Get The App

અમેઝોનના માલિક જેફ બિઝોસનાં બીજાં લગ્નની ઝાકમઝોળ

Updated: Jun 27th, 2025

GS TEAM

Google News
Google News
અમેઝોનના માલિક જેફ બિઝોસનાં  બીજાં લગ્નની ઝાકમઝોળ 1 - image


- અનંત અંબાણીનાં લગ્નના ભપકાને ટક્કર મારશે

- પ્રસંગપટ

- 55 વર્ષની 'કન્યા' અને મિડીયા પર્સનાલિટી લૉરીન સેનચેઝનાં પણ આ બીજાં લગ્ન છે 

- જેફ બિસોઝ અને લૉરીન સેનચેઝ

વિશ્વના ટોપ ટેન અબજોપતિઓની યાદીમાં નવમા નંબરે સ્થાન પામતા અને એશિયાના સૌથી પૈસાદારની યાદીમાં નંબર વન પોઝિશન પર આવતા રિલાયન્સના મુકેશ અંબાણીના પુત્ર અનંતનાં લગ્ન ગયા વર્ષે ગજબની ધામધૂમથી થયાં હતાં. વિશ્વભરમાંથી  પધારેલા મહેમાનોએ એકાધિક તબક્કામાં ચાલેલી આ ભવ્યાતિભવ્ય ઉજવણીમાં ભાગ લીધો હતો. 

આંતરરાષ્ટ્રીય સ્તરના રાજકારણીઓથી લઈને ગ્લોબલ પોપસ્ટાર્સથી માંડીને બોલિવુડ સ્ટાર્સ સુધીના અઢળક સેલિબ્રિટીઓએ હરખભેર આ લગ્નમાં ભાગ લીધો હતો.  મુકેશ અંબાણી પરિવારની આગતાસ્વાગતા અને આયોજન જોઈને સૌ આફરીન પોકારી ગયાહતા. આ હાઇ પ્રોફાઇલ વેડિંગ સેરીમની અને સેલિબ્રિટીઓના  જમાવડાને જોઇને 'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ' અખબારે તેને 'વેડિંગ ઓેફ ધ યર' કહીને નવાજ્યું હતું. 

મુકેશ અંબાણીની અંદાજીત સંપત્તિ ૧૨૩.૩ અબજ ડોલર હોવાનું મનાય છે. બિનસત્તાવાર અહેવાલો અનુસાર આ લગ્નમાં ૬૦૦ મિલિયન ડોલર એટલે કે લગભગ પાંચ અબજ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ આંકડા, અલબત્ત, અલગ અલગ સોર્સ પ્રમાણે બદલાતા રહે છે. અમુક વીવીઆઇપી મહેમાનોને રિટર્ન ગિફ્ટમાં અપાયેલી એક-એક કાંડા ઘડિયાળની કિંમત જ દોઢથી પોણાબે કરોડ રૂપિયા હતી. 

મજાની વાત એ છે કે અનંત અંબાણીનાં લગ્નને ટક્કર મારે એવાં ઝાકઝમાળભર્યાં ત્રિદિવસીય લગ્ન વિશ્વના ત્રીજા નંબરના સૌથી પૈસાદાર વ્યક્તિ જેફ બિઝોસનાં હાલ થઈ રહ્યા છે. જેફ બિસોઝ એટલે જેફ્રી બિસોઝ એટલે એમેઝોનના ફાઉન્ડર અને સીઇઓ.

