ઇન્કમ ટેક્ષ રિફંડના મેસેજથી ચેતજો તમારું બેંક ખાતું સફાચટ કરી નાખશે
- સાયબર ક્રાઇમ કરનારા સક્રિય
- પ્રસંગપટ
- રિફંડની લાલચમાં બેેંક એકાઉન્ટની વિગતો, ઓટીપી, એટીએમ કાર્ડના પીન નંબર કે સીવીવી કોઇ સાથે શેર ન કરો
કૌભાંડીઓ લોકોને લલચાવતા મેસેજ કરવના સતત નવા આઇડયા શોધ્યા કરે છે. તેમની નજર વર્તમાન ઘટનાઓ અને પ્રજાની જરૂરીયાતો પર હોય છે. આજકાલ લોકો ઇન્કમટેક્ષ રીફંડની રાહ જોઇને બેઠા હોય છે. એક વાર રીફંડ આવી ગયું હોય છતાં પણ થોડું વધારે આવશે એવી આશાએ બેઠેલા લોકોને ફસાવવા છેતરપીંડી કરનારા એક્ટીવ જોવા મળે છે. ઓનલાઇન છેતરપીંડી કરતી ટોળકી જાણે છે કે લોકોને વધુ રીફંડ લેવાની લાલચ હોય છે માટે તેમને એકાદ કોલ કરીને કે ઇમેલ મારફતે ફસાવી શકાય છે. સતત જાગૃત રહેવાની સલાહ આપવામાં આવે છે છતાં લોકો ફસાતા આવ્યા છે. ઇન્કમટેક્ષ રીફંડના કેસમાં તો ઇન્કમટેક્ષ(આવકવેરા વિભાગ) ડિપાર્ટમેન્ટ પણ સતત લોકોને ચેતવે છે કે ઇન્કમટેક્ષ અધિકારીના નામે કેાઇ તમને ફોન કરે તો તેની જાળમાં ફસાશો નહીં. તમને વધારાનું રીટર્ન મળી શકે છે એમ જણાવીને લાલચ આપવામાં આવે છે. આ છેતરપિંડી કરનારા લોકોને કોલ, મેસેજ અને ઈમેલ કરીને ફસાવે છે.
ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટે પોતાની વેબસાઈટ પર સ્પષ્ટ રીતે લખ્યું છે કે, 'અજાણ્યા કોલ અને મેસેજ પર બિલકુલ વિશ્વાસ ના કરો. પરંતુ લોકોમાં જાગૃતીનો અભાવ જોવા મળે છે. દરેકને વધુ રીફંડ મેળવવું છે માટે તે ફાંફા માર્યા કરે છે અને અંતે ફસાય છે. ફસાયા પછી નથી તો તેને રીફંડ મળતું કે નથી તો કોઇ આશ્વાસન મળતું. તેના ખાતાનું બેલેન્સ ખલાસ કરીને છેતરપીંડી કરનાર કોન્ટેક્ટ બંધ કરી દે છે.
છેતરપિંડી કરનારા સતત ચતુર સાબિત થઇ રહ્યા છે. તે કોઇ લલચામણી લીંક મોકલીને લાલચુ લોકોને ફસાવે છે. તેમાં વાપરવામાં આવતું લેટરહેડ ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટનું હોય એમ લાગતું હોઇ લોકો તેના સાથે કોમ્યુનિકેશન શરૂ કરે છે. લોકો એટલા ભોળા કે અજ્ઞાાની સાબિત થઇ રહ્યા છે કે તે લીંક મારફતે માંગવામાં આવેલી વિગતો ફટોફટ ભરીને મોકલી આપે છે. જેમાં બેંક એકાઉન્ટ અને ડેબિટ કાર્ડ જેવી મહત્વની વિગતો પણ હોય છે. પોતે સરકારના પ્રતિનિધિ છે એમ સાબિત કરવા તે ઓટીપી પણ મોકલે છે.
આ છેતરપિંડી કરનારાઓ ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ જેવી જ વેબસાઈટ બનાવીને ગુનાઓ પણ આચરે છે. જ્યારે કોઈ વ્યક્તિ તેમની વેબસાઈટ એક્સેસ કરે છે, ત્યારે તેમાં ફસાનાર રેકોર્ડ અપડેટ કરવા અથવા રિફંડની પ્રક્રિયા કરવાના બહાના હેઠળ લોગિન, વ્યક્તિગત માહિતી અથવા ચુકવણીની વિગતો ભરવા માટે કહેવામાં આવે છે.
નિષ્ણાતો કહે છેકે છેતરપીંડીનો ભોગ બનનારને નકલી નોટિફિકેશન મળે છે જે બિલકુલ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પરથી આવતા નોટિફિકેશનની જેમ હોય છે. લોકો તેમના દ્વારા સરળતાથી છેતરાઈ જાય છે. આ સંદેશાઓ રિફંડનો દાવો કરવા અથવા વ્યક્તિગત માહિતી અપડેટ કરવા વિશે પૂછે છે.
આ વેબસાઇટ્સ પર, છેતરપિંડી કરનારાઓ ઘણીવાર પોતાને ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે રજૂ કરે છે. કેટલીકવાર તેઓ વપરાશકર્તાને મહત્તમ રિફંડ મેળવવા માટે છેતરે છે. તેઓ કેટલીકવાર ટેક્સની તૈયારી દરમિયાન એકત્રિત કરવામાં આવેલી બેંકની માહિતીનો દુરુપયોગ કરે છે. બાદમાં ગેરકાયદેસર રીતે પૈસા ઉપાડી લેવામાં આવે છે.
કરદાતાઓએ ઈમેલ અથવા મેસેજ બોક્સમાં પ્રાપ્ત થયેલા સંદેશાઓની અધિકૃતતા કાળજીપૂર્વક તપાસવી જોઈએ. તે કયા ઇમેઇલ અથવા ફોન નંબર અથવા વેબસાઇટ પરથી મોકલવામાં આવ્યો હતો તે જુઓ. સરકારી વિભાગો તરફથી મળેલા સંદેશાઓને કોઈપણ સરળતાથી ઓળખી શકે છે, કારણ કે તે સામાન્ય રીતે @incometax.gov.in અથવા @gov.in હોય છે.
એસએમએસ કેવા આવે છે તેનું ઉદાહરણ અહીં આપ્યું છે. જેમ કે તમારું રૂ. ૧૫,૦૦૦નું આવકવેરા રિફંડ મંજૂર કરવામાં આવ્યું છે. આ રકમ ટૂંક સમયમાં તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. કૃપા કરીને તમારો બેંક એકાઉન્ટ નંબર 5XXXXXX6777 ચકાસો. જો આ એકાઉન્ટ નંબર સાચો નથી, તો કૃપા કરીને તમારી બેંક ખાતાની માહિતી અપડેટ કરો. આ માટે https://bit.ly/20wpUUX લિંક પર ક્લિક કરો. આ લીંક ખલનાયક તરીકે કામ કરે છે જે તમારા બેક એકાઉન્ટના પૈસા રોતોરાત આંતકી લેશે.છેતરનારા બહુ એક્ટીવ બની ગયા છે જ્યારે તેનો ભોગ બનનારા લાલચનો ભોગ બની રહ્યા છે.