂલની છત તૂટી પડવાની અન્ય એક ઘટના પણ બની હતી. સદભાગ્યે એમાં કોઇને ઇજા થઇ નહોતી.
પુલ પડી ભાંગવાની ઘટના બને ત્યારે રાજ્ય સરકાર ઉતાવળે તમામ બ્રિજનું ઓડિટ કરાવી નાખવાનું ફરમાન બહાર પાડી દે છે. રાજસ્થાનમાં પણ સ્કૂલની છત તૂટી પડવાને સાત વિદ્યાર્થીઓનાં મૃત્યુ થતાં સ્થાનિક સરકારે તમામ સ્કૂલોનું ઓડિટ કરાવવાની ઘોષણા કરી દઈને મામલો ઠંડો પાડવાનો પ્રયાસ કર્યો છે.
કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે દેશભરની સ્કૂલોનાં મકાનોનું ઓડિટ કરવાની વાત ઉચ્ચારી હતી. રાજસ્થાનનાં નાયબ મુખ્યપ્રધાન દીયાકુમારી પણ સ્થળ પર પહોંચી ગયાં હતાં.
માનસાદેવી મંદિરની ધક્કામુક્કી બાબતે પણ સરકાર કડક પગલાં લેવાની વાત કરે છે. સવાલ એ છે કે સરકાર પાસે જો ઓડિટ જેવું અસરકારક હથિયાર હોય તો તેનો આગોતરો ઉપયોગ કરીને લોકોના જાનમાલનું રક્ષણ કેમ કરવામાં આવતું નથી? ગામડાંની નિશાળના વિદ્યાર્થીઓને ઘણી વાર જર્જરિત મકાનમાં બેસાડવાને બદલે બહાર ઝાડ નીચે બેસાડીને ભણાવવામાં આવે છે. આવી સ્થિતિમાં આશ્વાસન એટલું જ લઈ શકાય કે ખુલ્લામાં ભણતા વિદ્યાર્થીઓ પર કમસે કમ છત તૂટી પડવાનો ભય નથી.
એક તરફ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને શિક્ષણ તંત્રમાં વણી લેવાની વાતો કરીએ છીએ, ને બીજી તરફ ગામડાંની સ્કૂલોમાં પાયાની સવલતો સુધ્ધાં ઉપલબ્ધ નથી. ચૂંટણી જંગ દરમિયાન વિરોધ પક્ષો સરકારી સ્કૂલોની દુર્દશા અને શિક્ષકોની અછતના મુદ્દા ઉછાળે છે, પરંતુ ચૂંટણીનાં પરિણામો આવી ગયા બાદ ભાગ્યે જ આ મુદ્દા યાદ કરવામાં આવે છે.
ગામડામાં ચાલતી આંગણવાડીઓની સ્થિતિ પણ જરાય હરખાવા જેવી નથી. સરકારે આંગણવાડીની જગ્યાઓનું પણ ઓડિટ કરાવવાની પણ જરૂર છે. ચૂંટણી પહેલાં ઉઠાવવામાં આવેલા મુદ્દા પર ધ્યાન આપીને તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવો જોઇએે, કેમ કે વિપક્ષે ઘણી ખણખોદ કરીને સરકાર વિરૂદ્ધ 'મસાલો' ભેગો કર્યો હોય છે.
ગામડાની સરકારી સ્કૂલો મોટા ભાગે રામભરોસે ચાલતી હોય છે. કોઇ સ્કૂલમાં છાપરાં જર્જરિત હોય છે અને વરસાદનું પાણી ટપકતું હોય છે. કોઇ સ્કૂલમાં પૂરતા શિક્ષકો હોતા નથી ને કાં તો તેઓ અનિયમિત રહેતા હોય છે. અનેક સ્કૂલોમાં એક શિક્ષક બબ્બે ધોરણના વિદ્યાર્થીઓને એકસાથે બેસાડીને ભણાવતા હોય છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીની આંતરિક ક્ષમતાઓને ખીલવવાના પ્રયત્નો કરવાની તો વાત જ ક્યાં કરવી.
અલબત્ત, કેટલીક ગ્રામ્ય સ્કૂલો ખાસ્સી સ્વચ્છ-સુઘડ હોય છે. તેની દીવાલો પર સુવાક્યો લખેલાં હોય છે. મેદાન સાફ હોય છે અને વિદ્યાર્થીઓ કિલ્લોલ કરતા નજરે પડે છે.
શહેર અને ગામડાંની સ્કૂલો વચ્ચે આસમાન-જમીનનો તફાવત હોય છે. વિષયો એકસરખા હોવા છતાં બંનેનો માહોલ અને ઇન્ફ્રસ્ટ્રક્ચર સાવ અલગ હોય છે. ગ્રામ્ય સ્કૂલોની સરખામણીએ શહેરની પ્રાઇવેટ સ્કૂલોના શિક્ષકો વધારે સજ્જ હોય છે એવી એક સામાન્ય છાપ ઊભી થાય છે. છતાંય ગ્રામ્ય વિદ્યાર્થીઓ અનેક ક્ષેત્રે શહેરની મોટી તેમજ મોંઘી સ્કૂલોમાં ભણેલા વિદ્યાર્થીઓને પાછળ પાડીને ઝળકી ઉઠયા હોય એવું આપણે સતત જોઈએ છીએ.
જે-તે વિસ્તારના સાંસદોએ એમને મળતા ભંડોળમાંથી સરકારી સ્કૂલોનાં મકાનો તેમજ અન્ય સુવિધાઓ પાછળ ખર્ચ કરવો પડશે. શિક્ષણક્ષેત્રના વિકાસનું કામ ખરેખર તો દાનવીરોએ ઉપાડી લેવું જોઇએ.
સોશિયલ મીડિયા પર લોકોની કમેન્ટ્સનો વરસાદ વરસી રહ્યો છે. કોઈએ સૂચન કર્યું છે કે જેમ ગામના મંદિરનો જીર્ણોધ્ધાર થાય છે, તેમ ગામની વર્ષો જુની સ્કૂલોના જીર્ણોધ્ધાર પણ કરવો જોઈએ. સરકાર દ્વારા થતા સમારકામની ગુણવત્તા અને ગતિ પણ 'સરકારી' હોવાનાં, પણ જો મંદિરના જીર્ણોધ્ધાર સાથે સ્કૂલના રિનોવેશનને પણ જોડી દેવામાં આવે તો પરિણામ અનેકગણું બહેતર મળશે. શ્રધ્ધા અને વિદ્યા એમ બન્નેનાં ધામને એકસરખું મહત્ત્વ મળવુું જોઈએ.