Get The App

નષ્ટો મોહઃ અમેરિકાના રાજકારણમાં વગદાર બનવાનો મસ્કનો મોહ તૂટયો

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
નષ્ટો મોહઃ અમેરિકાના રાજકારણમાં વગદાર બનવાનો મસ્કનો મોહ તૂટયો 1 - image


- ઇલોન મસ્ક માટે બાવાના બેઉ બગડયા જેવી સ્થિતિ 

- પ્રસંગપટ

- 'મસ્ક સાથે જેને નહીં ફાવે તેને કાઢી મુકીશ' એમ કોબિનેટમાં કહેનાર ડોનાલ્ડ ટ્રમ્પે જ મસ્કને દૂર કર્યા

- ડોનાલ્ડ ટ્રમ્પ                  

- ઇલોન મસ્ક 

ઇલોન મસ્કનો ટ્રમ્પના રાજકારણથી આટલો વહેલો મોહભંગ થઇ જશે તે કોઇએ વિચાર્યું નહોતું. વિશ્વના સૈાથી વધુ પૈસાદાર વ્યક્તિ એવા ઇલોન મસ્ક માટે બાવાના બેઉ બગડયા જેવી સ્થિતિ ઊભી થઇ છે. એક તો ટ્રમ્પ સાથે બહુ જામ્યું નહીં,  અને બીજું, ટ્રમ્પ સરકારને વધુ પડતો સમય ફાળવવાના કારણે પોતાના બિઝનેસને નુક્સાન થઇ રહ્યું છે તેનો ખ્યાલ પણ ન રહ્યો. 

આ કિસ્સામાં બંને બળિયા છે. બંને અમેરિકામાં આમૂલ પરિવર્તન લાવવા માગે છે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પના વારંવારના યુ-ટર્નના કારણે બંને વચ્ચેના મતભેદો વધતા જતા હતા. જે મસ્ક ટ્રમ્પ શાસનની શરૂઆતમાં તેમના રાઇટ હેન્ડની જેમ વર્તતા હતા, એ છેલ્લા કેટલાક દિવસોથી કોઈ બ્રિફીંગમાં ટ્રમ્પની સાથે દેખાતા નહોતા. ટ્રમ્પ આમેય પોેતાની દેાસ્તી અને નારાજગી જાહેરમાં વ્યક્ત કરવા ટેવાયેલા છે. 

બંને વચ્ચે ડખા ત્યારથી શરૂ થયા હતા કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં મસ્કને ઓફિસ આપવાની ના કહી હતી. મસ્કે ત્યારે કહ્યું હતું કે જો હું મહત્ત્વની એવી ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ  એફિશિયન્સી (ર્ઘંય્ઈ)નો હેડ હોઉં તો મારી ઓફિસ વ્હાઇટ હાઉસમાં હોવી જોઇએ. પણ ટ્રમ્પે મસ્કને આ મુદ્દે બહુ ભાવ ન આપ્યો. ભારતના રાજકારણની જેમ વૈશ્વિક રાજકારણમાં પણ યુઝ-એન્ડ-થ્રોનો વાઇરસ જોેવા મળે છે. ટ્રમ્પે જીતવા માટે મસ્કનો ઉપયોગ કર્યો હતો અને હવે તેમને દૂર હડસેલી દીધા છે.

જોકે ટ્રમ્પે તેમના તાજેતરના સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે મારા અને મસ્ક વચ્ચેના સંબંધો સારા જ છે ને મીડિયા પાયા વિનાની વાતો કરી રહ્યું છે. પ્રમુખ ટ્રમ્પે ત્યારે મસ્કની દરેક વાતને, ખાસ કરીને મસ્કની ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (ર્ઘંય્ઈ)ની ટીમને ટેકો આપતા કહ્યું હતું કે જો કેબિનેટના કોઇ સભ્ય મસ્કની વાતનો થોડો પણ વિરોધ કરશે તો એને હું કાઢી મુકીશ.

