Get The App

લાલુપ્રસાદ માટે જૈસી કરની વૈસી ભરની જૂનો બંગલો ફરજીયાત છોડવો પડશે

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
લાલુપ્રસાદ માટે જૈસી કરની વૈસી ભરની જૂનો બંગલો ફરજીયાત છોડવો પડશે 1 - image

- લાલુની રાજકીય વગનો મહેલ ધીરે ધીરે ધ્વસ્ત થઇ રહ્યો છે

- પ્રસંગપટ

- છેલ્લા બે દાયકાથી વપરાતો પટણાનો ભવ્ય બંગલો ખાલી કરવો પડશે, તેજપ્રતાપને પણ નોટીસ

આજકાલ બિહારમાં સૌથી વધુ ચર્ચાતી વાત બિહારનાં પરિણામોની નહીં, પણ લાલુપ્રસાદ યાદવનો પરિવાર જે બંગલાને બે દાયકાથી પોતાનો રાજકીય અડ્ડો બનાવી બેઠું છે તેને ખાલી કરવાનું નવી સરકારી ફરમાન છે. બિહારના સૌના મોઢે એક જ વાત છે કે લાલુપ્રસાદના કુટુંબનું  રાજકીય પતન થઇ ગયું છે અને હવે તેઓ પુનરાગમન કરી શકે તેવી સંભાવના નહીવત્ છે. લાલુપ્રસાદ યાદવ પરિવારનો સૂરજ તપતો હતો ત્યારે કોઇ તેમને કે તેમના પરિવારને સ્પર્શી શકતું નહોતું, પરંતુ હવે વળતાં પાણીનો પ્રવાહ એટલો સખત છે કે તે લાલુપ્રસાદ યાદવના રાજકીય કારકિર્દીનો અંત લાવી દેશે.

બિહારમાં ૨૦૦૫ પછી લાલુપ્રસાદના પરિવારે મુખ્યપ્રધાનની ખુરસી જોઈ નથી. એમનાં પત્ની રબડી દેવીનો મુખ્યપ્રધાન તરીકેને અંતિમ કાર્યકાળ માર્ચ ૨૦૦૫માં પૂરો થયો હતો. સીએમ પદથી દૂર રહીનેય લાલુપ્રસાદનો પરિવાર વિરોધ પક્ષનો હિસ્સો બનીને પાવરફુલ તો ગણાતો જ રહ્યો. લાલુપુત્ર તેજસ્વી યાદવ ઘણાં વર્ષો બિહારના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે સક્રિય રહ્યા હતા. યાદવ પરિવારની રાજકીય વગનો મહેલ ધીરે ધીરે ધ્વસ્ત થઇ રહ્યો છે. લાલુપ્રસાદ યાદવના પરિવારને એમનો ૧૦, સરક્યુલર રોડ ખાતેનો સરકારી બંગલો ખાલી કરવાનું ફરમાન મળી ગયું છે. 

 તાજેતરમાં બિહારમાં સત્તાનાં સૂત્રો બદલાયાં અને ગૃહખાતું ભાજપ પાસે આવ્યા બાદ લાલુપ્રસાદ ફેમિલીની રાહુની મહાદશા શરૂ થઇ હોય એમ લાગે છે. ચૂંટણી પરિણામો બાદ લાલુપ્રસાદ યાદવના કુટુંબના ઝગડા બહાર આવ્યા હતા. એમની લાડકી દીકરી રોહિણીએ રોતાં રોતાં ઘર છોડયું હતું. આ ઘટનાના બે જ દિવસ પછી બિહારમાં શપથવિઘિ હતી. મંત્રીમંડળના વિસ્તરણમાં ગૃહખાતું ભાજપને મળતાં જ બીજા દિવસે યાદવ પરિવારને ઘર ખાલી કરવાની નોટીસ મળી ગઇ હતી.

