- 48 કલાક પછીય સાચી વિગતો બહાર આવી નથી
- પ્રસંગપટ
- બલૂચિસ્તાનનું વિદેશ મંત્રાલય તો એટલે સુધી કહે છે કે ઇમરાન ખાનને જેલમાં જ પતાવી દેવાયો છે
સોશિયલ મીડિયા પર ઇમરાન ખાનનું જેલમાં મોત થયું હોવાની ખબર ફરતી થઈ તે વાતને ૪૮ કલાક પસાર થઈ ગયા પછી પણ પાકિસ્તાનના સત્તાધારીઓ ભેદી મૌન રાખીને બેઠા છે. બહુ ઊહાપોહ થયો ત્યારે એમણે કહ્યું કે ઇમરાનના મોતની અફવા પાયા વિનાની છે અને ઇમરાનની તબિયત સારી છે. જોકે ઇમરાનના સમર્થકો પોતાના નેતાનું મોં જોવા માગે છે. પાકિસ્તાનના સત્તાવાર ન્યૂઝ પોર્ટલ પર ઇમરાન તંદુરસ્ત હોવાનું કહીને લોકોને શાંત પાડવા પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ તેમના કોઇ કુટુંબીને મળવાની પરવાનગી અપાઈ નથી.
પાકિસ્તાનના સત્તાધારીઓ ઇમરાનની લેટેસ્ટ તસવીર પણ બતાવતા નથી. પાકિસ્તાનની જેલમાં એમનું મૃત્યુ થયું છે તે વાત વેગ પકડી રહી છે તેનું એક કારણ આ પણ છે. બંને પક્ષ એટલેકે સોશિયલ મીડિયા અને પાકિસ્તાની સત્તાધારીઓ પોતપોતાની વાતને વળગી રહ્યા છે.
પાકિસ્તાનમાં સત્તાસ્થાનેથી ઉતરેલા શાસક કાં તો ફાંસીની સજા પામે છે કે અથવા તો એ દેશ છોડીને ભાગી જાય છે. ૭૨ વર્ષના ઇમરાન ખાનને સંભવતઃ જેલમાં જ પતાવી દીધાના અહેવાલોથી કોઈને આશ્ચર્ય થતું નથી.
ભૂતપૂર્વ શાસકોને પતાવી નાખવા માટે વર્તમાન શાસકો કારણ શોધતા હોય છે. પાકિસ્તાનના વર્તમાન શાસકો અમેેેરિકા અને ચીનના ખીલે કૂદી રહ્યા છે. તેમનો ભરોસો કરવા કોઇ દેશ તૈયાર નથી. ભારતે ઇમરાન ખાન માટે લોહી બાળવાની જરૂર નથી, કેમ કે એ પણ ત્રાસવાદની તરફેણમાં અને કાશ્મીરની વિરુદ્ધમાં નિવેદનો કરી ચૂક્યા છે. ૫ ઓગષ્ટ ૨૦૨૩ના રોજ ઇમરાનને ભ્રષ્ટાચારના કેસમાં લખનૌથી પકડીને જેલમાં મોકલાયો હતો.
ઇમરાન ખાનની પાકિસ્તાનમાં વસતી ત્રણ બહેનો નોરીન, અલીમા અને ઉઝમાની દશા ખરાબ છે. તેમના પર હુમલા કરાય છે અને તેમને ઇમરાનને મળવા દેવાતાં નથી. ઇમરાન ખાન પાકિસ્તાનમાં લોકપ્રિય છે. આ લોકપ્રિયતા જ તેમનો જાન લઇ શકે છે એમ તેમના સમર્થકોનું માનવું છે.
બલૂચિસ્તાનનું વિદેશ મંત્રાલય તો એટલે સુધી કહે છે કે ઇમરાન ખાનને પતાવી દેવાનો પ્લાન આઇએસઆઇ અને લશ્કરના આસિમ મુનીરે ઘડયો હતો. ઇમરાન ખાનને જેલમાં જ પતાવી દેવાયો છે અને તેની બોડીને સગેવગે કરવા બહાર મોકલી દેવાઇ છે તેવો આક્ષેપ પણ બલૂચિસ્તાનનું વિદેશ મંત્રાલય કરે છે.
સોશિયલ મીડિયા પર બલૂચિસ્તાન અને અફધાનિસ્તાનની જનતાનું ઝેરી લખાણ જોવા મળે છે. તેઓ પાકિસ્તાન વિરોધી હોવાથી તેમની ઇમરાન ખાનના મોત વિશેની થિયરીને સાચી માની શકાય એમ નથી. ઇમરાન ખાન જોકે ભૂતકાળમાં એવી ફરિયાદો કરી ચૂક્યા છે કે જેલમાં તેમને બહુ હેરાન કરવામાં આવે છે. રાવલપિંડીની જેલમાં રખાયેલા ઇમરાન ખાનના સંભવિત મોતના ન્યુઝ વિશ્વભરમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યા છે, પરંતુ કોઇ સત્તાવાર સમાચાર એજન્સીએ ઇમરાનના મોતના અહેવાલોને સમર્થન નથી આપ્યું.
ઇમરાનની બહેનો જેલની બહાર બેઠી છે અને તેમને મળવા ઇચ્છે છે. ઇમરાનના સમર્થકો પણ ઇમરાનને મળવા માગે છે. રાવલપિંડી જેલની બહાર તેઓ અડીંગો જમાવીને બેઠા છે.તેઓ આંદોલન કરવા તૈયાર થયા છે. ઇમરાનની બહેનોએ આક્ષેપ કર્યો હતો કે ઇમરાન જેલની બહાર હતા ત્યારે કેટલાક લોકોએ એમના પર હુમલો કર્યો હતો.
સોશિયલ મીડિયાના હાથમાં ગરમાગરમ મસાલો આવી ગયો છે. કેટલાકે તો સ્ટ્રેચર પર સૂતેલા ઇમરાન ખાનનો ફોટો પણ મુક્યો છે. અફધાન ટાઇમ્સે બ્રેકીંગ ન્યૂઝ તરીકે ઇમરાનના મોતને ચમકાવ્યું.
જો ઇમરાન ખાનનું જેલમાં મોત હકીકત બને તો પાકિસ્તાન માટે અનેક સમસ્યાઓે ઊભી થાય એમ છે. સ્થાનિક સ્તરે ઇમરાનના સમર્થકોને કાબુમાં રાખવા મુશ્કેલ બની જાય અને વૈશ્વિક પ્લેટફોર્મ પર દેશ બદનામ થઇ જાય.
સોશિયલ મીડિયા અફવાઓ ફેલાવતું બજાર હોઇ શકે છે, પરંતુ સામે છેડે પાકિસ્તાનના સત્તાવાળાઓેએ સાચી વાત સાથે લોકોની સમક્ષ આવવાની જરૂર છે.


