Get The App

2025માં નક્સલવાદનો સફાયો ભારત હવે લગભગ નક્સલમુક્ત

Updated: Dec 27th, 2025

GS TEAM

Google News
Google News
2025માં નક્સલવાદનો સફાયો ભારત હવે લગભગ નક્સલમુક્ત 1 - image

- પહેલાં શસ્ત્રો બંધ કરાવ્યાં, પછી આર્થિક મદદ બંધ કરાવી 

- સરકાર અને સુરક્ષા દળોએ એવો સપાટો બોલાવ્યો હતો કે નક્સલવાદીઓ શરણે આવવા લાગ્યા હતા

- પ્રસંગપટ

દેશની આંતરિક સલામતી સામે જોખમરૂપ બનેલા નક્સલવાદનો સફાયો બોલાવવામાં ૨૦૨૫નું વર્ષ મહત્ત્વનું સાબિત થયું છે. નક્સલવાદીઓને આર્થિક અને રાજકીય પોષણ આપનારાં તત્ત્વો પર ત્રાટકીને ગૃહ મંત્રાલયે નક્સલવાદનો સફાયો બોલાવી દીધો છે. ૨૦૨૫માં ૩૧૭ નક્લવાદીઓના ઢીમ ઢાળી દેવાયા હતા, ૮૦૦થી વધુની ઘરપકડ કરાઇ હતી તેમજ ૨૦૦૦ નક્સલીઓ કે તેમના સાગરીતો શરણેે આવ્યા હતા. ૧.૧ કરોડ રૂપિયાનું જેના માથે ઇનામ હતું તે શંકર અને તેના છ સાથીઓને ગઇકાલે ઓરિસ્સાના જંગલોમાં ઢાળી દઇને સુરક્ષા દળોએ તેમના આખા નેટવર્કને ખોરવી નાખ્યું છે.

સરકાર માર્ચ ૨૦૨૬ સુધીમાં દેશને નક્સલમુક્ત બનાવવા માગે છે, અને તે દિશામાં સરકારે બહુ મોટી સફળતા મેળવી હોય એમ લાગી રહ્યું છે. ગૃહ મંત્રાલયે એવો ચક્રવ્યૂહ તૈયાર કર્યો હતો કે જેમાં નક્સલવાદને મદદ કરનારા પણ ફસાઇ ગયા હતા. પહેલાં તેમની પાસે પહોંચતાં શસ્ત્રો બંધ કરાવ્યાં, પછી તેમને મળતી આર્થિક મદદ બંધ કરાવી હતી. ચારે બાજુથી ફસાયેલા નક્સલવાદીઓને શરણે આવ્યા સિવાય છૂટકો નહોતો. ઓપરેશન બ્લેક ફોરેસ્ટમાં તો બહુ માથાભારે એવા ૨૭ નક્સલવાદીઓને ફૂંકી મરાયા હતા.

નક્સલવાદ ભારતમાં ઊધઇની જેમ પ્રસરવા લાગ્યો હતો. ઓરિસ્સા અને ઝારખંડના જંગલ વિસ્તારોમાં તેમનું રાજ ચાલતું હતું. ચૂંટણીના ઉમેદવારો નક્સલવાદીઓનો ટેકો મેળવવા પ્રયાસ કરતા હતા. ગામડાંના લોકો ડરના માર્યા નક્સલવાદીઓ કહે ત્યાં વોટ આપતા હતા. સ્થાનિક રાજકારણીઓ પણ તેમનાથી ડરતા હતા. બંદૂકની અણીએ રાજ કરતા નક્સલવાદીઓ ભારતની લોકશાહીના શરમકથા સમાન હતા. સુરક્ષા દળોને તેઓ પોતાના દુશ્મન ગણતા હતા. 

