- ટિકટોક અને અલી એક્સપ્રેસ પર પ્રતિબંધ જૈસે-થે
- પ્રસંગપટ
- ટિકટોના પુનઃ પ્રવેશને ભારત-ચીન વચ્ચે સુધરતા સંબંધોના પ્રથમ પગથિયા સાથે વાત જોડી દેવાઈ હતી
સોશ્યલ મીડિયાના કોન્ટેન્ટ ક્રિયેટરો કાગનો વાધ બનાવવામાં બહુ ઉસ્તાદ છે. સોશ્યલ નેટવર્ક પર બહુ લોકપ્રિય એવું શોર્ટ વીડિયો પ્લેટફોર્મ ટિકટોક ભારતમાં પાછું આવી રહ્યું છે એવી વાત એક ક્રિયેટરે ચલાવી, અને પછી બાકીનાઓએ તેને કોપી-પેસ્ટ કરીને વાતને એવી ચગાવી કે જૂના ટિકટોક યુઝર્સ પોતાના જુના એકાઉન્ટના પાસવર્ડ યાદ કરવા લાગ્યા હતા. ટિકટોક ટૂંક સમયમાં આવે છે તે વાત એટલી બધી ચર્ચાવા લાગી કે સરકારે ખુલાસા કરવા આગળ આવવું પડયું છે.
દુનિયાભરના કોન્ટેન્ટ ક્રિયેટર્સ માટે ટિકટોક અસરકારક માધ્યમ પુરવાર થયું છે. તે ફરી ભારતમાં પ્રવેશશે તેવું જાહેર થતાં જ તેના સમર્થકો ગેલમા ંઆવી ગયા હતા. જોકે વાત બહુ પ્રસરે તે પહેલાં સરકારે ખુલાસો કર્યો છે કે ટિકટોક ભારતમાં પુનઃપ્રવેશ કરશે તે વાત ખોટી છે. ટિકટોક પર માલિકી ધરાવતી બાઇટડાન્સ કંપનીએ પણ એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે ટિકટોકને ભારતમાં પુનઃ પ્રવેશ બાબતે કોઇ માન્યતા અપાઇ નથી.
અમેરિકાના પ્રમુખ પદે ડોનાલ્ડ ટ્રમ્પ બીજી પર ચૂંટાયા ત્યારે આ ચાઇનીઝ એપ પર પ્રતિબંધ નિશ્ચિત મનાતો હતો, પરંતુ ટ્રમ્પે એવા કોઇ પગલાં લીધાં નહોતાં. ભારતમાં તે ફરી એક્ટિવ થઈ રહ્યું છે તેવી થિયરી ચિત્ર રીતે પેદા થઈ હતી, પરંતુ કોઇએ કોઈ કોન્ટેન્ટ ક્રિયેટરે જાણે પોતાની પાસે એક્સલ્યુઝિવ માહિતી આવી ગઈ હોય તેમ તેના પર સ્ટેારી બનાવી નાખી હતી.
ટિકટોકના પુનઃ ભારત પ્રવેશ સાથે અન્ય બે ઘટના પણ જોડી દેવાઇ છે. તે છે, બેંગલુરૂમાં શોર્ટ વીડિયો બનાવનાર બે વિદેશીઓની ધરપકડ.
બેંગલુરૂ ખાતે જર્મનથી આવેલા નોયલ રોબિન્સન અને યૂનૂસ ઝરાઉ નામના ટિકટોકર્સ એટલે કે ટિકટોક માટે શોર્ટ વીડિયો બનાવનારા પકડાયા ત્યારે પણ વિવાદ થયો હતો. તેઓ સત્તાવાળાઓની પરમિશન વિના વીડિયો ઉતારી રહ્યા હતા. નોયલ રોબિન્સન તેની એફ્રો ઇન્ડિયન હેર સ્ટાઇલ તેમજ તેના ડાન્સ રીલ માટે જાણીતો છે. તે જાહેરમાં ડાન્સ કરીને વીડિયો બનાવી રહ્યો હતો અને તે જોવા માટે લોકોનું મોટું ટોળું ભગું થઇ ગયું હતું. તેણે પછી ઓનલાઇન લખ્યું હતું કે મને પોલીસ સ્ટેશન લઈ જઈને ૧૫ મિનિટ બાદ છોડી મુકાયો હતો.
