- ભગવાન તારા બનાવેલાજ તને બનાવે છે
- પ્રસંગપટ
- માત્ર તિરૂપતિ નહીં પણ દેશના અનેક નામાંકિત મંદિરોમાં પ્રસાદના ભેળસેળના વાઇરસ
લોકો પૈસા કમાવા પાછળ એટલા આંધળા થયા છે કે ભગવાનના પ્રસાદમાં ભેળસેળ કરતાં પણ ડરતા નથી. કોઇએ સાચેજ કહ્યું છે કે ભગવાન તારા બનાવેલા જ તને બનાવે છે. છેતરપીંડી કરનારા સ્થળ કે સમય જોતા નથી. વધુ ભીડ થાય ત્યાં તેમના હાથ અને છેતરપીંડી કરતું મગજ વધુ સળવળતું હોય છે. મહેનત કરીને પૈસા કમાવવાના બદલે તે માટે આસાન રસ્તા શોધનારા ભગવાનના પ્રસાદને પણ ટાર્ગેટ બનાવે છે.
ભગવાનનો પ્રસાદ પવિત્ર રહીને બનાવાય છે પરંતુ હવેની કોન્ટ્રાક્ટ સિસ્ટમના જમાનામાં ભ્રષ્ટાચાર મદિરના વહીવટકારો સહિતના ભરણા ભરવાની લ્હાયમાં ભેળસેળ આકાર લેતી હોય છે. ગમે તે કરો અમારૂં તરભાણું ભરો તેવું કહેતા લોકોને આંખ આડા કાન કરવા પડે છે. જે તિરૂપતિના મંદિરમાં લોકો શ્રદ્ધા સાથે જાય છે અને પોતાના ઘરેણા ઉતારી દે છે તેવા શ્રધ્ધાળુઓને જ્યારે એમ ખબર પડે કે તેમને મળેલા પ્રસાદમાં ભેળસેળીયું ઘી વપરાયું છે ત્યારે તેને આઘાત લાગે છે. જ્યાં લાખો ભક્તો આવતા હોય ત્યાં પ્રસાદ પણ લાખો કિલોની સંખ્યામાં બનતો હોય છે.
તિરૂપતિ દેવસ્થાનનો પ્રસાદમાં મળતો લાડુ રસપ્રચુર હોય છે. તે મોંમાં મુકતાંજ ઓગળી જાય છે. તેમાં કેટલાક ચોક્કસ પ્રકારના પદાર્થો હોય છે અને તે બનાવવામાં ચોખ્ખા ઘીનો ઉપયોગ કરાય છે. આપણે ત્યાં ચોખ્ખા ધીના વાત આવે ત્યારે છેતરપીંડી કરનારની આંખો ચમકતી હોય છે. કોણ જુએ છે એમ સમજીને તે ભેળસેળીયા ઘીનો ઉપયોગ કરે છે. જ્યારે આ ભળસેળીયા પ્રસાદનું કૌભાંડ પકડાય છે ત્યારે શ્રધ્ધાળુઓ આંચકો અનુભવે છે. તેમણે મંદિરમાં આપેલા દાનનો વહીવટ ખોટા હાથોમાં ગયો હોવાનો અનુભવ થાય છે.
તિરૂપતિ મંદિરના લાડુનો પ્રસાદ બનાવવા પરંપરાગત રીતે વપરાતી ચીજોનો ઉપયોગ નહોતો કરાતો એવું સત્તાવાળાઓને જાણમાં આવ્યા બાદ કૌભાંડ પકડાયું હતું. જ્યાં રોજનો મણબંધ પ્રસાદ બને છે ત્યાં લોકોને મફત નહીં પણ પૈસાથી પ્રસાદ આપવામાં આવે છે. તેના કારણે મંદિરને પણ તગડી આવક થતી હોય છે. પરંતુ છેતરપીંડી આચરનારાની મેલી મૂરાદ અહીં સફળ થતી હોય છે. માત્ર તિરૂપતિ નહીં પણ દેશના અનેક નામાંકિત મંદિરોમાં પ્રસાદના ભેળસેળના વાઇરસ પહોંચી ગયા છે. મંદિરોમાં ચોમેર શ્રધ્ધાનું વાતાવરણ હોય છે. લોકો પ્રસાદ પણ આંખે અડાડીને ભક્તિભાવપૂર્વક ગ્રહણ કરે છે. તેમાં શું ગોટાળા છે તે પર કોઇ ધ્યાન નથી આપતું. બધું વિશ્વાસે ચાલતું હોય છે.
પરંતુ વિશ્વાસઘાત કરતા લોકો ભગવાનનો પ્રસાદ પણ છોડતા નથી. ખજરાનાના ગણેશ મંદિરનો પ્રસાદ પણ વિવાદમાં સપડાયો છે. ફૂડ અને ડ્રગ ડિપાર્ટમેન્ટે તેના લાડુુ પર ટેસ્ટીંગ શરૂ કર્યું છે. બહુ પ્રસિધ્ધ જગન્નાથ મંદિરમાં અપાતા પ્રસાદમાં વપરાતા ઘી સામે પણ તપાસ ચાલે છે. મથુરાના વૃંદાવનના ભગવાન કૃષ્ણના મંદિરની આસપાસ આવેલી પ્રસાદની દુકાનોમાં આપાતા પેંડામાં વપરાતા ઘીનુ પણ પરીક્ષણ કરાયું છે. ઉજ્જૈન મહાકાલ મંદિરનો પ્રસાદ પણ તિરૂપતિના મંદિરની જેમ વિવાદમાં છે. બોલીવૂડ સેલિબ્રીટીઓ જે મંદિરમાં પદયાત્રા કરીને દર્શને જાય છે તે મંદિરમાં પ્રસાદની થાળી પર ઉંદરડા ફરતા જોવા મળ્યા હતા.
જેના કારણે મંદિરના વહીવટકારોને બદનામી મળી હતી. તેની તપાસ ચાલે છે. ગુજરાતનું બહુ પ્રસિદ્ધ અંબાજી મંદિર પણ પ્રસાદના વિવાદમાં ચગ્યું હતું . જ્યાં પ્રસાદ બનાવવા દૂધના બદલે દૂધના પાવડરનો ઉપયોગ કરાતો હતો. છેતરપીંડી કરતા લોકો મંદિરોને પણ છોડતા નથી. હકીકતેતો ેઆ લોકો શ્રધ્ધાળુઓની આસ્થા પર કુહાડો મારતા હોય છે.


