app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

મમતાની દિલ્હીમાં લટારથી સત્તાના સપનાના વાવેતર

Updated: Jul 30th, 2021


- 2024ના જંગ માટે કોંગ્રેસને મમતાની સલાહ 

- પ્રસંગપટ

- સીનિયરોની નારાજગી વહોરીને પણ કોંગ્રેસ પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં સમાવવાની ચાલ રમશે

મમતા બેનરજી દિલ્હીમાં રાજકીય લટાર મારી રહ્યા છે તે સાથે જ ૨૦૨૪નો જંગ જીતવાના સપનાના વાવેતર શરૃ થઇ ગયા છે. આ સપના એટલે ૨૦૨૪માં વિરોધ પક્ષ લોકસભા જીતી જશે અને મોદી સરકારને હટાવીને વર્તમાન વિપક્ષનો કોઇ ઉમેદવાર વડા પ્રધાન બનશે એટલે દેશ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પકડમાંથી મુક્ત થઇ જશે એવી શેખચલ્લી સમાન સ્ટોરીઓ અખબારોમાં પમ્પ કરાઇ રહી છે. છેલ્લી અફવા એ છે કે ચૂંટણી વ્યૂહરચનાના સ્પેશ્યાલીસ્ટ અને મમતા બેનરજી જેમની વ્યૂહરચનાના કારણે પ.બંગાળમાં ફરી મુખ્ય પ્રધાન બની શક્યા તે પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. 

પ્રશાંત કિશોર કોંગ્રેસમાં ચૂંટણી સલાહકાર રહે ત્યાં સુધી ઠીક છે પરંતુ તેમને  કોગ્રેસમાં લાવવાની વાતથી પક્ષમાં  નિરાશા ઉભી થઈ શકે છે. ભારતનું રાજકારણ ના સમજી શકાય એવું છે. પ્રશાંત કિશોર ચૂંટણી વ્યૂહરચના કરે અને તેમાં પ્રાફેેશનલી  નિષ્ણાત સાબિત થાય તેનો અર્થ એ નથી કે તે ભારતના રાજકારણમાં ફીટ થાય. પહેલી નજરે કોંગ્રેસની ચાલ સારી છે પરંતુ તે ચાલ બતાવે છે કે તેમની પાસે ચૂંટણી જીતાડે એવો કોઇ નેતા નથી. આવા ફેરફારો નારાજગી ઉભી કરી શકે છે.

સિનીયર નેતાઓની અવગણાના કોંગ્રેસ માટે ભારે પડી શકે એમ છે. પંજાબમાં તો અમરિંદર સિંહ જેવા સિનીયર નેતાની નારાજગી મોવડીમંડળના નવજોત સિંહ સિધ્ધુ પરના પ્રેમના કારણે વધી છે. દેશના સૌથી જુના પક્ષ કોંગ્રેસને સંગઠન નામનો વાઇરસ આભડી ગયો છે. દરેક રાજ્યમાં સંગઠનના ધાંધીયા શરૃ થયા છે.  કોંગ્રેસ પાસે પાયાના વર્કરોનો અભાવ દેખાઇ આવે છે.

સંગઠન મજબૂત કરવાના બદલે હેલિકોપ્ટર નિતી અપનાવીને કોંગ્રેસ પ્રશાંત કિશોરને સમાવવાના પ્રયાસ કરશે તો પાયાના કાર્યકરોની નારાજગી વહોરી લેશે તેમાં શંકાને સ્થાન નથી. જેને ગૃપ-૨૩ તરીકે ઓળખવામાં આવે છે તેમાંનું કોઇ જાહેરમાં ચર્ચામાં આવતું નથી. આ લોકો પક્ષ વતી કોઇ અભિપ્રાયો પણ આપતા નથી. આ ગૃપમાં ભૂપેન્દ્ર સિંહ હૂડા,શશી થરૃર જેવા નેતાઓ છે.  દેખીતી રીતેજ રાહુલ ગાંધી તરફી અને રાહુલ ગાંધી વિરોધી જૂથ બહાર આવી ગયા છે. આ કોલ્ડ વોર ગાંધી પરિવાર ઠારી શક્યો નહોતો.   

