Get The App

વિપક્ષના યુવા નેતાઓના વળતાં પાણી: લોકપ્રિયતા આસાન નથી

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
વિપક્ષના યુવા નેતાઓના વળતાં પાણી: લોકપ્રિયતા આસાન નથી 1 - image

- સચીન પાઇલોટ સમયને ઓળખી શક્યા નહીં

- પ્રસંગપટ

- પિતાએ કંડારેલી કેડી પર તે ચાલવા ગયા હતા અને પોતાનું કોઇ કૌવત બતાવી શક્યા નહોતા

વર્તમાન રાજકીય માહોલ પર નજર કરીયે તો કેટલાક યુવા નેતાઓ ફેંકાઇ ગયા છે અને ફરી ભાગ્યેજ મેદાનમાં આવી શકે એમ છે. આમતો, ભારતનું રાજકારણ અનિશ્ચિતતાઓેથી ભરેલું છે પરંતુ ઓવર ઓલ ટ્રેન્ડ દર્શાવે છે કે વિપક્ષ સાથે સંકળાયલા કેટલાક યુવા નેતાઓનું ભાવિ બહુ ધૂંધળું બની ગયું છે. આ યુવા નેતાઓ રાજકીય પરિવારોમાંથી આવ્યા હોવા છતાં રાજકીય પરિપક્વતા પામી શક્યા નહોતા. રાજકીય પરિવારનું જોર તેમને આગળ લાવી શક્યું નહોતું. તે લોકપ્રિયતા મેળવી શક્યા નહોતા.

વિપક્ષના યુવા નેતાઓ સત્તાલક્ષી વધુ રહ્યા હતા. અન્ય યુવા નેતાઓની પ્રગતિ તેમના કારણેે રૃંધાઇ ગઇ હતી. તેમના પિતાએ કંડારેલી કેડી પર તે ચાલવા ગયા હતા અને પોતાનું કોઇ કૌવત બતાવી શક્યા નહોતા.  આ યુવા નેતાઓ મુખ્યપ્રધાન બનવાના સપનાં જોતાં જોતાં હતાશાની દિશામાં જતા રહ્યા છે.

આ વર્ષે આસામમાં વિધાનસભાનો  જંગ યોજાઇ રહ્યો છે. જેમાં કોંગ્રેસના ગૈારવ ગોગાઇની અગ્નિ પરીક્ષા છે. ગૌરવ ગોગાઇ દિલ્હીમાં વધુ રહે છે. તેમના પિતા મુખ્યપ્રધાન હતા પરંતુ ગૈારવ ગોગાઇ કોંગ્રેસનું  સંગઠન મજબૂત કરી શક્યા નથી. આસામના કોંગીજનોે તેમની ક્ષમતા સામે સવાલો ઉભા કર્યા છે અને તેમને બદલવાની વાત કરી છે. આસામમાં તેમના જીતવાના ચાન્સ મંદ પડી ગયા છે.

પ.બંગાળમાં અભિષેક બેનરજી સામે પણ ચૂંટણી જંગ ઉભો છે. તેમણે પરિવારના જોરે પ્રગતિ કરી છે. લોકપ્રિયતાના જોરે તેમને આગળ આવવાનું હતું. પરંતુ તે ભ્રષ્ટાચારના કીચડમાં ફસાઇ ગયા છે. તેમની રાજકીય કારકિર્દી મમતા બેનરજી આધારીત છે.

રાજકારણમાં જે લોકો સમયસર નિર્ણય નથી લેતા તે લોકો ફેંકાઇ જાય છે. રાજસ્થાનમાં સચીન પાયલોટને અશોક ગેહલોતે નંબર ટુ તરીકે રાખીને આગળ વધવાનો કોઇ ચાન્સ નહોતો આપ્યો. અશોક ગેહલોતની પકડ મોવડીમંડળ પર પણ હોઇ સચીન પાયલોટની કારકિર્દી લગભગ અંત તરફ છે. તેમને એક સમયે મુખ્યપ્રધાન બનવાનો ચાન્સ ઉભો થયો હતો પરંતુ અશોક ગેહલોત આડે આવ્યા હતા. આજે સચીન પાયલોટ ક્યાંય નજરે પડતા નથી.

એક સમયે સચીન પાયલોટ અને જ્યોતિરાદિત્ય સિંધીયા બંને ભાજપમાં જોડાવાના હતા. સિંધીયાએ તક ઝડપી લીધી તેથી આજે કેન્દ્રીય પ્રધાન છે જ્યારે સચીન પાઇલોટ ગુમનામની  દશામાં છે. એટલેજ કહે છે કે રાજકારણમાં સમયસરના નિર્ણયની જરૂર હોય છે.

બિહારના પ્રિન્સ તરીકે જેમની ઓળખ હતી એવા તેજસ્વી યાદવ ંમુખ્યપ્રધાન બનવાના ચાન્સ મેળવી ચૂક્યા હોવા છતાં છેલ્લી વિધાનસભામાં તેમના પક્ષનો ધબડકો થતાં તેમના પરિવારમાં પણ ફાટ ફૂટ પડી હતી. આજકાલ તેમનો ભાઇ  તેજપ્રતાપ યાદવ ભાજપમાં જોડાવાના પ્રયાસ કરી રહ્યા છે.

 લાલુપ્રસાદનો  પરિવાર બિહાર પર બે દાયકા સુધી રાજ કરી ચૂક્યો છે પરંતુ સમયનું ચક્ર તેમના પરિવારને જેલ સુધી ખેંચી જશે એમ મનાય છે. રાજકીય પરિવારોમાં તેજસ્વી યાદવે આગળ વધવાની બહુ મહેનત કરી હતી પરંતુ તેમના પિતા સામેના કેસ ભ્રષ્ટાચાર તેમને નડી ગયા હતા. વધુ પડતો આત્મ વિશ્વાસ તેમને ડૂબાડી ગયો હતો.

તમિળનાડુમાં મુખ્યપ્રધાનનો પુત્ર અને નાયબ મુખ્યપ્રધાન ઉદયનિધિ સ્ટાલીન સનાતન ધર્મ વિરૂધ્ધ ઝેર ઓકવાને બાહોશી સમજી બેઠા હતા. તેમના દાદા કરૂણાનિધિ હિન્દુ ધર્મનુ સન્માન કરતા હતા. ઉદયનિધિ સામે કેસ થયો છે જેમાં તે ફસાઇ શકે છે.

મુખ્ય પ્રધાનના પુત્ર હોવાની ઓળખથી આગળ નથી અવાતું પણ લોકોની વચ્ચે જઇને લોકપ્રિયતા મેળવવી પડે છે.