- લોહિયાળ હોળીની જ્વાળા પાકિસ્તાનને બાળશે
- એક તરફ આર્થિક ભીંસ, બીજી તરફ બલૂચિસ્તાનના બળવાખોરો ભારત માટે તમાશો જોવાનો વારો..
- પ્રસંગપટ
હોળીને હજુ ત્રણ દિવસની વાર છે તે પહેલાં જ અફઘાન સરહદે પાકિસ્તાને પ્રગટાવેલી હોળી હવે લોહિયાળ જંગ તરફ વળી છે. જે તાલિબાની લડવૈયાઓએ આધુનિક શસ્ત્રોથી સજ્જ એવા અમેરિકી સૈન્યને હંફાવીને તેમને કાબુલ છોડવાની ફરજ પાડી હતી તેમની સાથે યુધ્ધમાં ઉતરીને પાકિસ્તાને આ બેલ મુજે માર જેવી સ્થિતિ ઉભી કરી છે.
અઠવાડિયા પહેલાં અફઘાનિસ્તાનમાં કાબુલ સહિતના સ્થળો પર હવાઇ હુમલા કરીને પાકિસ્તાને પોતાના પગ પર કૂહાડો માર્યો છે. પાકિસ્તાન પાસે યુધ્ધની કોઇ તાકાત નથી રહી કેમકે આંતર વિગ્રહ જેવી સ્થિતિ તેને ભરડો લઇને બેઠી છે. પાકિસ્તાન બલૂચિસ્તાનના બળવાખોરોનેા સામનો કરવામાં વ્યસ્ત છે ત્યાં તેમની અગ્નિ પરીક્ષા થઇ રહી છે ત્યારે અફઘાનિસ્તાનને છંછેડીને તેમણે બીજો મોરચો ખોલ્યો છે.
પાકિસ્તાનની આર્થિક નબળી સ્થિતિ તેમને યુધ્ધ કરવાની પરવાનગી આપે તેમ નથી. પાકિસ્તાનના વિરોધ પક્ષો તેમના નેતા ઇમરાનખાનને મુક્ત કરવા આંદોલન ચલાવી રહ્યા છે. પાકિસ્તાનના બૌધ્ધિકો સરકારની ડગલે ને પગલે ટીકા કરી રહ્યા છે. આ લેાકો ભારત જેવી પ્રગતિ કરવા સરકારને આગ્રહ કરે છે. પાકિસ્તાનના લોકો પણ જાણે છે કે હાલમાં યુધ્ધ પોષાય તેમ નથી.
છતાં પાકિસ્તાનના શાસકો અફઘાનિસ્તાન પર હવાઇ હુમલો કરવાની મૂર્ખતા કરી બેઠા છે. પાકિસ્તાને અફઘાની સરહદે હવાઇ હુમલા કરીને પ્રગટાવેલી હોળીની જ્વાળા હવે તેને જ ભરખી રહી છે. ૨૬મીથી ભભૂકી ઉઠેલા યુધ્ધમાં પાકિસ્તાનના ભાગે મોટી ખુવારી થવાની છે.
૧૯૮૦-૯૦ના દાયકાથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન લડતા આવ્યા છે. ક્યારેક પાકિસ્તાન તાલિબાનોને ટેકો પણ આપતું હતું. પરંતુ અમેરિકા સાથે સંબંધો રાખવા તેણે તાલિબાનો સાથે છેડો ફાડી નાખ્યો હતા. તાલિબાની લડવૈયા અને પાકિસ્તાન વચ્ચેની છૂટી છવાઇ લડાઇ ચાલુ રહેતી હતી.
