- પ્રસંગપટ
- આ વર્ષે માર્ચમાં સિમેન્ટનું ઉત્પાદન વધી ૪૭૯ લાખ ટન
- ચોમાસા પૂર્વે માગ વધતાં બજાર ભાવ ઉંચા ગયા પછી વૃધ્ધિ ધીમી પડીઃ પાંચ વર્ષમાં માગ વધી 6700 લાખ ટન થવાની શક્યતા
દેશમાં સિમેન્ટ બજાર તથા ઉદ્યોગમાં તાજેતરમાં ચહલપહલ ઘટયાના વાવડ મળ્યા હતા. ચોમાસાના મોસમ શરૂ થતાં બાંધકામ ક્ષેત્રે તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે પ્રવૃત્તિ ધીમી પડી છે અને તેની અસર સિમેન્ટ તથા સ્ટીલ બજારમાં માગ પર દેખાઈ હોવાનું બજારના જાણકારોએ જણાવી રહ્યા હતા. દરમિયાન કાચા માલના ભાવ ઉંચા રહેતાં તાજેતરમાં સિમેન્ટ બજારમાં ભાવ ઉંચા રહ્યાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. ભારતમા ંહવે ચોમાસા પછી તહેવારોની મોસમ શરૂ થશે એ દરમિયાન દેશમાં સિમેન્ટ બજાર તથા ઉદ્યોગમાં ચહલપહલ ફરી વધવાની શક્યતા બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દેશમાં ચોમાસા પૂર્વે મે મહિનામાં સિમેન્ટ ઉદ્યોગમાં વોલ્યુમમાં આશરે ૮થી ૯ ટકાની વૃધ્ધિ નોંધાઈ હતી તથા સિમેન્ટના ભાવમાં આશરે ૭થી ૮ ટકાની વૃધ્ધિ થઈ હતી. ત્યારબાદ જૂન મહિનાથી આમાં બ્રેક વાગી છે. આ વર્ષે દેશમાં મોન્સૂનનું આગમન પણ અપેક્ષા કરતાં વહેલું થતાં સિમેન્ટ બજારમાં ગતિવિધી વહેલી ધીમી પડી હતી. દરમિયાન, ભારતમાં હાઉસિંગ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે હવે પછી માગ વધવાની તથા પ્રગતિ વધવાની શક્યતા વચ્ચે નાણાંવર્ષે ૨૦૨૫- ૨૬માં સિમેન્ટ ક્ષેત્રે વોલ્યુમમાં આશરે સરેરાશ ૬થી ૭ ટકાની વૃધ્ધિ થવાની ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતા. મે મહિનામાં વોલ્યુમ વધી આશરે ૩૯૫થી ૪૦૦ લાખ ટન આસપાસ નોંધાયું હતું. જ્યારે સિમેન્ટ બજારમાં ભાવ મે મહિનામાં વધી સરેરાશ ૫૦ કિલોની ગુણીના આશરે રૂ.૩૬૦ આસપાસ રહ્યા હતા. ૨૦૨૪- ૨૫ના નાણાંવર્ષમાં આવા સરેરાશ ભાવ રૂ.૩૪૦ આસપાસ રહ્યા હતા જ્યારે ૨૦૨૫- ૨૬ના નાણાંવર્ષના પ્રથમ બે મહિનામાં ભાવ ઉંચા જતા જોવા મળ્યા હતા.
આ બે મહિનામાં સિમેન્ટની કુલ રવાનગી આશરે ૭થી ૮ ટકા વધી ૭૮૫થી ૭૯૦ લાખ ટન જેટલી થઈ હતી. ૨૦૨૪- ૨૫માં આવો ગ્રોથ આશરે ૬થી ૬.૫૦ ટકા થયો હતો એ દરમિયાન વાર્ષિક ધોરણે સિમેન્ટની કુલ રવાનગી આશરે ૪૫૨૯થી ૪૫૩૦ લાખ ટન જેટલી થઈ હતી. ભારતમાં સિમેન્ટનું ઉત્પાદન એપ્રિલમાં ૬થી ૭ ટકા વધી ૩૯૮થી ૩૯૯ લાખ ટન થયું હતું. ગયા વર્ષે આ આંકડો ૩૭૩થી ૩૭૪ લાખ ટન આસપાસ રહ્યો હતો. ભારતના ઈન્ડસ્ટ્રીયલ પ્રોડકશનના ઈન્ડેક્સમાં સિમેન્ટ ઉપરાંત કોલસો, ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ, રિફાઈનરી ઉત્પાદનો, ખાતર, સ્ટીલ, વિજળી વિ.નો સમાવેશ થાય છે. જોકે આ વર્ષે માર્ચની સરખામણીએ એપ્રિલ મહિનામાં સિમેન્ટના ઉત્પાદનમાં પીછેહટ જોવા મળી હતી.
આ વર્ષે માર્ચમાં સિમેન્ટનું ઉત્પાદન વધી ૪૭૮થી ૪૭૯ લાખ ટન થતાં ૧૩ મહિનાનો રેકોર્ડ થયો હતો અને ત્યારબાદ એપ્રિલ મહિનામાં ઉત્પાદનમાં ૧૬થી ૧૭ ટકાની પીછેહટ જોવા મળી હતી. જોકે વાર્ષિક ધોરણે ગયા વર્ષના એપ્રિલની સરખામણીએ આ વર્ષે એપ્રિલમાં ઉત્પાદનમાં આશરે ૬થી ૭ ટકાની વૃધ્ધિ થઈ હતી. જૂન મહિનામાં સિમેન્ટ ક્ષેત્રે ગ્રોથ મંથ- ઓન- મંથ ૩થી ૪ ટકા થયો છે જ્યારે વાર્ષિક ધોરણે આવી ટકાવારી ૯થી ૧૦ ટકા નોંધાઈ છે. દરમિયાન, ભારતમાં ૨૦૩૦ સુધીમાં સિમેન્ટની માગ વધી વાર્ષિક ધોરણે ૬૭૦૦ લાખ ટન સુધી પહોંચી જવાની ગણતરી આ ક્ષેત્રના જાણકારો બતાવી રહ્યા હતા. હાલ વાર્ષિક ધોરણે આ આંકડો ૪૪૫૦થી ૪૫૦૦ લાખ ટન આસપાસ રહ્યો છે. દેશમાં બાંધકામ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેેત્રે ગ્રોથ વધ્યો છે અને તેના પગલે આગામી વર્ષોમાં સિમેન્ટ બજાર તથા સ્ટીલ બજારમાં માગ ઉચી જતી જોવા મળશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. જોકે સામે સિમેન્ટની ઉત્પાદન ક્ષમતા પણ વધી રહી છે. આવી ઉત્પાદન ક્ષમતા આગામી ૪થી ૫ વર્ષમાં આશરે ૩૦ ટકા વધવાની શક્યતા બતાવાઈ રહી છે. વૈશ્વિક સ્તરે સિમેન્ટના ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંકે ચીન આવે છે તથા ત્યારબાદ બીજા નંબરે ભારત આવે છે. સિમેન્ટના કુલ વૈશ્વિક ઉત્પાદન પૈકી ભારતમાં ઉત્પાદન આશરે ૧૧થી ૧૨ ટકા થાય છે. દરમિયાન, દેશમાં સિમેન્ટના ઉત્પાદનમાં પ્રદુષણ ઘટાડવાના પ્રયત્નો શરૂ થયા છે તથા આ પ્રયત્નો આગળ ઉપર વેગ પકડશે એવી શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા.


