- લગ્નના બજારમાં શિક્ષિત મૂરતીયા વેચાય છે
- પ્રસંગપટ
- તાજેતરમાં દહેજના ખપ્પરમાં હોમાયેલા બે કેસ બહુ ચર્ચામાં છે. એક છે દીપીકા નાગર અને બીજી છે ટ્વિશા શર્મા
દહેજના રાક્ષસનું ઘર લાલચુ લોકોના મનમાં વસેલું હોય છે. સદીઓથી આ રાક્ષસ વિવિધ સમાજમાં અડીંગો જમાવીને બેઠો છે. તેનો કોઇ આકાર કે રંગ રૂપ નથી. તેને શિક્ષિત સમાજ મારી શકે એમ હતો પરંતુ તે નરી ભ્રમણા સાબિત થઇ છે. જ્યારે દીકરી જન્મે ત્યારે તેની લક્ષ્મી તરીકે પૂજા થતી હોય છે તેના લગ્ન પછી તેના પતિ અને સાસરીયાં આ લક્ષ્મીના પિતાને ખંખેરાવાના કામમાં લાગેલા હોય છે. દહેજની માંગ માટે કોઇ કરાર નથી હોતા પરંતુ ઘેર પરણીને આવેલી વહુને શરૂઆતમાં પ્રેમથી રખાય છે પછી તે પિયરથી શું લઇને આવી તેની ચર્ચા થાય છે. તેના પિતા પાસેથી વધુ પૈસા અને સવલતો લેવા હેરાન કરવાનું શરૂ કરાય છે. પહેલાં મેણા ટોણા મારવાનું શરૂ કરાય છે.
તારા પિતાને કહે મારે ગાડી જોઇએ છે જેવી માંગણીના સંતોષાય તો ધોલ ધપાટ શરૂ થાય છે. દીકરીના સુખ માટે પિતા સરંડર થઇને જમાઇની માંગણી પુરી કરે છે. પરંતુ ભૂખ્યા સાસરીયાંઓની ડિમાન્ડ સતત વધતી રહે છે અને દીકરી પર ત્રાસ ગુજાર્યા કરે છે. અંતે દીકરી ક્યાંતો મોતને વહાલું કરે છે કે તેને સાસરીયાંઓ પતાવી દે છે.
દહેજના ખપ્પરમાં વર્ષે દહાડે અંદાજે ૬૦૦૦ યુવતીઓે હોમાય છે. દહેજના કારણે પોતાના ઘરમાં પરેશાન થતી લાખો યુવતીઓની ડૂસકાં કોઇને સંભળાતા નથી.
દહેજનો રાક્ષસ ગમે ત્યારે ધૂણી શકે છે. કેટલાક નફ્ફટ લોકો પોતાના સાસરીયાંને એટીએમ સમજી બેઠા હોય છે. એટીએમનો પાસવર્ડ તેમને પરણનાર કોઇકની દિકરી હોય છે.
કેટલાક રાજ્યોમાં આઇએએસ, આઇપીએસ,ડોક્ટર, બેંક કર્મચારી જેવા મૂરતીયાઓ સાથે લગ્ન કરવાનું બીનસત્તાવાર પ્રાઇસ લીસ્ટ હોય છે. જેમાં આઇપીએસ, આઇએએસનો ભાવ એક કરોડ હોય છે. સીએકે આઇટી એન્જીન્યરના ભાવ ૫૦ લાખ હોય છે જ્યારે બેંક કે સરકારી કર્મચારી માટે ૨૫ લાખ હોય છે. નોન રેસીડેન્ટ ઇન્ડિયન લગ્ન વખતે જેન્ટલમેન લાગે છે પરંતુ તે વિદેશમાં રહેતો હોવા છતાં દહેજને વહાલું ગણે છે.
એટલેકે કોઇ કુટુંબને બહુ ભણેલો મૂતીયો જોઇએતો તેને એક કરોડ દહેજમાં આપવા પડે છે. પિતા ઇચ્છે છે કે તેમની દીકરી શિક્ષીત ઘરમાં પરણશે તો સુખી થશે પરંતુ એક કરોડ ચૂકવ્યા પછી પણ દહેજનો રાક્ષસ ધૂણવા લાગે છે અંતે તે લાડકોડથી ઉછેરેલી દીકરીને ગળી જાય છે.
કેટલાક મૂરતીયાના લાલચુ કુટુંબીઓ સીધીજ દહેજની વાત નથી કરતા પણ સ્ટેટસ પ્રમાણે ગીફ્ટ, લગ્ન આયોજનનું સ્ટાન્ડર્ટ, ગીફ્ટની મર્યાદા જેવી વાતેથી દહેજનો સંકેત આપે છે.
હવે જ્યારે લોકો પોતાની દીકરીને ભણાવવા લાખો ખર્ચે છે ત્યારે તે દહેજના રાક્ષસનો સામનો કરવા પણ તેને તૈયાર કરે છે. જ્યારે દીકરી માટે મૂરતીયો જોવાય છે ત્યારે શિક્ષિત મૂરતીયો અને શિક્ષિત કુટુંબ જોવાય છે. પરંતુ અનેક કેસોમાં શિક્ષિત કુટુંબ બહુ ખતરનાક સાબિત થાય છે.
શિક્ષિત કુટુંબ હોય તો પણ તે દહેજની વાતો કરતાં અચકાતું નથી. દહેજના વિવિધ પ્રકાર હોય છે. જેમકે દીકરીને રહેવું હોય તો અડધા પૈસા આપવાના. ના આપી શકે તે તેના પિયરથી મંગાવવાના વગેરે. કાયદા ગમે તેટલા કડક હોય પણ લાલચુ લોકો દહેજના રાક્ષસનો હાથો બની જતા હોય છે.
તાજેતરમાં દહેજના ખપ્પરમાં હોમાયેલા બે કેસ બહુ ચર્ચામાં છે. એક છે ૨૪ વર્ષની દિપીકા નાગર અને બીજી છે ૩૩ વર્ષની ટ્વિશા શર્મા. દિપીકા લગ્નના ૧૭ મહિના બાદ દહેજના રાક્ષસનો શિકાર બની હતી જ્યારે ટ્વિશા લગ્નના પાંચ મહિનામાં દહેજમાં હોમાઇ હતી. બંને કિસ્સામાં પોલીસ કેસ થયા છે. ટ્વિશાના કેસમાં પતિ વકીલ છે અને સાસુ ભૂતપૂર્વ જજ છે છતાં ટ્વિશા ફાંસો ખાધેલી હાલતમા મળી આવી હતી.
દહેજના રાક્ષસને મારવો બહુ આસાન નથી કેમકે તે પરંપરાગત રિવાજની સાથે લાલચુ લોકાએ ઉછરેલો છે.