રાહુલ ગાંધી એ કહ્યું હતું કે મારા મધર સોનિયા ગાંધી જ્યારે બિમાર હતા ત્યારેજ પક્ષના પ્રમુખને બદલવાની વાત કરાઇ છે તેનાથી હું બહુ નારાજ છું.  અનેક નેતાઓએ કોંગ્રેસને ફરી સક્રીય બનાવવા પ્રયાસ કર્યા હતા. બળવાખોરીના કારણેતો કોંગ્રેસના હાથમાંથી મધ્યપ્રદેશ સરકી ગયું હતું ્અને રાહુલના ખાસ મિત્ર એવા જ્યોતિરાદિત્ય આજે ઉડ્ડયન પ્રધાન બની ગયા છે. રાજસ્થાનમાં પણ બળવાખોરી ભારેલા અગ્નિની અવસ્થામાં બેઠી છે.  ટૂંકમાં રાહુલ વિરોધીઓને દુર હડસેલાઈ દેવાયા છે .પ.બંગાળ સહીતના પાંચ રાજ્યોમાં ચૂંટણી વખતે પણ કોઇ સિનિયરને જાહેર સભા સંબોધવા નહોતા મોકલાયા જેની નોંધ પક્ષના વફાદારોએ લીધી હતી. આ પાંચેય રાજ્યમાં કોંગ્રેસ કંઇ ખાસ ઉકાળી શકી નહોતી. અને હવે પ્રશાંત કિશોરને સમાવવાની વાત ચલાવીને ગાંધી પરિવારે રાહુલ વિરોધીઓ સાથે સમાધાનની વાત પર પાણી ફેરવી દેશે એમ લાગી રહ્યું છે. 

મમતા બેનરજી ભલે સોનિયા ગાંધી સાથે ફોટા પડાવે પણ કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેના મતભેદ પ.બંગાળના વિધાનસભા જંગ વખતે સપાટી પર આવી ગયા હતા.  કોંગ્રેસ પાસે અનેક ચહેરા એવા છે કે જે તકની રાહ જોઇને ૧૦, જનપથની બહાર ઉભા છે. ૨૧ જેટલા સિનીયર નેતાઓએ પ્રમુખ બદલવાની માગણી કરી છે એટલે તેમને દુર હડસેલી દેવાયા છે. માત્ર ગુલામનબી આઝાદને ફરી રાજ્યસભાના સભ્ય બનાવવા કોંગ્રેસ મોવડીમંડળ રાજી થયું હોય એમ લાગે છે.

પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં સમાવવા બાબતે બંને પક્ષ તરફથી હજુ સુધી કોઇ સત્તાવાર સમર્થન નથી મળતું પણ ગુરૃવારે સવારથીજ આ વાતે જોર પકડયું છે. કહે છે કે મમતા બેનરજીએ સોનિયા ગાંધીને સજેસ્ટ કર્યું છે કે તમે ભલે રાહુલ ગાંધીને ૨૦૨૪ના મેદાનમાં ઉતારો પણ તેને કોઇ પરફેેક્ટ સલાહકાર સાથે ઉતારો. એવું પણ સજેશન થયું છે કે કોંગ્રેસના કેટલાક નેતાઓની ઇમેજના કારણે રાહુલ ગાંધી પણ બદનામ થઇ રહ્યા છે. 

જો પ્રશાંત કિશોરને સાથે રાખવામાં આવશે તો તે રાહુલના ખરા માર્ગદર્શક બની શકશે. સોનિયા ગાંધી માની ગયા છે પરંતુ પ્રશાંત કિશોરે વિચારવાનો સમય માંગ્યો છે.

Gujarat