- નિયમ પાછો ખેંચે તો પણ આંદોલન, નહીંતર નારાજગી
- પ્રસંગપટ
- પોતાના મતદારોને નારાજ કરવાની કળા મોદી સરકારે હસ્તગત કરી લીધી હોય એમ લાગે છે
મોદી સરકાર હાથે કરીને શૂળ ઊભું કરે છે અને પછી લોકલાગણીની ઉગ્રતા જોઈને સરન્ડર થઈ જાય છે. સરકારે કિસાન સુધારણા બિલમાં ઉહાપોહ લાંબો ચાલવા દીધો હતો અને પછી અચાનક જ બે હાથ જોડીને તે પાછો ખેંચી લીધો હતો.
વિવાદાસ્પદ બનેલો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને કરેલો સુધારો દેખીતી રીતે જ એક નાટકબાજી છે. યુજીસીએ કાચું કાપ્યું છે. હવે મોદી સરકારની સ્થતિ યુજીસીના વિવાદને કારણે મા મને કોઠીમાંથી કાઢ જેવી થઈ છે. હવે જો તે યુજીસીના નવા સુધારાને પાછા ખેંચે તો અમાનતતરફીઓ આંદોલન કરે એમ છે, અને જો તે પાછો ના ખેંચે તો ભાજપના કટ્ટર સમર્થક એવા સવર્ણોમાં નારાજગીનું મોજું ફરી વળે એમ છે.
સવર્ણ-દલિતો વચ્ચે વિગ્રહ પેદા કરી નાખે તેવું રાજકીય વાતાવરણ ઊભું કરી દેવાયું છે. સરકાર પાસે વચ્ચેનો કોઇ રસ્તો નથી. સરકાર તાત્કાલિક કોઇ કમિટી નીમી દેશે અને વિવાદ પર ઢાંકપિંછોડો કરવાનો પ્રયાસ કરશે, પણ મોદી સરકારે કાચું કાપ્યું હોય તેવા મુદ્દાની યાદી લાંબી થતી જાય છે તે હકીકત છે.
દરેક ક્ષેત્રને આવરી લેતો ભેદભાવ સંબંધિત કાયદો અમલમાં હોવા છતાં યુજીસીએ ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાઓ માટે અલગ કાયદો બનાવીને કેટલાક વર્ગને બખ્તર સમાન રક્ષણ આપવાનો પ્રયાસ કર્યો હતો. કાયદો ખરેખર કડક છે. જે સંસ્થા તેનું પાલન નહીં કરે તેને મળતી સરકારી ગ્રાન્ટ બંધ કરી દેવાશે અને સંસ્થા બંધ કરી દેવા સુધીનાં પગલાં ભરાશે.
સવર્ણોની નારાજગી અનામત નીતિ સામે વર્ષોથી ચાલી આવે છે. તે મુદ્દે આંદોલનો પણ થયાં છે. વિવિધ રાજ્યો રાજકીય પ્રભાવ ઊભો કરવા વિવિધ વર્ગ માટે અનામતમાં વધારો કરે છે. આવા મામલા સુપ્રીમ કોર્ટમાં પહોંચતા હોય છે. કાયદાના અમલીકરણ માટેની સમિતિમાં પણ શિડયુલ કાસ્ટ સહિતના અનામત વર્ગના સભ્યોને સમાવવાનું સૂચન કરાયું છે. જોકે ઉચ્ચ શિક્ષણ લેતો વિદ્યાર્થી સામાન્યપણે વિવાદ કરતાં શિક્ષણને વધુ મહત્ત્વ આપતો હોય છે.
પહેલી નજરે સુંવાળો લાગતો નવો કાયદો સવર્ણ વિદ્યાર્થીઓ અને સંગઠનોને ખૂંચે એવો છે, કેમ કે તેનો દુરુપયોગ કરીને કેટલાક લોકો તેજસ્વી વિદ્યાર્થીઓની કારકિર્દી બગાડી શકે છે. દરેકને સમાન તક મળે તેવી વ્યવસ્થા સરકાર ઊભી કરવા માગે છે જે આવકાર્ય છે, પરંતુ દરેક વર્ગને ન્યાય મળે તે પણ એટલુંજ જરૂરી છે.
યુજીસીના મુદ્દે સરકારને કોઇએ ગેરમાર્ગે દોરી છે અને ચોક્કસ વર્ગના, અથવા કહો કે સવર્ણ વર્ગના વિદ્યાર્થીઓને કેવી રીતે હાંસિયામાં ધકેલી દેવા તેનો પ્લાન કર્યો હોય એમ લાગે છે. જોકે દેશભરમાં તેનો વિરોધ થયો છે. બધા રાજકીય પક્ષો વિવાદમાં કૂદી પડયા છે. ભાજપના કેટલાક કટ્ટર સમર્થકો પણ મોદી સરકારની ટીકા કરી રહ્યા છે.
બીજી બાજુ, ઉત્તરપ્રદેશમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પ્રયાગરાજમાં પોતાને ડૂબકી મારતા અટકાવ્યા હતા તે મામલે સરકાર સામે મોરચો ખોલ્યો છે, અને ભાજપનાં પીઢ નેતા ઉમા ભારતી અને અન્યોએ તેમને જાહેરમાં સમર્થન આપ્યું છે.
કહે છે કે શંકરાચાર્યએ ઉત્તર પ્રદેશની સરકાર સામે ખોલેલા મોરચા તરફથી ધ્યાન ડાયવર્ટ કરવા માટે સરકારે યુજીસીને હાથો બનાવ્યો છે, પરંતુ જો તે વાત સાચી હોય તો પણ સરકાર તેમાં ફસાતી જતી દેખાય છે. મોદી સરકારની કમનસીબી એ છે કે તેમનાં મંત્રાલયો પૂરતું હોમવર્ક કર્યા વગર જ નિયમો ઘડી નાખે છે અને પછી વિપક્ષના હાથમાં મુદ્દા આવી જાય છે. વિપક્ષ પછી સરકારને ભીંસમાં લેવાનો કોઇ મોકો છોડતા નથી.
માત્ર શિક્ષણજગત નહીં, પણ સમાજના બધા વર્ગ યુજીસીના નવા કાયદાના મુદ્દે બે ભાગમાં વહેંચાયેલો છે. વિપક્ષી રાજકારણીઓ માટે તો બે હાથમાં લાડુ છે, કેમ કે એક તરફ તેને મોદી સરકારને ભીંસમાં લેવાનો મોકો મળ્યો છે, તો બીજી તરફ મોદી સરકારના સમર્થક એવા સવર્ણોના ગઢમાં બાકોરૃં પાડવાનો આસાન તક મળી છે. સોશિયલ મીડિયા પર #ShameOnUGC હેશટેગ ધૂમ મચાવી રહ્યો છે. દલિત અને અનામત સમર્થકો મેદાનમાં આવી ગયા છે અને સરકાર સુધારો પાછો ના ખેંચે તે માટે લોકોને ઉશ્કેરી રહ્યા છે. પોતાના મતદારોને નારાજ કરવાની કળા મોદી સરકારે હસ્તગત કરી લીધી હોય એમ લાગે છે.


