Get The App

છેલ્લાં પાંચ વર્ષમાં મહત્ત્વની 70 પરીક્ષાનાં પેપર ફૂટયાં છે

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
છેલ્લાં પાંચ વર્ષમાં મહત્ત્વની 70 પરીક્ષાનાં પેપર ફૂટયાં છે 1 - image


- આખી પરીક્ષા સિસ્ટમ જ ખોખલી છે એ સ્પષ્ટ થઈ ગયું છે

- પ્રસંગપટ

- મોટા ભાગની ખાનગી મેડિકલ અને એન્જિનીયરિંગ કોલેજોમાં રાજકીય નેતાઓની ભાગીદારી હોય છે

ગુરૂવારે સંસદને કરેલા સંબોધનમાં રાષ્ટ્રપતિએ પરીક્ષાઓના લીક થઈ રહેલા પેપરોના મુદ્દે પગલાં લેવા પર ભાર મૂક્યો હતો. બીજી બાજુ, સીબીઆઇના દરોડો વિવિધ શહેરોમાં ચાલી જ રહ્યા છે. સરકાર ગુનેગારોને પકડવા ભલે ધમપછાડા કરતી દેખાતી હોય, પરંતુ હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે આખી પરીક્ષા સિસ્ટમ જ ખોખલી થઈ ચૂકી છે. નેશનલ ઇલિજીબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ના પેપર લીક કૌભાંડ પછી દરેક પરીક્ષા પદ્ધતિને શંકાથી જોવાઇ રહી છે. લોકો પરીક્ષાના પેપરો માટે જ નહીં,  ઇન્ટરવ્યુ માટે પણ ઓળખાણ કાઢતા કે 'સોર્સ' શોધતા થઇ ગયા છે. આરટીઆ ઓફિસે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જનારા એજન્ટ કે સોર્સ શોધતા હોય તેવો આ ઘાટ છે. ઇલેકટ્રોનિક સિસ્ટમ અને સેન્સર સિસ્ટમ હોવા છતાં લોકો પૂરતી પ્રક્ટિસ કર્યા વગર સોર્સના ભરોસે પહોંચી જતા હોય છે. 

છેલ્લાં દશ વર્ષમાં મોટા ભાગની  શૈક્ષણિક પરીક્ષાને શંકાથી જોવાઇ રહી છે. પરીક્ષાના અંતિમ દિવસોમાં ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોનો સેટ, આટલું વાંચશો તો પાસ થઈ જશો પ્રકારની ટિપ્સ ફરતા થઈ જાય છે. ટયુશન ક્લાસીસવાળા આઇએમપી (ઇમ્પોર્ટન્ટ) પ્રશ્નો બહાર પાડીને વિદ્યાર્થીઓમાં એક પ્રકારની સંવેદના ઊભી કરે છે. પેરેન્ટ્સ પણ પોતાના સંતાનને મહત્ત્વના પ્રશ્નો મળી રહે તે માટે પ્રયાસો કરતા હોય છે. મોટા ભાગના કિસ્સામાં છેલ્લી ઘડીએ આવતા મહત્ત્વના પ્રશ્નો ફ્લોપ શો સમાન સાબિત થતા હોય છે, છતાંય લોકો તેની પાછળ દોડતા હોય છે અને પૈસા ગુમાવતા હોય છે. 

