- રાધા ક્યું ગોરી, મૈં ક્યું કાલા
- શારદા મુરલીધરણ
- પ્રસંગપટ
- ભારતીયોના ગોરા રંગ માટેની ઘેલછા વિશે સોશિયલ મીડિયા પોસ્ટ લખીને હૈયાવરાળ ઠાલવી
અમેરિકામાં શ્વેત-અશ્વેત પ્રજા વચ્ચે આજે પણ ખટરાગ થયા કરતો હોય છે. ભારતમાં કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને અન્ય પહાડી પ્રદેશોમાં વસતા લોકો પ્રમાણમાં ગોરા છે. જેમ જેમ નીચે આવતા જાઓ તેમ તેમ ભારતીયોની ત્વચા ઘઉંવણી થતી જાય છે. દક્ષિણ ભારતમાં પ્રવેશો એટલે લોકોની ચામડીનો રંગ વધારે ઘેરો થવા લાગે છે. ભારતીયોના સ્કિન ટોનમાં ખાસ્સું વૈવિધ્ય છે. ભારતીયોને ગોરા રંગ પ્રત્યે દેખીતો પક્ષપાત છે ને શ્યામ રંગ તરફ ક્યારેક છૂપો, તો ક્યારે પ્રગટ તિરસ્કાર.
અહીં વાત છે કેરળનાં ચીફ સેક્રેટરીની. તેમનું નામ શારદા મુરલીધરન. તેમના પતિ પણ કેરળના ચીફ સેક્રેટરી રહી ચૂક્યા છે. કેરળમાં કેટલાંક તત્ત્વો શારદા મુરલીધરનના શ્યામ વર્ણની ટીકા કરતા હતા. કોઈ તો વળી એવી કમેન્ટ પણ કરી નાખતા કે તેઓ તેમના પતિ કરતાં પણ વધુ કાળાં દેખાય છે.
૧૯૯૦ બેચના ઓઇએએસ શારદા મુરલીધરને ગઇ ૩૧ ઓગસ્ટે નિવૃત્ત થયેલા પોતાના પતિની ચીફ સેક્રેટરી તરીકેની પોસ્ટ સંભાળી છે. શરુઆતમાં તો લોકો આ યુગલના પ્રશંસા કરતા હતા. દેશમાં પતિ- પત્ની બન્ને કોઈ રાજ્યના મુખ્ય સચિવ પદે બેઠાં હોય એવું પહેલી વાર બન્યું છે.
શારદા મુરલીધરને પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે જ્યારથી હું કેરળના ચીફ સેક્રેટરીની પોસ્ટ પર બેઠી છું ત્યારથી મારી ત્વચાના કાળાશની ટીકા અને મજાક થઈ રહી છે. મારા વહિવટી કામકાજની પ્રશંસા કરવાના બદલે મારા પતિના સ્કિન ટાન સાથે મારા સ્કિન ટોનની સરખામણી થઈ રહી છે. મારા પતિ મારી સરખામણીમાં થોડા રુપાળા, કહો કે ઘઉંવર્ણા છે.
મને મારી બ્લેકનેસ પસંદ છે એમ કહીને તેઓ આગળ લખે છે કે આમ તો હું પોસ્ટ ડિલીટ કરવાની હતી, પરંતુ તેટલાક લોકોએ મને કહ્યું કે પ્લીઝ, તું બોલ અને સ્પષ્ટતા કર. શારદા મુરલીધરન કહે છેે કે લોકો શ્યામ વર્ણ સાથે પ્રત્યે પૂર્વગ્રહથી પીડાય છે. કેમ? શા માટે? આનો જવાબ કોઈની પાસે નથી. આગે સે ચલી આતી હૈ જેવું છે. હું જે સર્વોચ્ચ હોદ્દા પર છુંં ત્યાં કામગીરી જોવાની હોય છેે નહીં કે મારી સ્કિનનો કલર.
તેઓ લખે છે: મને યાદ છેે કે હું નાની હતી ત્યારે હું મારી મમ્મીને પૂછતી કે જો હું ફરી ગર્ભમાં જતી રહું અને ફરી પાછો જન્મ લઉં તો મારી સ્કીન ઘઉંવર્ણી થઈ જાય ખરી? જોકે અમને એવું શીખડાવવામાં આવ્યું હતું કે બુધ્ધિશાળી હોવું સૌથી મહત્ત્વનું છે. સ્કિન કલરનું મહત્વ બોલિવુડ જેવા ક્ષેત્રમાં હોય. આઇએએસ થવા સાથે સ્કિન કલરને કશી લેવાદેવા નથી.
કેરળનાં ચીફ સેક્રેટરી શારદાની મુલાકાત લેનાર એક વ્યક્તિએ ટિપ્પણી કરી હતી કે આ મહિલાની કામ કરવાની પદ્ધતિ કડક છે, જ્યારે તેમના પતિની કામ કરવાની શૈલી સમાધાનકારી હતી.
શારદા મુરલીધરન કહે છે કે બ્લેક કલરને ભ્રષ્ટાચાર સાથે સાંકળવો જોઇએ. સ્કિન કલર સાથે નહીં. અંધકારનો રંગ કાળો છે. કાજલનો રંગ કાળો છે. જ્યારથી હું જોેબ પર છું ત્યારથી મારા શ્યામ વર્ણ વિશે એટલી હદે ટિપ્પણી થઈ છે કે હું કંટાળી ગઈ છું. લોકો મારા કામનું મૂલ્યાંકન કરવાના બદલે મારા કલરની વાતો કરે છે ત્યારે વિચિત્ર લાગ છે. લોકોનું આવું વર્તન આઘાતજનક છે. લોકોના મનમાં કાળા વર્ણ પ્રત્યે એક પ્રકારની ઘૃણા છે.
અશ્વેત બરાક ઓબામા અમરિકાના પ્રેસિડન્ટ બન્યા પછી તેમની ઇમેજ નંદવાય એવી પોસ્ટ મુકાતી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ફરી ચૂંટાયા તેનું એક કારણ સંભવત: એ પણ છે કે તેઓ શ્વેત છે.
આપણે ત્યાં રંગ કરતાં ખાસ તો સૌંદર્યની સરખામણી કરવામાં આવે છે. આપણી ભાષામાં 'કાળા કામણગારા' એવો શબ્દપ્રયોગ પણ છે. આપણે ત્યાં ભગવાન બાલકૃષ્ણના શ્યામ વર્ણ સાથે સંકળાયેલું એક સુંદર ભજન છે, જેના શબ્દો છે - યશોમતી મૈયા સે પૂછે નંદલાલા ..રાધા ક્યું ગોરી, મૈં ક્યું કાલા....
સિનેમા, મોડલિંગ જેવા ક્ષેત્રોમાં રૂપનું મહત્ત્વ હોય તે સમજી શકાય છે, પણ જ્યાં કામગીરી સંપૂર્ણપણે બૌદ્ધિક હોય ત્યાં વ્યક્તિના સ્કિન ટોનને મહત્ત્વ આપવામાં આવે તે વાત જ હાસ્યાસ્પદ છે.
આ કોઈ સામાન્ય મહિલાની વાત નથી, પણ ખૂબ ઊંચી પોસ્ટ પર બેઠેલી મહિલાની વ્યથા છે. શારદા મુરલીધરન પોતાના હોદ્દાની ગરિમા જાળવાી રાખીને આ સોશિયલ મીડિયા પોસ્ટ લખી છે ને પોતાના ટીકાકારોને ચૂપ કરવાનો પ્રયત્ન કર્યો છે.


