- હરિયાણા પ્રદૂષણ બોર્ડે મુખ્યપ્રધાનને વિગતો આપી
- પ્રસંગપટ
- છેલ્લા 32 વર્ષમાં યમુનાની સફાઇ પાછળ 8000 કરોડ રૂપિયા ખર્ચાયા છે જે પાણીમાં ગયા છે
હરિયાણા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે રાજ્યના મુખ્યપ્રધાન નાયબસિંહ સૈનીને જાણ કરી હતી કે દિલ્હીથી આવતા યમુનાના પાણીમાં રોજ ૨૧૧ મિલીયન લીટર અનટ્રીડેટ(શુધ્ધ કર્યા વિનાનું) પાણી છોડાય છે. આ અહેવાલ ચોંકાવનારો છે. હરિયાણાની સરકારે યમુનાના પાણીને શુદ્ધ કરવા ખાસ બજેટ ફાળવ્યું છે. મુખ્યપ્રધાન સૈની ૨૧૧ મિલીયન લીટર પાણીના કારણે ઉભી થતી સમસ્યા નિવારવા દિલ્હીના મુખ્ય પ્રધાનને મળવાના છે.
જ્યારે બીજી તરફ દિલ્હીના મુખ્યપ્રધાન રેખા ગુપ્તાએ બે દિવસ અગાઉ યમુનામાં ઠલવાતી ગંદકી બાબતે સફાઇનું કામ સંભાળતા અધિકારીઓને જાહેરમાં ખખડાવ્યા હતા.
દિલ્હીની સરકારે ૨૨,૨૩૬ કરોડનું ગ્રીન બજેટ આપીને દેશનું ધ્યાન ખેંચ્યું છે. દિલ્હીમાં અગાઉની આમ આદમી પાર્ટીની સરકારે પણ બહુ મોટા પાયે યમુના શુધ્ધિકરણની વાતો કરી હતી પરંતુ છેલ્લે જ્યારે ૨૦૨૪ના નવેમ્બરમાં છઠની પૂજા યોજાઇ ત્યારે મહિલાઓે ફીણવાળા પાણીમાં ઊભા રહીને પૂજા કરી હતી.
યમુનામાં સતત ઠલવાતા ગંદા પાણી અને કારખાનાઓના પાણીના કારણે પ્રદૂષણ વધે છે અને પાણીમાં ફીણના ગોટા તરતા દેખાય છે. કિનારે આવેલા કારખાનાઓએ ભૂગર્ભમાં ખાળ કૂવા કરીને તેના કનેક્શન યમુના નદીમાં આપ્યા છે.
યમુનામાં સ્નાન કરવાનું લોકો માંડીવાળે એટલું ગંદુ પાણી આજે પણ કીનારા વિસ્તારમાં જોવા મળે છે. લોકોની ધાર્મિક ભાવના દુભાય છે પરંતુ યમુના ગંદી જ રહી છે.
દિલ્હીની રાજ્ય સરકારે ગ્રીન બજેટ બહાર પાડીને દેશના પર્યાવરણવાદીઓનું ધ્યાન ખેંચ્યું છે. દિલ્હી પ્રદૂષણથી ત્રસ્ત છે. યમુના નદીમાં તરતા ફીણના ગોટે ગોટા છેલ્લા ૧૦ વર્ષથી જોવા મળે છે. દરેક સરકારોએ યમુનાને સ્વચ્છ કરવા ઝુંબેશ આદરી હતી. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેજરીવાલે પણ યમુના શુધ્ધિકરણ માટે અનેક વચનો આપ્યા હતા પરંતુ યમુના મેલીને મેલી જ રહી હતી. જ્યારે છઠ પૂજન આવતું હતું ત્યારે શ્રધ્ધાળુ લોકો કિનારાની ગંદકીમાં ઉભા રહીને સૂર્યને અર્ઘ્ય આપતા હતા. કેટલાક કિનારા ચોખ્ખા કરીને ત્યાં ટેમ્પરરી ઓવારા ઊભા કરી દેવાતા હતા.
છેલ્લા ૩૨ વર્ષમાં યમુના સફાઇ પાછળ ૮૦૦૦ કરોડ રૂપિયા ખર્ચાયા છે જે પાણીમાં ગયા છે અથવા તો કૌભાંડોનો એક ભાગ બની ગયા છે એમ કહી શકાય. યમુના નદીના ૨૨ કિલોમીટરનો પટ્ટો ગંદકીથી છલકાતો હોય છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેની સફાઇ પાછળ ૫૫૦૦ કરોડ ખર્ચાયા છે.
યમુના નદીમાં છોડાતા ગટરના પાણી અને કિનારા નજીક આવેલા કારખાનાના કેમિકલ યુક્ત પાણી યમુનાને ગટરના નાળા જેવી બનાવી દે છે. યમુનાની સફાઇ વારંવાર ચૂંટણી મુદ્દો બનેલો છે. પરંતુ કોઇ રાજકારણી યમુનાની સફાઇ પાછળ ખઇ ખપૂચીને પડયો નથી. યમુના સફાઇ પાછળ ૮૦૦૦ કરોડ ખર્ચાયા છે તો પછી સફાઇ કેમ ના થઇ તેવું પૂછનાર કોઇ નથી. પર્યાવરણના સમર્થકો વારંવાર સફાઇ કરવા પહોંચે છે પરંતુ નદીના કિનારા પર સતત કચરો ઠલવાતો રહે છે.
રેખા ગુપ્તાની સરકારે બહાર પાડેલા ગ્રીન બજેટમાં અનેક પગલાં લેવાયા છે. દિલ્હી જેમ યમુનાની ગંદકી તેમજ તેમાં આચરાયેલા ભષ્ટાચારથી ત્રસ્ત છે એમ હવાના પ્રદૂષણથી પણ ત્રસ્ત છે.