એમેઝોન વિશ્વની સૌથી નામાંકીત કંપનીઓમાંની એક છે. જેફ બિઝોસ અને લૉરીન સેનચેઝનાં લગ્ન પણ યાદગાર બની રહેવાનાં છે. જેફ અને લૉરીનના લગ્નમાં અંદાજે ૪૬.૫થી ૫૫. મિલિયન ડોલર (૩.૮૬ અબજથી ૪.૬૨ અબજ રૂપિયા)નો ખર્ચ થશે. જો તુલનાત્મક આંકડા સામે રાખવામાં આવે તો જેફના લગ્નમાં જેટલો કુલ ખર્ચ થવાનો છે એના કરતાં અનેકગણો વધારે ખર્ચ મૂકેશ અંબાણી પોતાનાં દીકરાનાં લગ્નમાં કરી ચૂક્યા છે. જેફ વેનિસના સમસ્યાગ્રસ્ત લગૂનને બચાવવા એક મિલિયન પાઉન્ડનું ડોનેશન પણ આપશે.  ૬૧ વર્ષના જેફ બેઝોસનાં આ બીજાં લગ્ન છે. એમનાં પહેલાં લગ્ન ૨૫ વર્ષ ટક્યાં હતાં. ૫૫ વર્ષની 

'કન્યા' લૉરેનનાં પણ આ બીજાં લગ્ન છે. એનાં પહેલાં લગ્ન ૧૪ વર્ષ ટક્યાં હતાં. જેફ અને લૉરેન બન્નેને ૨૦૧૯માં ડિવોર્સ મળ્યા હતા. લૉરેન મીડિયા પર્સનાલિટી છે. ભૂતકાળમાં એ ન્યુઝ એન્કર રહી ચૂકી છે. 

ઇટલીના વેનિસ ખાતે થઈ જેફ બેસોઝની ત્રિદિવસીય વેડિંગ સેરિમની ગઈ કાલે શરુ થઈ, જે આવતી કાલે ૨૮ જૂને પૂરી થશે. હોલિવૂડનાં અભિનેતાઓ- અભિનેત્રીઓ ઉપરાંત એાફ્રા વિનફ્રે, કિમ કદાર્શિઅન, કેટી પેરી, ઇવાન્કા ટ્રમ્પ, ટોચની ટેકનોલોજિકલ કંપનીઓના સીઈઓ, રાજકારણીઓ જેવાં ગ્લોબલ સેલિબ્રિટીઓનો જાણે કે મેળો લાગ્યો છે.   ભારતના અબજોપતિઓને પણ આમંત્રણ મોકલાયા છે. કોઇ રાજાનાં લગ્ન થઈ રહ્યાં હોય તેવો ભપકો જેફ અને લૉરેનના લગ્નનો છે. 

જેફ બિસોઝના ઇટાલિયન લગ્નની થોડી વિગતો જોઈએ. સેલિબ્રિટીઓને લાવવા-લઈ જવા માટે ૯૦ જેટલાં પ્રાઇવેટ જેટ જુદાં જુદાં ત્રણ એરપોર્ટ પર તૈનાત કરી દેવામાં આવ્યાં છે. મહેમાનોને વોટર કેનાલ મારફતે લગ્નસ્થળ લાવવા માટે ૩૦ વોટર ટેક્સીઓ આવ-જા કરી રહી છે. ધનાઢ્ય મહેમાનો માટે વેનિસની સૌથી નામાંકિત લક્ઝરી હોટલોમાં ઉતારા અપાયા છે, જેમાં અમન વેનિસ, ગ્રિટી પેલેસ, બેલમોન્ડ, ડેનિયેલી વગેરેનો સમાવેશ થાય છે. આ લકઝરી હોટલોમાં એક નાઇટ સ્ટેનું ભાડું ૩,૨૦૦થી ૩૨,૦૦૦ ડોલર જેટલું હોય છે.

આપણે ત્યાં સામાન્ય જનજીવનમાં ભપકાદાર લગ્નોનો રિવાજ ખાસ તો દેખાદેખીને કારણે  વધી ગયો છે. કેટલાક બિનજરૂરી રસમો અને ઉડાઉ તુક્કા  પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે ત્યારે ટીકા પણ થાય છે. જોકે સેલિબ્રિટી અબજોપતિઓની વાત અલગ છે. તેમના ઘરે માંડવા બંધાય ત્યારે પ્રસંગ ચર્ચાનો વિષય બની જાય છે.

Tags :