સુરક્ષા દળો ગામલોકોને પરેશાન કરે છે એમ કહીને તેઓ ગ્રામ્ય નાગરિકોને ભડકાવીને પોતાના સમર્થક બનાવતા હતા. દેશવિરોધી તત્ત્વો તેમના ટેકેદાર બની ગયા હોવાથી તેમને પૈસા તેમજ શસ્ત્રો મળી રહેતાં હતાં. સત્તાધારીઓએ એક દરોડા દરમ્યાન નક્સલવાદીઓ પાસેથી રોકેટ લોંચર્સ પકડયા ત્યારે તેમની તાકાતનો અસલી અંદાજ આવ્યો હતો. 

આખું તંત્ર ફૂટેલું હતું. રોકેટ લોંચર્સ જંગલોમાં કેવી રીતે પહોંચ્યાં અને તેને ચલાવવાની તાલીમ કોણે આપી એ મોટા પ્રશ્નો હતા. દેશના દુશ્મનોએ તેમને હાથો બનાવ્યા હતા. કેન્દ્રના ગૃહપ્રધાને એવો સપાટો બોલાવ્યો હતો કે નક્સલવાદીઓ શરણે આવવા લાગ્યા હતા. લોકો સરકારની ટીકા કરતા હતા કે ત્રાસવાદ માટે પાકિસ્તાન જવાબદાર છે, પરંતુ દેશની અંદર ત્રાસ ફેલાવતા નક્સલવાદનેા સફાયો કેમ નથી કરાતો? મોદી સરકારે નક્લવાદીઓનો સફાયો કરવાનું શરૂ કર્યું હતું. ૨૦૧૪માં ૧૨૬ વિસ્તારો નક્સલગ્રસ્ત હતા, જે ઘટીને ૨૦૨૫માં માત્ર ૧૧ થઇ ગયા હતા. સૌથી વધુ અસરગ્રસ્ત  ૩૬ જીલ્લા હતા. આ આંકડો ઘટીને ત્રણ પર આવી ગયો હતો.

અંતરિયાળ ગામો સુધી મોબાઇલ અને સીસીટીવી પહોંચી ગયા હોવાથી નક્સલવાદીઓને મદદ કરનારા પણ  ફસાતા હતા. 

૨૦૨૫ના છેલ્લા અઠવાડિયામાં સુરક્ષા દળેાએ ટેાચના નક્સલવાદી ગણેશ સહિત છને ઢાળી દઇને ઓરિસ્સાને નક્સલમુક્ત કરવાનો દાવો કર્યો હતો. ઓરિસ્સાના કંદમાલ જીલ્લામાં પ્રતિબંધિત એવા સીપીઆઇ (માઓવાદી) સાથે સંકળાયેલા નક્સલવાદીઓનેા સફાયો બોલાવવાની સરકારે નીતિ અપનાવી  હતી. પ્રતિબંધિત સંગઠનોના લીડરના મોતથી આ જૂથોની કમર તૂટી જતી હોય છે અને માળખું વિખરાઇ જતું હોય છે. 

સત્તાવાળાઓની નજરે ઓરિસ્સામાં નક્સલવાદ પરનો આ છેલ્લો ઘા હતો. જેમાં જેેના માથે ૧.૧ કરોડ રૂપિયાનું ઇનામ હતું તેવો ગણેશ માર્યો ગયો છે. અંતરિયાળ ગામોમાં તેના કારણે લોકોમાં ફફડાટ હતો. સુરક્ષા દળોએ તેને ટાર્ગેટ બનાવીને ઢાળી દીધો હતો.  ગણેશ ૬૯ વર્ષનો હતો. પોતાના છ સાથીઓ - જેમાં બે મહિલાઓ પણ હતી - તેમની સાથે એ જંગલમાં છુપાયો હતો. હજુય જંગલોમાં કેટલાંક સંગઠનો કામ કરતાં હશે, પરંતુ તેમને મળતી આર્થિક સહાય બંધ  થઇ ગઇ છે. સ્થાનિક ગ્રામ્ય જનતા હવે તેમનાથી ડરતી નથી.