mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

બોંબની ધમકીમાં 33 ટકાનો વધારો : લોકોને ડરાવવાનો કારસો

Updated: Jun 27th, 2024

બોંબની ધમકીમાં 33 ટકાનો વધારો : લોકોને ડરાવવાનો કારસો 1 - image


- એરપોર્ટ અને સ્કૂલોને ટાર્ગેટ બનવાય છે

- પ્રસંગપટ

- બોંબની ધમકી આપનારા વિકૃત તત્ત્વો લોકોને ડરતાં જોઇને પિશાચી આનંદનો અનુભવ કરતા હોય છે

બોંબની ધમકી આજકાલ સામાન્ય બનતી જાય છે. જોકે તેને હળવાશથી લઇ શકાય એમ નથી. સ્કૂલોમા, કોલેજોમાં, ભરચક શોપિંગ સેન્ટરોમાં, રેલ્વે સ્ટેશનો તેમજ એરપોર્ટ પર અને ફ્લાઇટોમાં બોંબ મૂકવાની ધમકી પોલીસને મળતી રહે છે. તાજેતરની લોકસભાની ચૂંટણીઓ દરમ્યાન જ્યાં મતદાન થવાનું હતું એવી સ્કૂલોને ફૂંકી મારવા બોંબ મૂકાયા હોવાની ધમકી મળી હતી. પોલીસ પાસે બોંબ સ્ક્વોડ હોય છે, જે સંબંધિત એરિયા ખાલી કરાવીને તપાસ કરે છે. તપાસ ચાલતી હોય એટલો સમય ત્યાં હાજર રહેલો એકેએક માણસ ફફડયા કરે છે. 

   બે દિવસ અગાઉ કોચીથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જે પોકળ સાબિત થઇ હતી. તપાસ દરમ્યાન કોઇ સ્ફોટક પદાર્થ મળ્યો નહોતો. કેરળની એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી હતી. એર ઇન્ડિયાના મુંબઇ ખાતેના કોલ સેન્ટર પર બોંબની ધમકી આપવામં આવી હતી. ધમકી આપનાર માણસ તેના ફેમિલી સાથે તે જ વિમાનમાં મુસાફરી કરવાનો હતો. 

બોંબની ધમકી આપનારા કેટલાક ઘણી વાર સાયકો પ્રકારના ચક્રમ લોકો હોય છે. લોકોને બોંબથી સંભાવના માત્રથી ડરતાં જોઇને તેમને વિકૃત આનંદ મળે છે. લોકોના જીવ પડીકે બંધાયા હોય ત્યારે તેઓ મનોમન પોરસાતા હોય છે.બાકી ન તેમનો કોઈ ઇરાદો હોય છે કે ન તો તેઓ કોઇ મોટી ગેંગ સાથે સંડોવાયેલા હોય છે. 

બોંબની ધમકી આપવાની 'પરંપરા' મહાન અમેરિકન સમાજસુધારક માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના સમયકાળથી જોવા મળે છે. અમેરિકામાં નાગરિક હકોની ચળવળ ચાલતી હતી ત્યારે માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની જાહેર સભાઓને વિખેરી નાખવા માટે અને ડરેલા લોકો ભેગા જ ન થાય તે માટે બોંબની ધમકી અપાતી હતી. તે વખતે સ્કૂલોને પણ ટાર્ગેટ બનાવવામાં આવતી હતી. 

હવે તો કેટલાક તોફાનીઓ પ્રેન્ક (અળવતીરૃં તોફાન) કરવા માટે  બોંબની ધમકીઓ આપવાની ગુસ્તાખી કરી નાખે છે. કેટલાક નવરાઓને બેઠાં બેઠાં મસ્તી સૂઝતી હોય છે. લોકોની દોડધામ અને ટીવી પર સમાચાર જોઈને તેઓ અંદરખાને હરખાય છે. જાણે પોતે કોઈ મહાન સિદ્ધિ મેળવી લીધી હોય તેવો રોમાંચ એમને થઈ જાય છે. ૨૦૧૩માં હાર્વર્ડ યુનિવર્સિટીની એક ફાઇનલ પરીક્ષા વખતે બોંબની ધમકી મળતાં પરીક્ષા અટવાઇ હતી. તપાસ કરતાં ખબર પડી હતી કે ૨૦ વર્ષના એક વિદ્યાર્થીએ આ ધમકી આપી હતી. 

લોકોમાં ડર ઊભો કરવાનું કાવત્રું કરનારાઓને કદાચ ખબર નથી હોતી કે અસલી પરિસ્થિતિની તપાસ કરતી બોંબ સ્કવોડ અતિ બાહોશ હોય છે. આ તપાસ ચાલતી હોય છે ત્યારે બ્લડ પ્રેશરના દર્દીઓને પરસેવો છૂટી જાય છે. કેટલાક લોકો પર ડિપ્રેશનનો અટેક થાય છે. 

ભારતમાં ૨૦૧૪ પછી બોંબની ધમકીના સંખ્યામાં ૩૩ ટકાનો વધારો થયો છે. અમેરિકામાં પણ બોંબની ધમકી આપવાના કિસ્સા વધ્યા છે. જાણકાર લોકો કહે છે કે જેમને વિસ્ફોટ કરવો હોય એ કદી આગોતરી ધમકી આપતા નથી. ધમકી આપે તો તેના પકડાઇ જવાના ચાન્સ વધે છે. 

ત્રાસવાદી સંગઠનોમાં વિસ્ફોટક ડિવાઇસ લાવીને તેને યોગ્ય જગ્યાએ ફિટ કરવાની અને પછી તેને રીમોટથી ઓપરેટ કરવાની તાલીમ અપાતી હોય છે. આત્મઘાતી બોમ્બર સૌથી વધુ ઘાતક હોય છે.

ફિલ્મોમાં ને વેબ સિરીઝોમાં બોંબની ધમકી મળતાં બોમ્બ ડિફ્યુઝ કરવા જહેમત ઉઠાવી રહેલા બોમ્બ સ્કવોડની કામગીરી ઘણી વાર દેખાડવામાં આવે છે. આ દશ્યો ભારે ટેન્શનવાળો હોય છે. સ્ક્રીન પર બોમ્બ ડિફ્યુઝ થાય ત્યારે ઓડિયન્સને પણ હાશકારો થાય છે. 

એક સમય હતો કે જ્યારે સાઇકલ બોંબ, ટિફિન બોંબ વગેરેનો આતંક જોવા મળતો હતો. શોપિંગ મોલમાં, ટ્રેનોમાં તેમજ બસોમાં લોકોને ચેતવવા માટે હોર્ડિંગ - પોસ્ટરો મૂકાતાં હતાં. પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ પર વારે વારે ઘોષણાઓ થતી હતી કે અજાણી કે શંકાસ્પદ લાગતી ચીજોને અડશો નહીં, તરત પોલીસને કે લાગતાવળગતા લોકોને જાણ કરો, વગેરે. બોંબની ધમકી આપનારા ફોન, ફેક્સ કે ચિઠ્ઠીનો ઉપયોગ કરે છે. ધમકી મળતાં જ પોલીસ,બોમ્બ સ્ક્વોડ ઇત્યાદિ ધંધે લાગી જાય છે. બોંબની ધમકીને હળવાશથી લઈ શકાતી નથી તે મોટી કમબખ્તી છે.  

Gujarat