તગેડી મુકેલા ભિખારીઓના ટોળાં પાકિસ્તાનની સરહદે રખડી રહ્યા છે
- સાઉદી અરેબિયા અને ઇરાકમાંથી હાંકી કઢાયા
- પ્રસંગપટ
- 22 મિલીયન જેટલા પાકિસ્તાની ભીખ માંગવાનો બિઝનેસ : 40 અબજ ડોલરનો બિઝનેસ
ચોમેરથી ઘેરાયેલા પાકિસ્તાનની આબરૂના લીરાં એક પછી એક ઉડતા દેખાઇ રહ્યા છે. ઇન્ડિયન મોનેટરી ફંડે પાકિસ્તાનને આર્થિક સહાય આપી ત્યારે ભારતે કરેલા ઉહાપોહની અસર થઇ હતી અને પાકિસ્તાનને લોન સામે ૧૧ જેટલા નિયંત્રણો લાદીને તેને ફસાવી દીધું હતું. ત્યારે ભારતે જાહેરમાં કહ્યું હતું કે પાકિસ્તાનને મળતા ફંડનો ઉપયોગ તે પાકિસ્તાનના વિકાસ માટે નહીં પણ ત્રાસવાદી સંગઠનોને મજબૂત બનાવવા કરે છે.
વિશ્વમાં ત્રાસવાદ ફેલાવનાર પાકિસ્તાન છે એમ વિશ્વને સમજાવવા ભારતે સાંસદોના પ્રતિનિધિ મંડળ મોકલ્યા છે. પાકિસ્તાન પાસે તેના બચાવમાં કહેવા જેવું કશું બચ્યું નથી. પાકિસ્તાનના ટેકામાં ઉભા રહેલા દેશોને પણ ભારત ખુલ્લા પાડી રહ્યું છે.
પાકિસ્તાનના આંતરિક ડખા પણ વિશ્વ સામે આવી રહ્યા છે. આંતરિક ભૂખમરાની સ્થિતિ વચ્ચે પાકિસ્તાનને પોતાનો વધુ એક ટૂકડો બલૂચિસ્તાન રૂપે થઇ જશે તેવો ડર સતાવી રહ્યો છે.
પાકિસ્તાન દિશા વિહીન બની ગયું છે. ઇમરાનખાનના સમર્થકો તેમની મુક્તિ માટે હિંસક આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ અજ્ઞાાત હુમલાખોરો ત્રાસવાદી સંગઠનો સાથે સંકળાયેલાઓને ઉડાવી રહ્યા છે. પોતાની ઇમેજ સુધારવા પાકિસ્તાન કોઇ દેશનો સહકાર લઇ શકે એમ નથી કેમકે દરેકની નજરમાં તે જોખમી દેશ બની ગયો છે.
પાકિસ્તાન પર વધુ એક બદનામી ચીટકી ચૂકી છે. વિશ્વમાં ૪૦ અબજ ડોલરનો ભીખ માંગવાનો (બેગીંગ) ઉદ્યોગ પાકિસ્તાનના કારણે ેફૂલ્યો ફાલ્યો છે. જેનું મેઇન સેન્ટર પાકિસ્તાન છે. પાકિસ્તાનમાં ભૂખમરાની સ્થિતિ છે. બીજી તરફ પાકિસ્તાનના ભિખારીઓને સાઉદી અરેબીયા પાછા તગેડી રહ્યું છે. ૨૦૨૫માં મે મહિનાના આંકડા અનુસાર સાઉદી એરેબિયાએ પાક્સ્તાનના ૩૦૦ ઉપરાંત ભિખારીએાને પરત તગેડી મુક્યા છે. બીજા નંબર ઇરાકના સત્તાવાળા આવે છે તમણેે પણ પાકિસ્તાનના ભિખારીઓને તેમની સરહદ પર છોડી દીધા છે.
એક તરફ પાકિસ્તાન ભૂખમરાથી પીડાય છે તો બીજી તરફ સાઉદી અરેબિયા જેવા દેશો ત્યાં પડી રહેતા પાકિસ્તાનના ભિખારીઓને પરત તગેડી રહ્યા છે. પાકિસ્તાન ભિખારીઓ માટેનું વૈશ્વિક હબ બની ગયું છે. પાકિસ્તાનના ભિખારીઓના ટોળે ટોળાંથી સાઉદી અરબના સત્તાધીશો ત્રાસ અનુભવતા હતા. અંતે કંટાળીને તેમની હકાલપટ્ટી શરૂ કરી છે.
પાકિસ્તાનના ભિખારીઓને પરત તગેડાય છે તે અહેવાલ પાકિસ્તાનની ઇમેજ ખરડાવી રહ્યા છે. ૨૦૨૪માં સાઉદી અરેબિયાએ ૪૮૫૦ જેટલા ભિખારીઓને પરત તગેડાયા હતા તો ઇરાકે ૨૪૭ પાકિસ્તાની ભિખારીએાને સરહદ પર ધકેલી દીધા હતા. આમ અફઘાન સરહદે પાકિસ્તાનના ભિખારીઓના ટોળેટોળાં રખડતા જોવા મળે છે.
સાઉદી અરેબીયાએ તો પાકિસ્તાનથી આવતા ભિખારીઓને અટાકવવા વિઝાના નિયમોે કડક બનાવ્યા છે. મલેશિયા,ઓમાન અને કતારે પણ પાકિસ્તાનના ભિખારીઓને ધકેલવા શરૂ કર્યા છે.
સાઉદી અરેબિયાએ ભિખારીઓને અટકાવવા કડક બનાવેલાં વિઝા નિયમોના કારણે પાકિસ્તાનના સામાન્ય નાગરિકોને પણ વિઝા મેળવવા મુશ્કેલ બનતા જાય છે.
એક અંદાજ અનુસાર ૨૨ મિલીયન જેટલા પાકિસ્તાની ભીખ માંગવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. જે ૪૦ અબજ ડોલરની ઇકોનોમી સાથે સંકળાયેલો બિઝનેસ છે.
પાકિસ્તાનના લોકો ધાર્મિક પ્રવાસના નામે વિઝા મેળવે છે અને પછી ભીખ માંગવાના વ્યવસાયમાં જોડાઇ જાય છે. પાકિસ્તાનને લોકો ભિખારી દેશ તરીકે ચીતરી રહ્યા છે અને ત્યાંના સત્તવાળાઓ નીચી મૂંડીએ બેસી રહ્યા છે.