Get The App

યુદ્ધ ઠારવા પાકની મધ્યસ્થી વર્ષની સૈાથી મોટી મજાક ગણાઇ

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધ ઠારવા પાકની મધ્યસ્થી વર્ષની સૈાથી મોટી મજાક ગણાઇ 1 - image

- પાકિસ્તાનને મધ્યસ્થી કરવાના અભરખા

- પ્રસંગપટ

- જશ ખાટવાની સાથે અહીં અમેરિકા પાસેથી આર્થિક મદદ મેળવવાની વાત પણ છે

- ડોનાલ્ડ ટ્રમ્પ, અસિમ મુનીર, મોજતાબા ખામેની

અફઘાનિસ્તાન ગમે ત્યારે ત્રાટકે એવા ડર વચ્ચે જીવતું પાકિસ્તાન વૈશ્વિક તખ્તા પર સક્રિય બનવાના પ્રયાસ કરી રહ્યું છે. અમેેરિકા અને ઇરાન વચ્ચે મધ્યસ્થી કરવાનો ઇરાદો ધરાવતા પાકિસ્તાનને એ ખબર નથી કે યુદ્ધે ચડેલા બંને દેશો એટલેકે અમેરિકા અને ઇરાનને તેના પર ભરોસો નથી. ઇરાનના પ્રવક્તાએ કહ્યું છે કે અમારી કોઇ દેશ સાથે મધ્યસ્થી બનવા વિશે ચર્ચા ચાલી રહી નથી. ભોંઠા પડી ગયેલા પાકિસ્તાને તરત જ કહ્યું હતું કે અમે તો વચ્ચે રહેવાની ઓફર મૂકી છે. પાકિસ્તાન પોતાની ઇમેજ સુધારવા તક શોધે છે, પરંતુ તેનો ગજ વાગતો નથી. પાકિસ્તાનના શાસકો માને છે કે ભારત ભલે મધ્યસ્થી ન કરી શકે, પણ પાકિસ્તાન કરી શકે છે.

અમેરિકા અને ઇરાન વચ્ચે મધ્યસ્થી તરીકે પાકિસ્તાન રહે તે વાતને વિદેશનાં માધ્યમોએ 'જોક ઓફ ધ યર' (વર્ષની સૌથી મોટી મજાક) તરીકે નવાજી છે. પાકિસ્તાનને મધ્યસ્થી બનવાના અભરખા એટલા માટે જાગ્યા છે કે તે વિશ્વમાં પોતાની હાજરી ઊભી કરવા માગે છે. હકીકત એ છે કે અમેરિકા યુદ્ધવિરામ માટે કોઇ દેશને બલિનો બકરો બનાવવા માગે છે. પાકિસ્તાનની મધ્યસ્થી કરવાની ઉછળકૂદ જોેઇને અમેરિકા તેનો ઉપયોગ કરી શકે છે.

રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકવા ભારતને મધ્યસ્થી કરવા કહ્યું હોવાની વાત ઉડી હતી, પરંતુ ભારત તરફથી આવી કોઇ વાતને સમર્થન મળ્યું નહોતું.  પાકિસ્તાન અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. તેમાં તે વધુ ગૂંચવાયેલું રહે છે. અમેરિકા-ઇરાન વચ્ચે મધ્યસ્થી બનવાની વાતને ફેલાવવા પાકિસ્તાને લોબિઇંગ પણ શરૂ કર્યું હતું. જોકે ઇરાને એક જ ધડાકે  તેની વાત ફગાવી હતી અને પછી અમેરિકાએ પણ તે ઓફર તરફ બહુ ધ્યાન આપ્યું નહોતું.

યુદ્ધે ચઢેલા દેશોના મધ્યસ્થી બનવું બહુ જોખમી હોય છે, જેમાં કાચું કપાય તો વચ્ચે પડનારને ઘડો લાડવો થઇ જાય છે. બે બિલાડીના ઝગડામાં જેમ વાંદરો મધ્યસ્થી કરીને બંનેને ઉલ્લુ બનાવે તેમ પાકિસ્તાન મધ્યસ્થીના નામે બંને દેશ પાસેથી આર્થિક મદદ પડાવવા માગે છે.

 અહીં ઉલ્લેખનીય છે કે વિશ્વમાં શિયા મુસ્લિમોની વસ્તી સૌથી વધુ ઇરાનમાં છે અને બીજા નંબરે પાકિસ્તાનમાં છે. બંને દેશ અણુબોમ્બ ધરાવે છે. પાકિસ્તાન ખુદને ન્યુક્લિયર સુપર પાવર ગણે છે. 

ભારતની ઓપરેશન સિંદૂરથી બેવળ વળી ગયેલા પાકિસ્તાનના લશ્કરી વડા અસિમ મુનીરે અમેરિકાના પ્રમુખ સાથે  અવારનવાર વાતચીત કરીને સંબંધો વધારવા પ્રયાસ કર્યો હતો. અસિમ મુનીરે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરીને મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી.

અમેરિકા-ઇરાન વચ્ચે મધ્યસ્થી બનીને ચર્ચા કરવા અમે તૈયાર છીએ એવું પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું. તેના સંદર્ભમાં ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે ભારત કોઇની દલાલી કરતો દેશ નથી. આ બેઠકમાં વિદેશ પ્રધાને યુદ્ધની પરિસ્થિતિના કારણે ઊભી થનારી સંભવિત પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો હતો. 

મધ્યસ્થી કરવાનો પાકિસ્તાનનો થનગનાટ સમજી શકાય એમ છે. દેવામાં ડૂબેલું પાકિસ્તાન આંતરવિગ્રહ તરફ આગળ વધી રહ્યું છે. બલૂચિસ્તાનના સૈનિકો પાકિસ્તાનની ઊંઘ હરામ કરી રહ્યા છે, તો બીજી તરફ ભારત જાહેરમાં કહે છે કે ઓપરેશન સિંદૂર હજુ પૂરૃં થયું નથી. 

કાબુલની હોસ્પિટલ પર બોમ્બમારો કરીને ચારસો જેટલા માણસોને મોતને ઘાટ ઉતારનાર પાકિસ્તાને અફધાનિસ્તાનને છંછેડયું છે. પાકિસ્તાનમાં પેટ્રોલ-ડિઝલના ધાંધિયા છે અને લોકોને વર્ક ફ્રોમ હોમના આદેશ અપાયા છે. ચારેબાજુથી ઘેરાયેલા પાકિસ્તાનને અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધમાં મધ્યસ્થી કરવાનો જશ ખાટવો છે. 

અહીં વાત માત્ર જશ ખાટવા પૂરતી સીમિત નથી, અમેરિકા પાસેથી આર્થિક મદદ મેળવવાની પણ છે. જોકે ઇરાને બહુ સ્પષ્ટ કહ્યું છે કે સમાધાનની કોઇ વાત નથી ચાલતી અને યુદ્ધ ચાલુ જ છે. અમેરિકા માટે પાકિસ્તાન રમકડા સમાન છે. થોડા ઘણા પૈસા આપીને અમેરિકા પાકિસ્તાન પાસેથી ધાર્યું કામ તેની પાસે કરાવી શકે છે.