 અરે, હવે તો સોશિયલ નેટવર્ક પર પણ પેપર ફૂટે છે. અહીં માત્ર નીટના પેપરની વાત નથી. એક અંદાજ અનુસાર ૨૦૧૯થી અત્યાર સુધીમાં ૭૦ જેટલી મહત્ત્વની એક્ઝામના પેપર ફૂટી ગયા છે. ૨૦૨૧માં લશ્કરમાં ભરતી થવા માટેની ઇન્ડિયન આર્મી કોમન એન્ટ્રન્સ એક્ઝામ, ૨૦૨૧ની જ જોઇન્ટ એન્ટ્રેન્સ એક્ઝામિનેશન (JEE), ૨૦૨૩ની સેન્ટ્રલ ટીચર્સ ઇલિજીબિલિટી ટેસ્ટ (CTET) જેવી કેટલીય મહત્ત્વની પરીક્ષાઓના પેપર લીક થઈ ગયા હતા. એક સમય હતો જ્યારે લોકો વહેલું રિઝલ્ટ મેળવવા માટે લાગવગનો ઉપયોગ કરતા હતા. આજે લોકો પરીક્ષાનું પેપર આગોતરું મેળવી લેવા ફાંફા મારે છે. અરે, હોશિયાર અને મહેનતુ વિદ્યાર્થીઓ પણ આઇએમપી કવેશ્ચન મેળવવાની આશા રાખીને બેઠો હોય છે. ઠોઠ નિશાળીયાઓ તો આઇએમપી પર જ નભતા હોય છે. 

કોઇક પેપર લીક કરે છે ને તે સાથે જ તેના સોર્સ સુધી પહોંચવા માટે લોકો કોલંબસની ભૂમિકામાં આવી જાય છે. 'થ્રી ઇડિયટ' ફિલ્મમાં ખુદ હીરો તેના મિત્રો સાથે મળીને એન્જિનીયરિંગની ફાઇનલ એક્ઝામનું પેપર ચોેરી લાવે છે. સ્કૂલોમાં જે વિષયના ટીચર હોય તેનું ટયુશન રાખીને વાલીઓ પોતાના સંતાનની શક્યતાને ઉજળી કરવાની કોશિશ કરે છે. ક્યારેક તો એવુંય લાગે કે જાણે પરીક્ષામાં પાસ થવું હવે બહુ અટપટું રહ્યું નથી. લોકો લીંક પેપર શોધવા મથે છે અને પછી કાં તો પૈસાના જોરે ધાર્યું પરિણામ મેળવે છે. ગુજરાતમાં મેડિકલ અને પેરામેડિકલ શાખામાં જેમને એડમિશન મળતું નથી તેઓ અન્ય રાજ્યોમાં, ખાસ કરીને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં, એડમિશન લે છે. મોટાભાગની ખાનગી મેડિકલ અને એન્જિનીયરિંગ કોલેજોમાં રાજકીય નેતાઓની ભાગીદારી હોય છે. આવી કોલેજો આડેધડ ફી લે છે. શિક્ષણને ધંધાદારી બનાવી દેનારાં તત્ત્વો આ જ છે. કેટલાક વળી રશિયા અને ફિલીપાઇન્સ સુધી લાંબા થાય છે.

તાજેતરમાં કલકત્તામાં એક એવા એજન્ટને પકડવામાં આવ્યો હતો કે જે નીટ-યુજીના મેરિટ લિસ્ટમાં નામ લાવી આપવાના ૧૨ લાખ રૂપિયા લેતો હતો. એક વિદ્યાર્થીના વાલીએ એડવાન્સ પેટે ૫ાંચ લાખ લાખ ચૂકવી દીધા હતા, પરંતુ પછી શંકા જતા ગુનેગારની માહિતી પોલીસને આપી હતી અને તેને પકડાવી દીધો હતો. 

અનેક સ્ટુડન્ટ યુનિયનો સરકારને પરીક્ષા સિસ્ટમમાં સુધારો કરવા રજૂઆતો કરી ચૂક્યાં છે, પરંતુ ઉપલો અધિકારી વર્ગ તેમની સાથે ક્યારેય ચર્ચા કરવાની  કે તેમના વિચારો જાણવાની દરકાર કરતો નથી. શિક્ષણ ક્ષેત્ર આમૂલ પરિવર્તન માંગી રહ્યું છે, પરંતુ સરકાર તે હિંમત બતાવી શકતી નથી. વિદ્યાર્થીઓના ભાવિ સાથે બેફામ રમત રમાઈ રહી છે.  

Prasangpat

Google NewsGoogle News