- દેશમાં હાલ 77 લાખ ગિગ વર્કરો કાર્યરત
- પ્રસંગપટ
- ભયાનક ગરમીથી બચવા માટે ગિગ વર્કરો માટે હીટ ડિસ્ટ્રેસ બટન જેવી વ્યવસ્થા ઊભી કરવી જોઇએ
આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. બપોરનો સમય કરફ્યૂ સમાન બની ગયો છે. આવી પરિસ્થિતિમાં જેમણે અનિવાર્યપણે બહાર જવું પડે તેવા લોકો જ રસ્તા પર દેખાતા હોય છે. રોડના ટ્રાફિક સિગ્નલ પર એક મિનિટ રોકાવાનું આવે તો ટુ-વ્હીલર્સ ચલાવનારાઓ આકરા તાપનો ભોગ બને છે. આવા સમયે ગિગ વર્કર્સ પોતાના કામ માટે દોડધામ કરતા જોવા મળેે છે. તેમને ગરમી નડતી નથી એવું નથી, પણ તેઓ ટાઢ-તાપ કે વરસાદને ગણકાર્યા વિના પોતાની ફરજ બજાવતા રહે છે.
ગિગ વકર્સની વ્યાખ્યા ખાસ્સી વ્યાપક છે. ગિગ વર્કર્સ એટલે, ટૂંકમાં કહીએ તો, કુરીયર બોય, ઝોમેટો-સ્વિગી-એમેઝોન-બ્લિન્કિટ વગેરે સર્વિસીસના ડિલીવરી બોય, ઓલા-ઉબરની ટેક્ષી-ઓટો ચલાવનારા ડ્રાઇવરો વગેરે. તેમની ઇમર્જન્સી સેવા નથી હોતી, પણ તેઓ સતત પોતાની કંપની માટે કામ કરતા રહે છે. ઓફિસોમાં બેસીને કામ કરનારાઓ કરતાં તેમનો પગાર ઓછો હોવા છે, પણ કંપનીને ચાલતી રાખવામાં તેમનો સિંહફાળો હોય છે.
ગિગ વર્કરની અલગ દુનિયા છે. રાત્રે અઢી વાગે ઘરે પણ ફૂડ ડિલીવર કરનારાઓ તમારે આંગણે આવી જાય છે. આજકાલ જ્યારે કાળઝાળ ગરમી છે ત્યારે ગિગ વર્કર ભરબપોરે પોતાને ફાળવેલી ડિલીવરી પૂરી કરતાં હોય છે. સતત ફરવું તેમની જોબનો એક ભાગ છે. ધોમધખતા તાપમાં પણ તેઓ પોતાનું કામ ચૂકતો નથી.
કેટલીક સોસાયટીઓમાં બપોરે ૧૨થી ૪ કુરિયરવાળા માટે નો-એન્ટ્રી હોય છે, તેથી અહીં રહેનારાઓને કુરિયર પહોંચાડવા માટે નવેસરથી જવું પડે છે.
વહેલી સવારથી જ ગિગ વર્ક કરનારા કામે લાગી જાય છે. કાળઝાળ ગરમીમાં ડિલીવરીનું કામ કરનારા પ્રત્યે આમ આદમી સહાનુભૂતિ બતાવતા હોય છે, પરંતુ તેમની કંપની કે સરકાર તેમનો બહુ ખ્યાલ નથી રાખતી. બહુ ઓછા લોકોને ખબર હશે કે કુરિયર મોડું ડિલીવર થાય તો ડિલીવરી બોયના પગારમાંથી કેટલીક રકમ કપાઇ જાય છે. એવી જ રીતે ફૂડ ડિલીવરી પણ સમયસર જ કરવી પડે છે.
૧૦ મિનિટમાં ડિલીવરીના કોન્સેપ્ટ વિરોધ એટલા માટે થયો હતો કે ડિલીવરી મેન સમય સાચવવા માટે વ્હીકલ ઝડપથી ચલાવતા હોય છે જે જોખમી બની શકે છે.
ગિગ વર્કર માટે એરકંડિશનર એટલે ઝાડનો છાંયો. સખત ગરમીમાં ગિગ વર્કર કુદરતી એસીનો સહારો શોધતો હોય છે. જેમની પાસે જોબનો કોઇ વિકલ્પ નથી તેમના માટે ગિગ વર્કર તરીકે ચાલુ રહેવા સિવાય કોઇ છૂટકો હોતો નથી.
ઇન્ડિયન ફેડરેશન ઓફ એપ-બેઝડ ટ્રાન્સપોર્ટ વર્કર્સે શ્રમ અને રોજગાર મંત્રાલયને લખ્યું છે કે હીટ વેવ સામે અમને પણ રક્ષણ મળવું જોઇએ. તેમણે કૂલિંગ બ્રેકની માંગ કરી છે. જ્યારે હવામાન ખાતું ઓરેન્જ એલર્ટ કે રેડ એલર્ટની જાહેરાત કરે ત્યારે ગિગ વર્કર્સની હાડમારીઓનું પણ ધ્યાન રાખવું જોઇએ.
ફેડરેશને જાપાન, દ. કોરીયા, સિંગાપુર, ફ્રાન્સ વગેરે દેશોનો ઉલ્લેખ કરીને ત્યાં ગિગ વર્કરોને મળતી સવલતોની જેમ ભારતમાં પણ તેનો અમલ કરવા કહ્યું છે. ભારતમાં હાલ ૭૭ લાખ જેટલા ગિગ વર્કર્સ છે. ૨૦૨૯-૩૦માં આ આંક ૨.૩૫ કરોડ પર પહોંચવાનો અંદાજ છે.
ગિગ વર્કર્સના ફેડરેશને સરકારને લખ્યું છે કે અમને ગરમીથી રક્ષણ આપવું જરૃરી છે. એક સૂચન એવું પણ કરાયું છે કે ગરમીના આક્રમણ વખતે ગિગ વર્કરની તબિયત અચાનક ખરાબ થાય તો હીટ ડિસ્ટ્રેસ બટન જેવી વ્યવસ્થા ઊભી કરવી જોઇએ.
સમાજમાં અને બિઝનેસ ક્ષેત્રે ગિગ વર્કર્સનું મહત્ત્વનું યોગદાન છે. કુરિયર સર્વિસને કારણે વર્ષો જૂની ટપાલ સેવા પણ ધૂ્રજી ગઇ છે, પરંતુ ગિગ વર્કર્સને મળવી જોઇએ એટલી સવલતો મળતી નથી કે નથી તો તેમને કંપનીઓ તેમની નોકરી કાયમી બનાવતા.
ભારતની સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમમાં ગિગ ઇકોનોમી મહત્વની બની છે. રાજ્ય સરકારે પણ ગિગ વર્કરો માટે ગરમીમાં રાહત આપવા માટે બ્રેઇન સ્ટોર્મિંગ કરવાની જરૃર છે.


