Get The App

બિહારમાં સત્તા કબજે કરવા મથતા લાલુ પરિવારમાં તીવ્ર મતભેદો

Updated: Sep 26th, 2025

GS TEAM

Google News
Google News
બિહારમાં સત્તા કબજે કરવા મથતા લાલુ પરિવારમાં તીવ્ર મતભેદો 1 - image

- દીકરી રોહિણી અને પુત્ર તેજપ્રતાપનો વિરોધ

- પ્રસંગપટ

- તેજસ્વી યાદવના સલાહકાર સંજય યાદવ ખલનાયકની ભૂમિકા ભજવી રહ્યો છે તેવી અસર ઊભી થઈ છે

- તેજસ્વી યાદવ

- સંજય યાદવ 

એક સમયે જે કિંગમેકર કહેવાતા હતા તે લાલુપ્રસાદ યાદવ આજે ખુદના કુટુંબમાં સામાન્ય વડીલની ભૂમિકા ભજવી શકવામાં નિષ્ફળ નીવડી રહ્યા છે, કેમ કે સંતાનો તેમને ગાંઠતા નથી. લાલુપ્રસાદ યાદવના કુટુંબમાં ચાલતા ડખાના કારણે બિહારની આગામી વિધાનસભાની ચૂંટણી તેમના હાથમાંથી સરકી જશે એવું લાગી રહ્યું છે. લાલુપ્રસાદ યાદવના કુટુંબના ઝગડા હવે તીવ્ર મતભેદમાં પહોંચી ગયા છે. લાલુપ્રસાદ યાદવના સંતાનો પૈસા માટે નથી લડતા પણ રાજકીય સત્તા માટે લડી રહ્યા છે. પહેલાં બે ભાઇઓ તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવ લડી પડયા. હવે તેમની બહેન રોહિણી આચાર્ય પણ બળવો  પોકારી રહી છે.

રોહિણી આચાર્યને એવું લાગી રહ્યું છેકે તેના ભાઇએા રાજકારણમાં તેને ઘડો લાડવો કરવા મથી રહ્યા છે એટલે તેમણે સોશિયલ નેટવર્ક પર પોતાની નારાજગી બતાવવી શરૂ કરી છે. રોહિણી એટલી ગુસ્સામાં છે કે તેણે આરજેડીના નેતાઓને સોશિયલ નેટવર્ક પર ફોલો કરવાનું બંધ કરી દીધું છે. ઘરઆંગણે જ્યારેમહત્ત્વની વિધાનસભાની ચૂંટણી છે ત્યારે કુુટુંબના સભ્યો એક થઇને ચૂંટણી પ્રચાર કરે તેવું આયોજન હોવું જોઇએ તેના બદલે લાલુપ્રસાદના બંને પુત્રોની અલગ છાવણી છે, અને તેમની પુત્રીએ પણ અલગ ચોકો ઊભો કર્યો છે.

તેજસ્વી યાદવ માટે વિધાનસભાનો જંગ કરો યા મરો સમાન છે કેમ કે જો તે હારશે તો બિહારના રાજકારણમાંથી તેઓ ફેંકાઇ જશે અને પ્રજા ઉપરની પકડ ખતમ થઇ જશે. કેટલાક સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે રોહિણી આચાર્યએ પિતા લાલુપ્રસાદ યાદવને કિડની ડોનેટ કરી છે તે વાત ઉપજાવી કાઢેલી છે અને લોકોની સંવેદના જીતવા માટે આવી ડોનેશનની વાતો આગળ વધારવામાં આવી છે. રોહિણીએ આ પ્રકારનો પ્રચાર જોઇને લખ્યું છે કે કોઇ એમ સાબિત કરી આપે કે મેં મારા પિતાની કિડની ડોનેટ નથી કરી તો હું રાજકારણ તેમજ જાહેર જીવનમાંથી રાજીનામું આપીને દુર થઇ જઇશ.

બહારનાં પરિબળો ખાસ કરીને તેજસ્વી યાદવનો સલાહકાર સંજય યાદવ ખલનાયકની ભૂમિકામાં છે. તે રાજ્યસભાનો સંસદ છે અને તેજસ્વી યાદવને મુખ્યપ્રધાન બનાવવાની વ્યૂહ રચનામાં મોખરે છે. કોંગ્રેસે જ્યારે તેજસ્વી યાદવને મુખ્યપ્રધાન પદે બેસાડવાની જાહેરાતને ટેકો આપવા આનાકાની કરી તેના બીજા જ દિવસે આરજેડી તમામ બેઠકો પરથી ચૂંટણી લડશે એવી જાહેરાત કરવાનો આઇડિયા સંજય યાદવનો હતો.

રોહિણીની નારાજગીનું એક કારણ સંજય યાદવની લાલુ પરિવારમાં વઘતી ચંચુપાત પણ છે. બિહાર અધિકાર યાત્રામાં પ્રચારની બસમાં સંજય યાદવ આગલી બેઠક પર બેસે છે, જે સામાન્ય રીતે લાલુ પરિવારના સભ્યો માટે અલાયદી હોય છે. તેજસ્વી યાદવનો ભાઇ તેજપ્રતાપે પણ પક્ષમાં મોટા ભા બનીને ફરતા લોકોને જયચંદ કહીને વિવાદ ઉભોે કર્યો છે. ગયા મે માસમાં જ્યારે તેજપ્રતાપની પક્ષમાંથી હકાલ પટ્ટી કરાઇ ત્યારે પક્ષના કેટલાક લોકોએ આ નિર્ણય માટે સંજય યાદવને જવાબદાર ગણ્યા હતા. એક તરફ તેજસ્વી અને બીજી તરફ રોહિણીએ લાલુપ્રસાદના પરિવારની એકતા સામે ખતરો ઊભો કર્યો છે. ચૂંટણીના સમયમાં સત્તા લેવા મથતા પરિવારમાં મતભેદો મુશ્કેલી ઊભી કરી શકે છે. સંજય યાદવ હકીકતે તો મસાજવાદી પક્ષના અખિલેશ યાદવની સાથે હતા. અખિલેશે સંજયની ઓળખાણ તેજસ્વી સાથે કરાવી હતી. 

તેજસ્વીને ચૂંટણીની વ્યૂહરચના કરનાર બ્રઈનની જરૂર હતી, જે જરૂરિયાત સંજય યાદવે પુરી હતી. લાલુપ્રસાદ યાદવના કુટુંબનો ઝગડો ટિકિટોની વહેંચણી થશે ત્યારે વધુ વકરવાનો છે. રોહિણી અને તેજપ્રતાપ બંને લાલુપ્રસાદ યાદવના રાજકીય વારસ હોવાનું જાહેરમાં કહી રહ્યા છે. જો ચૂંટણીમાં તેજસ્વી મુખ્ય પ્રધાન બને તેવાં પરિણામો આવશે તો લાલુ પરિવારના દરેક સત્તામાં ભાગીદારી માંગશે, અને જોે ચૂંટણીમાં તેજસ્વી યાદવ હારશે તો લાલુ પરિવારમાં ચાલતા ઝગડા વધુ તીવ્ર બનશે તથા કુટુંબની રાજકીય તાકાત અને પ્રભાવ ખાડે જશે. ટૂંકમાં,  એક સમયે કેન્દ્ર સરકારના કિંગમેકરના પોતાના ઘરમાંજ ઘર ફૂટે ઘર જાય જેેવો માહોલ ઊભો થયો છે.