ટ્રમ્પે પોતાના આ અબજોપતિ સલાહકારને કામ કરવા માટે સંપૂર્ણ સત્તાઓ આપી હતી. ફેડરલ વર્કફોર્સ ઓછો કરવાનો પ્લાન મસ્કે તૈયાર કર્યો હતો. મસ્કે 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન' લખેલી બેઝબોલ કેપ પહેરતા હતા. ટ્રમ્પે તેમને ઊભા થઇને તેમના પ્રોજેક્ટ વિશે માહિતી આપવા કહ્યું હતું. 'ધ ન્યુયોર્ક ટાઇમ્સે' ત્યારે લખ્યુંં હતું કે જ્યારે ટ્રમ્પે 'મસ્કનો વિરોધ કરનારાને કાઢી મુકીશું' એમ કહ્યું ત્યારે હાજર સભ્યોએ તાળીઓના ગડગડાટથી ટ્રમ્પને વધાવી લીધા હતા. 

મસ્કે ટ્રમ્પની ચૂંટણીમાં ઘણું મૂડીરોકાણ કર્યું હોવાનું કહેવાય છે. ચૂંટણી પ્રચારમાં તેઓ ટ્રમ્પની સાથે રહેતા હતા. જેમ ટ્રમ્પે મસ્કથી મોં ફેરવી લીધું છે એવું જ મસ્કે તેમના માટે કર્યું છે. રોજ કોઈ ને કોઈ કારણસર એક્સ (ટ્વિટર) પર ટ્રમ્પની પ્રશંસા કરતા મસ્કે અપ્રિલથી ટ્રમ્પના નામ પર જાણે બ્લેકઆઉટ કરી નાખ્યું છે. 

કહે છે કે વિસ્કોન્સિન સુપ્રિમ કોર્ટમાં થયેલા વોટીંગમાં મસ્કે વોટ ખરીદવા માટે નાણાંની કોથળી ખુલ્લી મૂકી દીધી હતી, પરંતુ તેમની પસંદગીનો ઉમેદવાર હારી જતાં તેઓ ખુલ્લા પડી ગયા અને ટ્રમ્પની નારાજગીનો ભોગ બન્યા.

અમેરિકાના રાજકારણને, ખાસ કરીને ટ્રમ્પના રાજકારણને ઓળખવામાં વિશ્વનો આ અબજોપતિ થાપ ખાઇ ગયો. ટ્રમ્પ જાણતા હતાકે રાજકારણમાં નંબર ટુ ઇઝ ઓલવેઝ ડેન્જરસ. એટલે જ ખંધો રાજકારણીઓ નંબર ટુ ઊભો જ થવા દેતો નથી.

ભારતના રાજકારણમાં પણ આ નીતિ દેખાતી રહી છે. ઉત્તર પ્રદેશનાં મુખ્યપ્રધાન તરીકે માયાવતી હતાં ત્યારે તેઓ જાહેર કાર્યક્રમોમાં સ્ટેજ પર એક જ ખુરશી રખાવતાં - પોતાના માટે. તેઓ જાણતા હતાં કે જો તેમની બાજુમાં કોઇ બેસશે તો એની પ્રતિષ્ઠા વધશે અને કાળક્રમે તે સત્તા માટે દાવેદાર બની શકે છે. કોંગ્રેસના ડમ્પી એહમદ બહુજન સમાજવાદી પાર્ટીમાં જોડાઇને માયાવતીની નજીક પહોંચી ગયા હતા, પરંતુ ચાલાક માયાવતીએ ડમ્પીને સ્ટેજ પર ક્યારેય પોતાની સાથે બેસવા જ ન દીધા. 

રાજકારણમાં ટોચ પર બિરાજમાન નેતા માટે નંબર ટુ જોખમી બની શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના નંબર ટુ તરીકે ઇલોન મસ્ક ઉપસી આવ્યા હતા. ખેર, અત્યારે તો ટ્રમ્પ  શાસનમાં ઇલોન મસ્કની રાજકીય કરીઅરનો અંત આવી ગયો છે. મહાભારતના ૧૮મા અધ્યાયમાં અર્જુન જેમ નષ્ટો મોહઃ..કહે છે, એમ મસ્કનો પણ હવે ટ્રમ્પ પ્રત્યેનો મોહ તૂટી ગયો છે.

Tags :