Get The App

ભારતનાં તરુણ-તરુણીઓને સોશિયલ મીડિયાના દૂષણથી દૂર રાખવા જોઇએ

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
ભારતનાં તરુણ-તરુણીઓને સોશિયલ મીડિયાના દૂષણથી દૂર રાખવા જોઇએ 1 - image

- ઓસ્ટ્રેલિયાએ પ્રતિબંધ મુકીને સફળતા મેળવી છે 

- પ્રસંગપટ

- સતત સોશિયલ મીડિયા પર રચ્યાપચ્યા રહેવાના  વળગણને તમાકુના વ્યસન સાથે સરખાવવામાં આવ્યું છે

સોશિયલ મિડીયાના વળગણની સમસ્યાનો ઉકેલ આસાન નથી. કોર્ટ પ્રતિબંધ મૂકે એટલે વળગણ બંધ થઇ જાય એમ માનવાની જરૂર નથી. કેલિફોર્નિયાની કોર્ટે મેટા અને આલ્ફાબેટ જેવી જાયન્ટ ટેકનોલોજી કંપનીઓને કહ્યું છે કે તમે જાણી જોઈને એવાં ફિચર્સ બનાવો છો કે જેથી યુવાનોને ઓનલાઇનમાં રત રહેવાનું પ્રોત્સાહન મળે. ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ વગેરેને ડિઝાઇન જ એવી રીતે કરવામાં આવ્યાં છે કે ૧૮ વર્ષથી નાની ઉમરના છોકરા-છોકરીઓને (અને ઇવન મોટેરાઓને પણ) ફોન નીચે મૂકવાનું મન ન થાય.  

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ એ ત્રણેય સોશિયલ મિડીયા મેટા પાસે છે, જ્યારે યુટયુબ અને ગૂગલ આલ્ફાબેટ પાસે છે. મેટા અને આલ્ફાબેટ બંને એવાં ફીચર્સ મૂકે છે કે તરુણ-તરુણીઓ તેના તરફ આકર્ષાય છે, ને લાંબે ગાળે તેના વ્યસની બની જાય છે. તેઓ પછી હતાશા અને ડિપ્રેશનનો શિકાર બને છે. કોઈ પણ કામમાં તેઓ એકાગ્ર થઈ શકતા નથી. 

સોશિયલ નેટવર્કના વ્યસનને તમાકુના વ્યસન સાથે સરખાવવામાં આવ્યું છે. મેટા અને આલ્ફાબેટની આવક બિલિયન ડોલર્સમાં હોય છે. ૨૦૨૫માં  આલ્ફાબેટની ચોખ્ખી આવક ૧૩૨ બિલિયન ડોલર હતી, જ્યારે મેટાની ચોખ્ખી ઇન્કમ ૬૦.૪૬ બિલિયન ડોલર હતી. એક વીસ વર્ષની યુવતીના કથળેલા મેન્ટલ હેલ્થ માટે મેટા અને આલ્ફાબેટ જવાબદાર છે એવો ચૂકાદો આપીને કેલિફોર્નિયાની કોર્ટે તાજેતરમાં આ બન્ને કંપનીઓને કુલ છ મિલિયન ડોલરનો દંડ કર્યો છે. સચ્ચાઈ એ છે કે આ જાયન્ટ કંપનીઓનેે છ મિલિયન ડોલરના દંડથી કોઇ ફર્ક પડવાનો નથી. કોર્ટે કહ્યું છે કે કેટલા ડોલર દંડ કર્યો તે મહત્ત્વનું નથી, પણ અમે આ કંપનીઓને કાયદા હેઠળ લાવવા માગીએ છીયે.

૧૬ વર્ષ કરતાં ઓછી વય ધરાવતા નાગરિકો માટે  સોશિયલ નેટવર્ક પર પ્રતિબંધ મુકનાર ઓસ્ટ્રેલિયા પહેલો દેશ બન્યો હતો. ઓસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષ કરતાં ઓછી ઉંમર ધરવતાં છોકરા-છોકરીઓ ટીકટોક, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટયુબ, સ્નેપચેટ અને થ્રેડ વગેરે વાપરી શકતાં  નથી. તેઓ નવું એકાઉન્ટ ખોલાવી શકતાં નથી. તેમનાં જૂનાં એકાઉન્ટ્સને  ડીએક્ટિવેટ કરી નાખવામાં આવ્યાં છે.  

કેટલીક સોશિયલ નેટવર્ક કંપનીઓ અન્ય કોઇ નામે સર્વિસ ચાલુ કરીને યુવા વર્ગનું ધ્યાન ખેંચવાની કોશિશ કરે છે, પરંતુ ઓસ્ટ્રેલિયા કડક વોચ રાખી રહ્યું છે.  વિશ્વના અન્ય દેશોની નજર ઓસ્ટ્રેલિયાએ મુકેલા પ્રતિબંધની અસરો પર છે, કેમ કે  બધા દેશ પોતાના યુવાધનને બચાવવા માગે છે.

ઓસ્ટ્રેલિયાનોે પ્રતિબંધ મુકવાનો હેતુ દેશના યુવાધનને પોઝિટીવ વિચારો અને ક્રિયેટીવ કામો તરફ વાળવાનો છે. યુવાનેા સ્ક્રીન પાછળ બહુ સમય ન વેડફે અને તેમનું માનસિક આરોેગ્ય જળવાઈ રહે તે હેતુ પાયામાં છે. 

૨૦૨૫માં કરાયેલા એક અભ્યાસ અનુસાર, ૧૦થી ૧૫ વર્ષનાં બાળકો પૈકી ૯૬ ટકા મોબાઇલનો ઉપયોગ કરે છે અને નુક્સાનકારક કોન્ટેન્ટ જુએ છે. કિશોરો અને તરુણોમાં પાર વગરની જિજ્ઞાાસા હોય છે. પોતાનાં માતા પિતા, દાદા-દાદી કે અન્ય વડીલો મોબાઇલમાં સતત શું જોયા કરે છે તે એમને જાણવું હોય છે. 

આજકાલનાં ત્રણ વર્ષનાં ટાબરિયાં તેમનાં દાદા-દાદી કરતાં વધારે સારી રીતે મોબાઇલ ઓપરેટ કરી શકે છે. કેટલાક બાળકો સાયબર બુલીંગના ભોગ પણ બનતાં હોય છે. નાનાં બાળકોને મોબાઇલ તરફ વાળનાર તેમના કુટુંબીજનો જ હોય છે. બાળકને ચૂપ રાખવા કે શાંત કરવા તેમના હાથમાં મોબાઇલ પકડાવી દેવાય છે.  નાનપણથી જ બાળકોને મોબાઇલથી દૂર  રાખીને આઉટ ડોર ગેમ્સ તરફ વાળવા જોઈએ. તેથી સૌથી પહેલાં તો કુટુંબીઓેએ ખુદ મોબાઇલ વાપરવો બંધ કરવો જોઇએ.

ભારતમાં પણ સોશિયલ મીડિયાનું વળગણ બહુ મોટા પાયે જોવા મળે છે.  ઓક્ટોબર ૨૦૨૫ના અહેવાલ અનુસાર ભારતમાં ફેસબુકના ૪૦૩ મિલિયન એક્ટિવ યુઝર્સ છે, ઇન્સટાગ્રામના ૪૮૧ મિલિયન અને યુટયુબના ૫૦૦ મિલિયન યુઝર્સ છે. ઓસ્ટ્રેલિયાની જેમ ભારતમાં  પણ ૧૬ વર્ષ કરતાં ઓછી વય ધરાવતા નાગરિકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધિત કરવાની જરુર છે.