Get The App

જીએસબીના ગણપતિ સૌથી શ્રીમંત 67 કિલોથી વધુ સોનાનો શણગાર

Updated: Aug 29th, 2025

GS TEAM

Google News
Google News
જીએસબીના ગણપતિ સૌથી શ્રીમંત 67 કિલોથી વધુ સોનાનો શણગાર 1 - image

- 474.46 કરોડ રૂપિયાનો વિમો ઉતારવામાં આવ્યો

- પ્રસંગપટ

- મહારાષ્ટ્રના અર્થતંત્રમાં ગણપતિ મહોત્સવ દરમ્યાન 25,000 કરોડની રકમનો જંગી ઉમેરો થશે 

- મુંબઈ સ્થિત જીએસબીના સૌથી શ્રીમંત ગણપતિ 

આઝાદીની ચળવળ વખતે સ્વાતંત્ર્ય સેનાની બાલ ગંગાધર ટિળકે અંગ્રેજો સામે જનતાને એક માંડવા નીચે ભેગા કરવાના હેતુથી શરૂ કરેલો સાર્વજનિક ગણેશ ઉત્સવ આજે દેશના સૌથી મોટા અને ભપકાદાર ઉત્સવો પૈકીનો એક બની ગયો છે.  બાલ ગંગાધર ટિળકની આ દૂરંદેશી હતી. પોતપોતાના ઘરમાં ગણેશજીની પૂજા કરવાને બદલે સાર્વજનિક સ્થળે પૂજા કરવા એકત્રિત થનારા નાગરિકો અંગ્રેજો સામે લડવાની વ્યૂહરચના વિશે ચર્ચા પણ કરી શકતા હતા. 

તે વખતે જોકે બાલગંગાધર ટિળકે કલ્પ્યું નહીં હોય કે તેમણે શરુ કરેલી આ પરંપરા ૮૦ વર્ષમાં વિશાળ મહોત્સવમાં પરિવર્તિત  થઈ જશે. અંગ્રેજોની ભલે દેશમાંથી હકાલપટ્ટી થઈ ગઈ હોય, પણ   લોકો હજુય આ તહેવાર દરમિયાન ભેગા થાય છે અને વધારે ભવ્યતાથી, વધારે જોશપૂર્વક ગણેશજીની પૂજા કરે છે.   

માત્ર ભારતમાં જ નહીં, પણ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુએઈ સહિતના દેશોમાં વસતા ભારતીયો  પણ ગણપતિ બાપાની પધરામણી કરે છે. અમેરિકન ડિપ્લોમેટ્સ અને રાજકારણીઓ ગણેશજીનાં દર્શન કરવા આવે છે. એનઆરઆઈની નવી પેઢી ગણપતિ ઉત્સવનું મહાત્મ્ય સમજી શકે તે માટે નાની પુસ્તિકાઓનું વિતરણ પણ કરવામાં આવે છે. વિદેશમાં રહેતા ભારતીયો તેમની વ્યસ્તતા વચ્ચે પણ ગણપતિ વંદના કરવાનું ચૂકતા નથી. 

આજે ગણેશ ઉત્સવ દેશના સૌથી મહત્ત્વના અને શ્રદ્ધાથી ઊજવાતા ધાર્મિક ઉત્સવો પૈકીનો એક બની ગયો છે. માત્ર મુંબઇમાં જ દોઢ લાખ જેટલાં ગણપતિ સ્થાપન થયા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવાં  ગુજરાતનાં મોટા શહેરો ઉપરાંત નાનાં નગરો અને ગામડાઓમાં પણ ગણેશજીની સવારીને શ્રદ્ધાપૂર્વક વધાવવામાં આવી છે. 

શહેરોની સોસાયટીઓ તેમજ લકઝરી અપાર્ટમેન્ટ્સમાં ગણપતિ દાદા બિરાજમાન થઇ ચૂક્યા છે. અનેક સોસાયટીઓમાં દરરોજ વિવિધ થીમ આધારિત આરતી થાય છે, સમૂહ ભોજન તેેમજ મનોરંજક કાર્યક્રમોનું આયોજન પણ થાય છે.  

સોશ્યલ મીડિયા ગણપતિની શુભેચ્છાઓથી છલકાઇ રહ્યું છે. એક અસર એવી પણ ઊભી થાય છે કે નવરાત્રી કરતાં પણ ગણપતિ મહોત્સવ લોકોને એકબીજાથી વધારે નિકટ લાવે છે. મુંબઈ જેવા મહાનગરમાં આખું વર્ષ એકમેકની ઘેર ન જઈ શકતા સંબંધીઓ-મિત્રા ગણપતિ ઉત્સવ દરમિયાન ગણેશજીનાં દર્શન કરવા ખાસ પધારે છે. 

 એકલા મહારાષ્ટ્રના અર્થતંત્રમાં જ ગણપતિ મહોત્સવ દરમ્યાન ૨૫,૦૦૦ કરોડ જેટલી રકમ ઠલવાશે. ફૂલોથી માડીને સુશોભનની અન્ય ચીજવસ્તુઓ અને મોદકથી માંડીને અન્ય મીઠાઈઓનું આ ુઉત્સવ દરમિયાન ધૂમ વેચાણ થાય છે. મિઠાઇથી માંડીને મોદક સુધીની બોલબાલા જોવા મળે છે.

મુંબઇમાં લાલબાગના બાદશાહનું વિશેષ આકર્ષણ છે. ૧૯૩૪માં આ સાર્વજનિક ઉજવણીની શરૂઆત થઇ હતી. લાલબાગ ચા રાજાથી આકર્ષાઈને અમદાવાદ અને અન્ય શહેરોમાંથી  શ્રદ્ધાળુઓ ખાસ મુંબઈ આવે છે. શ્રદ્ધાળુઓ ક્યારેક તો બબ્બે દિવસ સુધી કતારમાં ઊભા રહીને ભવ્ય પ્રતિમાનું દર્શન કરી ભાવવિભોર બને છે. આ તહેવાર દરમિયાન સ્પેશિયલ ટ્રેનો દોડાવાય છે. મુંબઇની મેટ્રો રાત્રે પણ દોડવાની છે.

મુબંઇના કિંગ્સ સર્કલ પાસે સ્થાપના પામતા ગણપતિ દેશના સૌથી શ્રીમંત ગણેશજી ગણાય છે. આ સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન ગૌડ સારસ્વત બ્રાહ્મણ સેવા મંડળ દ્વારા થાય છે. આ વખતે અહીં ગણેશજીને ૬૭ કિલોથી વધુ સોનુ અને ૩૩૬ કિલો ચાંદીનાં ઘરેણાંથી સજાવવામાં આવ્યા છે. મંડળ તરફથી જીએસબી ગણેશજીનો ૪૭૪.૪૬ કરોડ રૂપિયાનો વિમો ઉતારવામાં આવ્યો છે.