ત્રીજા વિશ્વયુદ્ધની દિશામાં ધકેલાતી દુનિયા: દેશો શસ્ત્રો ખરીદીમાં વ્યસ્ત
- પંચાંગ કહે છે કે વિશ્વમાં હાહાકાર સર્જાઈ શકે છે
- પ્રસંગપટ
- યુદ્ધે ચઢેલો કોઇ પણ દેશ પીછેહઠ કરવા કે સાચા અર્થમાં યુદ્ધ વિરામ માટે તૈયાર નથી
સંવત ૨૦૮૨ એટલેકે આગામી દિવાળી (૨૨-૧૦-૨૫)થી ૨૦૨૬ની દિવાળી સુધીના સમયગાળા દરમ્યાન ગુુરૂના ગ્રહનું ત્રણ રાશિમાંથી પરિભ્રમણ થઈ રહ્યું છે, જે ખતરનાક છે. આજે બહાર પડેલા 'ગુજરાત સમાચાર'ના સુપ્રસિદ્ધ પંચાગમાં આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગ્રહદશાના આધારે એવી આગાહી કરવામાં આવી છે કે વિશ્વભરમાં યુદ્ધનો માહોલ જોવા મળશે, અસંખ્ય લોકોના મૃત્યુ થશે, હાહાકાર સર્જાશે. ગ્રહોની ચાલના અભ્યાસ પરથી પંચાંગ એવું આકલન પણ કરે છે કે હાલ યુદ્ધે ચઢેલા દેશો વિશ્વની મહાસત્તાઓ, ખાસ કરીને અમેરિકાની ધમકીથી પણ ડરવાના નથી.
પંચાંગમાં કરવામાં આવેલી આગાહી સાચી પડે તેવી શક્યતા વર્તમાન યુદ્ધમય માહોલ પરથી લાગી રહી છે. પરિસ્થિતિઓ એવી સર્જાઈ રહી છે કે સહેજે સવાલ થા કે શું વિશ્વ ખરેખર ત્રીજા વિશ્વયુદ્ધની દિશામાં ધકેલાઇ રહ્યું છે?
...જર્મનીમાં નાટો (૩૦ યુરોપિયન અને બે નોર્થ અમેરિકન દેશોના સભ્ય-રાષ્ટ્રો વડે બનેલું નોર્થ એટલાન્ટિક ટ્રિટી ઓર્ગેનાઇઝેશન)ની મિલેટરી ટ્રકોને ફૂંકી મારવામાં આવી છે. જર્મનીએ રશિયા તરફ આંગળી ચીંધી છે. ટૂંકમાં, રશિયા-યુક્રેન યુદ્ધની આગ અન્ય દેશો સુધી પહાચી છે.
...રશિયા-યુક્રેનની વોર છેલ્લા ચાર વર્ષથી ચાલી રહી છે. અમેરિકાએ સમાધાનના પ્રયાસ કર્યા હતા, પરંતુ તે હાંસીપાત્ર ઠર્યા હતા. ગઈ કાલે પણ રશિયાએ યુક્રેનની વસાહતો પર હુમલો કર્યો હતો.
...ઇરાનનાં અણુમથકો ઉપર હુમલો કરીને અમેરિકાએ દાવો કર્યો હતો કે હવે ઇરાનની અણુબોમ્બ બનાવવાની ક્ષમતા છિન્નભિન્ન થઈ ચૂકી છે, પરંતુ ઇરાને કહ્યું છે કે અમારો યુરેનિયમનો જથ્થો સુરક્ષિત છે અને અમને અણુબોમ્બ બનાવતા કોઇ રોકી શકે નહીં.
...ઇઝરાયલ અને ઇરાન હજુ પણ એકબીજા સામે બાંયો ચઢાવી રહ્યા છે. અમેરિકાએ દરમિયાનગીરી કરી પણ બંને દેશો લડાઇના મૂડમાંથી બહાર આવ્યા નથી.
...અખાતી દેશો તમાશો જોઈ રહ્યા છે એવું નથી. કેટલાક દેશો ઇઝરાયલની તરફેણ કરે છે, તો ક્ટલાક ઇરાનની પીઠ થાબડી રહ્યા છે.
...પાક્સ્તિાન જેવા દેશમાં બલૂચિસ્તાનની સમસ્યા મિની યુદ્ધમાં પરિણમી શકે છે.
હાલ ચાલી રહેલાં યુદ્ધોમાં અમેરિકાએ પોતાનું પ્રભુત્વ દેખાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દરેક વખતે તેને નામોશી મળી છે. જે રીતે ઇરાનના કેસમાં અમેરિકા ગોથું ખાઇ ગયું છે તે જોતાં લાગે છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે કોઈ દેશના ઝઘડામાં પડતાં પહેલાં સો વાર વિચાર કરશે. ભારત-પાકિસ્તાન વચ્ચે મેં સમાધાન કરાવ્યું છે એ જ રાગ એમણે ઇરાન-ઇઝરાયલના યુદ્ધમાં પણ આલાપ્યો. બન્ને કિસ્સામાં ટ્રમ્પના દાવાને પડકારવામાં આવ્યા અને બન્ને વખતે ટ્રેમ્પે ખુલાસા કરવા પડયા. પારકા દેશોની લડાઈઓમાં કૂદી પડીને અમેરિકાએ પોતાની કથિત જગત જમાદારી પર લાંછન લગાવ્યું છે.
અમેરિકા જાણતું હતું કે પાકિસ્તાન ચીનના ખોળામાં બેઠું છે છતાં ટ્રેમ્પે પાકિસ્તાનના લશ્કરી વડા મુનીરને ડીનર પર બોલાવીને ગૂફતેગુ કરી. જોકે અમેરિકનોને નહોતી મુનીર સાથેની બેઠક પસંદ કે નહોતો ઇરાન પર કરેલો હુમલો પસંદ. તેથી જ અમેરિકનો ટ્રમ્પના વિરોધમાં રસ્તા પર આવી ગયા હતા.
રશિયા અને યુક્રેન વચ્ચે સમાધાન માટેના પ્રયાસમાં યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સ્કીએ ટ્રમ્પના એમના મોઢા પર જ કેટલાક મુદ્દે નારાજગી બતાવી હતી અને બેઠક પડી ભાંગી હતી.
ગ્રહોની ચાલમાં કંઈ બધા શ્રદ્ધા રાખતા નથી કે નથી તેની સાથે સહમત થતા, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી જે રીતે વિશ્વમાં યુદ્ધોનો માહોલ છવાયો છે તે જોતાં લાગે છે કે કોઇ દેેશ પીછેહઠ કરવા કે સાચા અર્થમાં યુદ્ધવિરામ માટે તૈયાર નથી. યુદ્ધે ચઢેલાં દેશો અબજો ડોલરનાં શસ્ત્રો ખરીદી રહ્યા છે જે દર્શાવે છે કે તેઓ લડાયક મૂડમાં છે. યુદ્ધે ચઢેલા દરેક દેશ જાણે છે કે પુષ્કળ જાનહાનિ થવાની છે, આર્થિક સ્તરે ભયંકર ફટકો પડવાનો છે, તે દેવાળિયો સુધ્ધાં થઈ શકે છે, છતાં તેમનો યુદ્ધનો કેફ ઊતરતો નથી. છેલ્લા કેટલાય દાયકાઓ દરમિયાન ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવના આટલી નક્કર ક્યારેય નહોતી.