રાજકીય સત્તા પરથી ફેંકાઇ ગયા બાદ ગમે તેવા બાહોશ અને ડોન ગણાતા રાજકારણી પણ મીંદડી બની જાય છે. જો જનતાદળ (યુ) પાસે ગૃહખાતું હોત તો તે લાલુપ્રસાદના બંગલાને ત્વરીત ખાલી કરવાની નોટીસ ના આપત, કેમ કે બંને પક્ષ વચ્ચે વર્ષો જુના સંબંધો છે. પરંતુ ભાજપ લાલુપ્રસાદના કુટુંબનું આખું નેટવર્ક તોડી નાખવા માગે છે. 

જે રોહિણીએ રોતાં રોતાં ઘર છોડયું હતું તે ફરી સોશિયલ મીડિયા પર પિતાના બચાવમાં આવી ગઈ છે. તેમણે કહ્યું કે ભાજપ મારા પિતાનો બંગલો લઇ લેશે, પરંતુ લોકોના દિલમાં રહેલા લાલુ પ્રસાદને બહાર કાઢી શકશે નહીં. પહેલી વાર નીતિશકુમાર મુખ્યપ્રધાન બન્યા ત્યારે રાબડીદેવીને એમના બંગલાને અડીને ૧૦, સરક્યુલર રોડ ખાતે બંગલો ફાળવાયો હતો. ત્યારથી લાલુ કુટુંબ અહીં રહે છે. 

છેલ્લા બે દાયકાથી આ ઠેકાણું રાષ્ટ્રીય જનતાદળનું મુખ્ય મથક બની ગયું હતું. ૨૦૧૫માં વિપક્ષોનું જોડાણ બિહારમાં સત્તા પર આવ્યું ત્યારે નાયબ મુખ્યપ્રધાન બનેલા તેજસ્વી યાદવને ભવ્ય બંગલો ફાળવવામાં આવ્યો હતો. ૨૦૧૭માં રાજકીય સમીકરણો બદલાતાં નાયબ મુખ્યપ્રધાન સુશીલ કુમાર શિંદે બન્યા હતા અને તેજસ્વીએ બંગલો પરત સોંપવો પડયો હતો. ત્યારે તેજસ્વી કોર્ટમાં ગયા હતા, પરંતુ તેમને હાર મળી હતી. ત્યારે બિહારની સરકારે નિયમો બનાવ્યા હતા, જેના લીધે જગન્નાથ મિશ્રા, જીતેનરામ માજી જેવા તમામ ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો પણ બંગલા ખાલી કરવા પડયા હતા. ત્યારે રાબડી દેવીનો ૧૦, સરક્યુલર રોડ ખાતેનો બંગલો એટલા માટે બચી ગયો હતો કે તે વખતે તેઓ વિધાનસભા પરિષદનાં વિપક્ષી નેતા હતાં. 

ત્યાર બાદ બિહારમાં સત્તાનાં સમીકરણો વારંવાર બદલાતાં રહ્યાં, પણ નીતીશકુમારે લાલુનો બંગલો પરત લેવાની કોઇ ચેષ્ટા નહોતી કરી. આ વખતે રાજકીય બાજી અલગ રીતે ચિપાઈ છે. આ વખતે ભાજપનો હાથ ઉપર છે અને તેની પાસે ગૃહપ્રધાનનો પોર્ટફોલિયો છે. બિહારના સત્તાવાળાઓના અન્ય એક ઓર્ડર પ્રમાણે રાબડીદેવીના બીજા પુત્ર તેજપ્રતાપને પણ બંગલો ખાલી કરવાની નોટીસ મળી ચૂકી છે.

 એક સમયે રાજકીય રાજાશાહી ભોગવતું કુટુંબ શિખર પરથી તળેટી પર પછડાયું છે. બિહારમાં જંગલરાજ ઊભું કરનારા લાલુપ્રસાદ યાદવના કુટુંબ માટે જૈસી કરની વૈસી ભરની જેવો ઘાટ થયો છે.