- લોકપાલની કામગીરી સામે જ શંકાના દાયરામાં
- પ્રસંગપટ
- જયરામ રમેશે 'શોકપાલ' શબ્દ વાપર્યો, તો ચિદમ્બરમે ખોટા ખર્ચા સામે વિરોધ નોંધાવ્યો
- કારવિવાદઃ લોકપાલ અજય માણિકરાવ ખાનવીલકર
જે લોકપાલ નીમવા માટે અણ્ણા હજારે, અરવિંદ કેજરીવાલ ઇત્યાદિએ (એક થિયર મુજબ આડકતરી રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ)આંદોલન કરીને વાહ વાહ લૂંટીને દેશનું ધ્યાન ખેંચ્યું હતું. આ જ લોકપાલની ઓફિસ આજકાલ વિવાદમાં છે. ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન જેવા ટાઇટલ હેઠળ ચલાવેલા આંદોલન દરમિયાન લોકપાલની નિમણૂકનું મહત્ત્વ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. આંદોલનના પગલે નિમાયેલા લોકપાલની ઓફિસ સામે જ આજે ભ્રષ્ટાચારના આક્ષેપો થઇ રહ્યા છે. બિહારની ચૂંટણીઓ પૂર્વે વિરોધ પક્ષોના હાથમાં નવો મુદ્દો આવી ગયો છે.
લોકપાલની ઓફિસે બીએમડબલ્યુ ૩૩૦ ન્ૈ (લોંગ વ્હીલ બેઝ) લકઝરી કાર ખરીદવા પ્રયાસ કરતાં તે વિવાદના સાણસામાં પકડાઇ ગઇ છે. જે હોદ્દાને દેશમાં સન્માનથી જોવામાં આવી રહ્યો છે તેની કામગીરી સામે જ આંગળી ચિંધાઈ રહી છે. કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે લોકપાલ પર 'શોકપાલ'નું લેબલ માર્યું છે. જયરામ રમેશે કહ્યું હતું કે લોકપાલનું કામ શું છે? તેમણે કેટલા લોકોની ધરપકડ કરી? કેટલી તપાસો કરી?
વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે લોકપાલેની ઓફિસે બીએમડબલ્યુ કાર ખરીદવા માટે ટેન્ડર બહાર પાડયું. કોગ્રેસના નેતા પી. ચિદમ્બરમે કહ્યું હતું તે સુપ્રીમ કોર્ટના જજને લકઝરી કાર અપાય છે, પરંતુ લોકપાલને લકઝરી કારનો ઉપયોગ કરતા અટકાવવા જોઇએ. સુપ્રીમ કોર્ટના જજને આધુનિક સેડન કાર આપવામાં આવી છે માટે લોકપાલના સભ્યો આ ડિમાન્ડ કરી રહ્યા છે.
લોકપાલના ચેરમેન અને તેમના છ સભ્યો ક્યાં કારણો બતાવીને લકઝરી કાર બીએમડબલ્યુ માંગે છે એવા પ્રશ્નો પૂછાઇ રહ્યા છે. ચિદમ્બરમને તો વિરોધ કરવાની મજા પડી ગઇ છે. તેઓ લખે છે કે ઓટોમોબાઇલ માર્કેટમાં ચાલતા ભાવ અનુસાર એક બીએમડબલ્યુની કિંમત અંદાજે ૬૦ લાખ રૂપિયા છે. લોકપાલના ચેરમેન અને સભ્યોે શા માટે પ્રજાનો પૈસો વેડફવો જોઇએ એવો સવાલ તેઓ કરે છે.
કારના ભાવ લોકપાલની ઓફિસમાં મોકલવાની છેલ્લી તારીખ ૭ નવેમ્બર છે. એમ લાગે છે કે ત્યાં સુધીમાં તો વિરોધ પક્ષ લોકપાલને બદનામ કરી નાખશે. અહેવાલો અનુસાર, લોકપાલે પાંચ કરોડના ખર્ચે સાત બીએમડબલ્યુ ખરીદવાની તૈયારી કરી છે. આ કારો ઓફિસમાં આવી જશે પછી ડ્રાઇવરોને અઠવાડીયા સુધી તે ચલાવવાની તાલીમ આપવાનો પ્લાન છે. દેખીતી રીતે જ લોકપાલની ઓફિસ પોતાના માટે ટ્રાન્સપોર્ટની સવલતો વધારવા માગે છે.
લોકપાલ એક સ્વતંત્ર ભ્રષ્ટાચાર વિરોધી સત્તા છે, જેનું કામ લોકોનાં હિતોની રક્ષા કરવાનું તેમજ રાષ્ટ્રીય સ્તરના ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ કરવાનું છે. ૨૦૧૩માં લોકપાલ અને લોકાયુક્ત એક્ટને આકાર આપવામાં આવ્યો હતો. ૨૦૧૦માં સોશિયલ વર્કર અન્ના હઝારેના નેતૃત્વ હેઠળ જનલોકપાલ આંદોલન કરાયું ત્યાર બાદ લોકપાલ એક્ટ તૈયાર કરાયો હતો.
લોકપાલ એને અપાયેલી સત્તા હેઠળ વડાપ્રધાન, કેન્દ્રીય પ્રધાનો તેમજ કેન્દ્ર સરકારના અધિકારીઓ સામેના આક્ષેપોની તપાસ કરી શકે છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટીસને લોકપાલ તરીકે નીમવામાં આવે છે. વર્તમાન લોકપાલ તરીકે ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ અજય માણિકરાવ ખાનવીલકર કાર્યરત છે. અનેક લોકોનું એવું માનવું છે કે લોકાયુક્તની ઓફિસને નાહકની વિવાદમાં ઢસેડવામાં આવી છે, કેમ કે બંધારણીય સત્તા ધરાવતી ઓફિસો પાસે લકઝરી કાર હોવું સામાન્ય બાબત છે. સાદાઇથી રહેવાની કે ઓફિસના ખર્ચામાં કરકસર કરવાની સલાહ કોઇને અપાય તેેમ નથી.
સરકારી ઓફિસો, ખાસ કરીને બંધારણીય સત્તા ધરાવતી સરકારી એજન્સીઓ અને સંસ્થાઓ સાથે હાઇફાઇ સવલતો જોડાયેલી હોય છે. લોકપાલની ઓફિસ વિવાદમાં એટલા માટે છે કે તે એક સાથે સાત બીએમ ડબલ્યુ ખરીદવાની છે. લોકપાલની ઓફિસે દર મહિને એકાદ લકઝરી કાર ખરીદી હોત તો કદાચ નોંધ ન લેવાત, પરંતુ એક સાથે સાત બીએમડબલ્યુનો ઓર્ડર કેટલાય લોકોની આંખમાં ખૂંચે તે સ્વાભાવિક છે.
જયરામ રમેશ પૂછે છે કે લોકપાલે અત્યાર સુધીમાં કેટલી તપાસ કરી?
જયરામ રમેશની વાતમાં દમ છે. જો લોકપાલે કોઇ કેસમાં નક્કર તપાસ કરી હોય તો તે જાહેર કરવી જોઈએ.


