Get The App

રોકાણકારોને ગેરમાર્ગે દોરતાં 70 હજાર હેન્ડલ્સ અને પોસ્ટ્સ સેબીએ દૂર કર્યાં

Updated: Mar 28th, 2025

GS TEAM

Google News
Google News
રોકાણકારોને ગેરમાર્ગે દોરતાં 70 હજાર હેન્ડલ્સ અને પોસ્ટ્સ સેબીએ દૂર કર્યાં 1 - image

- લોકોના કેટલા રૂપિયા ડૂબ્યા તેની કોઇ માહિતી અપાઈ નથી  

- પ્રસંગપટ

- ક્લીયરકટ છેતરપીંડી હોવા છતાં સેબીએ કોઇ ત્વરિત પગલાં નહોતાં લીધાં ને લોકો છેતરાતા રહ્યા 

રોકાણકારોને ગેરમાર્ગે દોરીને તેમની પરસેવાની કમાણી પડાવી લેતાં ૭૦,૦૦૦ જેટલાં ઇન્વેસ્ટમેન્ટ હેન્ડલ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ દૂર કરીને સેબી પોતાની પીઠ જાતે જ થપથપાવી રહી છે. આ આ બધાં હેન્ડલ્સ કોનાં હતાં, તેમણે કેટલા લોકોના કેટલા રૂપિયા ડૂબાડયા તે વિશે સેબીએ કોઇ માહિતી આપી નથી.  હકીકત એ છે કે હજારો ફરિયાદ મળ્યા બાદ સેબીએ આ પગલાં લીધાં છે. રોકાણકારોે લાખો-કરોડો રૂપિયા ગુમાવ્યા ને સાથે સાથે શેરબજાર પર ભરોસો પણ ગુમાવ્યો. છ મહિનાના સુધી ચકાસણી કર્યા બાદ આ પગલાં લેનાર સેબીએ કૌભાંડીઓ સામે કોઇ કડક પગલાં ભર્યા હોય એમ લાગતું નથી.

ઓક્ટોબર ૨૦૨૪થી સેબી કૈાભાંડીઓને શોધવા સોશિયલ નેટવર્ક પર સક્રિય બની ગઈ હતી. છ મહિનાના પ્રયાસ બાદ ગેરમાર્ગે દોરતાં ૭૦ હજાર ઇન્વેસ્ટમેન્ટ હેન્ડલ અને પોસ્ટ્સને ડિલીટ કરી દેવામાં આવ્યાં હતાં.  

સેબી સાથે રજીસ્ટર્ડ ન હોય તેવા શેરબજારના એડવાઇઝરો અને ટિપ્સ આપનારાઓએ હજારો રોકાણકારોને રોવડાવ્યા છે. આ લોકો સોશિયલ મીડિયા પર મનઘડંત કોન્ટેન્ટ પીરસતા હતા, પોતાનાં પ્લેટફોર્મ  ઊભાં કરતા હતાં અને 'ગેરંટીડ' ટિપ્સ આપતા હતા. ટિપ્સ આપનારાઓને ફ્રોડ સાબિત કરવા અઘરા છે. સોશિયલ નેટવર્ક પર ઇન્ફલ્યુએન્સરો મારફતે એપ ઇત્યાદિની જાહેરાતોનો મારો થાય છે. ફલાણી જગ્યાએ કે ઢીંકણી રીતે રોકાણ કરવાથી પોતાને કેવો ધરખમ ફાયદો થયો છે તેવા દાવા આ વિજ્ઞાાપનોમાં થતા હોય છે. 

આ ક્લીયરકટ છેતરપીંડી હોવા છતાં સેબીએ કોઇ ત્વરિત પગલાં લીધાં નહોતાં. લોકો છેતરાતા રહ્યા. હવે જ્યારે હજારોની સંખ્યામાં ઇન્વેસ્ટમેન્ટ હેન્ડલ્સ અને પોસ્ટ્સ દૂર કરવામાં આવ્યાં છે ત્યારે તેની પાછળ ક્યાં તત્ત્વો કામ કરતાં હતાં તેની કશી જાણકારી આપવામાં આવી નથી. 