એવી જ રીત ૨૧ મિલિયન ફોલોઅર્સ ધરાવતા યુનુસ ઝરાઉને બેંગલુરૂની ચર્ચ સ્ટ્રીટ ખાતે ફિલ્મ બનાવતા પકડયો હતો. તેના કારણે મોટું ટોળું ભેગું થઇ ગયું હતું. તેને મુક્ત કરાવવા 'ફ્રી યુનુસ' નામથી ક્લિપ પણ વાઇરલ થઇ ગઇ હતી. બેંગલુરૂની પોલીસે તેને પકડીને પછી દૂરના કોઈ સ્થળે છોડી દીધો હતો અને ફરી ચર્ચ સ્ટ્રીટ ખાતે નહીં જવા સૂચના આપી હતી.
વિશ્વભરના ઇન્ફ્લ્યુએન્સર્સ ભારતમાં આવતા થયા છે. બેંગલુરુની આ બંને ઘટના બે મહિના અગાઉની છે,પરંતુ ટિકટોકના કેટલાક સમર્થકોએ તેને ભારતમાં ટિકટોકના કથિત પુનઃપ્રવેશ સાથે જોડી દીધી હતી.
ભારતમાં ટિકટોક પર ૨૦૨૦થી પ્રતિબંધ છે. ગુગલ સર્ચ પણ દર્શાવે છેકે ટિકટોક મોબાઇલ એપ ગુગલ પ્લે સ્ટોર અને એપલ એેપ સ્ટોર પર ઉપલબ્ધ નથી. ટિકટોક ડાઉનલોડ કરનારાઓને મેસેજ મળે છે કે, અવર સર્વિસીસ આર નોટ અવેલેબલ ઇન યોર કન્ટ્રી. ટિકટોક પર પ્રતિબંધ મુકાયા પછી છેલ્લે કેટલાક યુઝર્સ વીપીએન (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક) પર તેનું હોમ પેજ જોઇ શકતા હતા. તેથી તેમણે માની લીધું કે ટિકટોક પાછું ભારતમાં પ્રવેશી રહ્યું છે. એ દિવસોમાં ભારત અને ચીન વચ્ચે રાજદ્વારી સંબંધોમાં થોડો સુધારો પણ જોવા મળ્યો હતો. બંને દેશાનેે દ્વીપક્ષીય સંબંધો મજબૂત બનાવવા પ્રયાસ કરતા જોઇને કોન્ટેન્ટ ક્રિયેટરોેે બ વત્તા બે પાંચ કરીને એવી સ્ટોરી વહેતી કરી હતી કે ટિકટોક ભારતમાં પાછું પ્રવેશી રહ્યું છે.
આવું જ અલી એેક્સપ્રેસ માટે પણ થયું હતું. કેટલાક લોકોએ તેને વીપીએન મારફતે જોયું એટલે આ એપ પણ ભારતમાં પાછી ફરી રહી છે તેવી સ્ટોરી ઘડી કાઢી. ભારતમાં ટિકટોકની સાથે જ અલી એક્સપ્રેસ પર પણ પ્રતિબંધ મૂકાયો હતો.
સામાન્ય રીતે સરકાર સોશિયલ નેટવર્ક પર વહેતી સ્ટોરી કે કમેન્ટ્સ પર ખાસ પ્રતિક્રિયા આપતી નથી, પણ ચીનની કંપની ટિકટોક ફરી પાછી ભારતમાં આવે તેને ભારત-ચીન વચ્ચે સુધરતા સંબંધોના પ્રથમ પગથિયા સાથે જોડી દેવાયું એટલે સરકારે તેણે ખુલાસો કરવો પડયો.