અમેરિકાએ જ્યારે વોર ઓન ટેરરની જાહેરાત કરી ત્યારે પાકિસ્તાન તેની સાથે જોડાયું હતું અને પોતાના દેશમાં રહેલા ત્રાસવાદીઓના સફાયો કરવા લાગ્યું હતું. જેના કારણે સરહદી વિસ્તારોના ગામોમાં પાકિસ્તાન વિરૂધ્ધ નફરત ઉભી થઇ હતી. દરમ્યાન ૨૦૦૭માં તેહરીક-એ તાલિબાન પાકિસ્તાનનો (્ઁ) ઉદય થયો હતો. તે અફઘાન તાલિબાનો સાથે નહોતું જોડાયું પણ બંનેનો હેતુ એક સમાન હતો. બંને પાકિસ્તાનને દુશ્મન ગણતા હતા. ટીટીપી પાકિસ્તાનના આદિવાસી અને સરહદી ગામોના લોકો સાથે જોડાયેલું રહ્યું હતું.
ટીટીપીને હિંસા ભરેલા હુમલાની ફાવટ આવી ગઇ હતી અને તેણે પાકિસ્તાનને સરહદ પર છમકલા કરવાનું ચાલુ રાખ્યું હતું. ૨૦૨૧માં અમેરિકાએ સૈન્ય પાછું લઇ ટીટીપીને સત્તા સોંપીને તેને પ્રોત્સાહિત કર્યું હતું. અફઘાનિસ્તાનમાં તાલિબાનોની સમર્થક એવા ટીટીપી સત્તા પર આવ્યા પછી પાકિસ્તાન સાથેની છૂટી છવાઇ લડાઇ ચાલુ રહી હતી. પરંતુ છેલ્લે ગયા અઠવાડિયે જ્યારે પાકિસ્તાને ટીટીપીના મથકો પર હવાઇ હુમલો કર્યો ત્યારે બંને વચ્ચેની વોર નિશ્ચિત બની હતી.અફઘાનિસ્તાનનું તાલિબાની સૈન્ય એક સમયે અમેરિકાના સૈન્યને તાબે નહોતું થયું અને અંતે અમેરિકાએ અફઘાન છોડવું પડયું હતું. અત્યંત આધુનિક શસ્ત્રોથી સજ્જ અમેેરિકાની સેનાએ પીછેહઠ કરી ત્યારે સમગ્ર વિશ્વએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને તાલિબાનોએ કાબુલ પર કબજો જમાવીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું.
તાલિબાનો અને પાકિસ્તાન વચ્ચેની કોલ્ડવોર લાંબા સમયથી ચાલી આવે છે.જ્યારે અમેેરિકાએ તાલિબાનોને તગેડવાનું કામ શરૂ કર્યું ત્યારે પાકિસ્તાને અમેરિકાને સીધી મદદ કરી હતી. પાકિસ્તાનની સરહદે છૂપાતા તાલિબાનીઓને પકડવા અમેરિકાએ પાકિસ્તાનની સેના સાથે રહીને સંયુક્ત ઓપરેશન ચલાવ્યું હતું. છુપાઇ રહેલા તાલિબાનીઓને વીણી વીણીને મારી નખાતા હતા. તાલિબાનોએ તેને પાકિસ્તાનની ગદ્દારી કહી હતી.
ત્યારે પાકિસ્તાન અમેરિકાના ખોળામાં બેસી ગયું હતું. પાકિસ્તાન જ્યારે ભારતમાં ત્રાસવાદીઓને ધકેલીને હિંસા ફેલાવતું હતું ત્યારે અમેેરિકા પાકિસ્તાનની ત્રાસવાદ ફેલાવવાની પ્રવૃત્તિ તરફ આંખ આડા કાન કરતું હતું. વિશ્વના બજારમાં ત્રાસવાદના ટેકેદાર તરીકે બદનામ થયેલા પાકિસ્તાન માટે હજુ બલૂચિસ્તાનના બળવાખોરોનો સામનો કરવાનો ઉભો છે. બલૂચિસ્તાન અને અફઘાનિસ્તાન પાકિસ્તાનને હંફાવી શકે છે.
ભારત માટે પાકિસ્તાનની બરબાદીનો તમાશો જોવાનો સમય છે. તાલિબાનોને છંછેડીને પાકિસ્તાને બરબાદી નોંતરી છે.