શેરબજાર અવારનવાર રોકાણકારોને ભરોસો ગુમાવતું આવ્યું છે. સોશિયલ નેટવર્ક પર ઘૂસેલા કૌભાંડીએા  રોકાણકારોને વધુ કમાવવાની લાલચ આપીને છેતરતા રહે છે. જો આ કૌભાંડીઓ વિરુદ્ધ પગલાં ભરીને તેમને સજા કરાવી હોત તો સેબીની વાહ વાહ થઈ જાત. 

આ મિસલિડીંગ હેન્ડલ્સ અને પોસ્ટ્સ દ્વારા રોકાણકારોને કેવી રીતે મૂરખ બનાવવામાં આવતા હતા અને તેમને કેવી ટીપ્સ આપવામાં આવતી હતી તે જાહેર કરવું જરુરી છે.  ૭૦,૦૦૦ બહુ મોટો આંકડો છે. આ આંકડા પરથી જ સમજી શકાય છે કે જેમણે પૈસા ગુમાવ્યા છે તેવા રોકાણકારોની સંખ્યા લાખોમાં છે. 

અમુક પ્લેટફોર્મ પર રોકાણકારોનાં નાણાં ત્રણ ગણા થયાં હોય તેવાં ખાતાં બતાવવામાં આવે છે. આ રકમને ગમે ત્યારે ઉપાડવાની છૂટ ્અપાઇ હોય છે. લોકો નિયમિત રીતે રોકાણ કરે ત્યારે શરૂઆતમાં તેમનાં ખાતામાં ધડાધડ પ્રોફિટ જમા પણ થાય. વળી, આ રકમ આસાનીથી વિથડ્રો પણ કરી શકાય. આવો પ્રારંભિક અનુભવ થાય એટલે રોકાણકારને ભરોસો બેસી જાય ને તેઓ વધુને વધુ રકમ ઇન્વેસ્ટ કરવા પ્રેરાય.  

પૂણેનો એક કિસ્સો જાણવા જેવો છે. એક સોસાયટીમાં સિનિયરોનું ગુ્રપ કશેક નાણાં રોકતું હતું. તેમને સોશિયલ નેટવર્ક પર એક કૌભાંડી ભટકાઈ ગયો હતો. શરૂઆતમાં દરેકને એકના ત્રણ મળે તે ેરીતે કમાણી કરાવી આપી. સૌ ખાતામાંથી પૈસા પણ ઉપાડી શક્યા. 

સૌને જે-તે પ્લેટફોર્મ પર ભરોસો બેસી ગયો. એક વાર આ કૈાભાંડીએ દરેક પાસે ત્રણ-ત્રણ લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું.  અમુક વડીલોએ તો સંતાનોનાં નામે પણ ખાતાં ખોલાવીને પૈસા રોક્યા હતા. 

કુલ ૧૦૦ લોકોએ પૈસા રોકેલા. સૌને છ મહિનામાં બમણા એટલે કે ત્રણ લાખના છ લાખ રૂપિયા થઈ જશે એવું વચન અપાયું હતું. છ મહિના બાદ શું થયું? કોઇ પોતાના ખાતામાંથી પૈસા ઉપાડી જ ન શક્યું. મહિનાની દોડધામ પછી સૌને ખ્યાલ આવ્યો હતો કે તેમની મૂળ ત્રણ લાખની મૂડી પણ સ્વાહા થઇ ગઇ હતી. 

કોઇએ પેલા કૌભાંડીને પ્રત્યક્ષ જોયો નહોતો. સૌની નજર પૈસા બમણા-ત્રણ ગણા થાય તેના પર જ હતી. કૌભાંડકાર બેંકનાં ખાતાં બંધ કરીને રફુચક્કર થઇ ગયો હતો. સેબીએ આવા કેસો પર ઢાંકપિછોડો કર્યો હોય એમ લાગે છે. સેબી દ્વારા પૂરતી સ્પષ્ટતાઓ થાય તે આવશ્યક છે.