- ક્લબ 3 જુલાઇ 1913માં અંગ્રેજોએ શરૂ કરી હતી
- પ્રસંગપટ
- ડિફેન્સના કામકાજ તેમજ સલામતીના ભાગ રૂપે સરકારે 27.5 એકર જમીન પરત આપવા આદેશ કર્યો
દિલ્હીના રાજકીય સર્કલમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો કોકરોચ પાર્ટી નથી પણ દિલ્હી જીમખાના ક્લબને તાત્કાલીક બંધ કરવી પડે તેવી સ્થિતિ કેવી રીતે ઉભી થઇ તે મુદ્દો ચર્ચા છે. ૩ જુલાઇ ૧૯૧૩માં શરૂ કરાયેલ અને જેની મેમ્બરશીપ ફી ૧૮થી ૩૦ લાખ સુધીની છે તે દિલ્હી જીમખાના ક્લબને તાળા મારવા પડે એવી સ્થિતિ આવી છે. જે ક્લબના સભ્ય બનવા ૩૭ વર્ર્ષની રાહ જોવી પડે છે તે ક્લબને શરૂઆતથીજ ૨૭.૫ એકર જમીન કાયમી લીઝ પર ફાળવવામાં આવી હતી પરંતુ હવે સલામતીના કારણોસર કેન્દ્ર સરકાર તે જમીન પરત માંગી રહી છે અને પાંચ જુન સુધીમાં ક્લબની જગ્યા ખાલી કરવાની નોટિસ આપી છે.
દિલ્હી જીમખાના ક્લબ દિલ્હીની બહુ પ્રતિષ્ઠીત ક્લબ છે. આઝાદી પહેલાં તેની આગળ ઇમ્પીરીયલ લખાતું હતું પરંતુ આઝાદી બાદ ઇમ્પીરીયલને હટાવી દેવાયું હતું. દિલ્હી જીમખાનાના સભ્ય હોવું એમાં પૈસો મહત્વનો નથી હોતો પણ પ્રતિષ્ઠા વધતી હોય છે. તેના સભ્યોમાં ૪૦ ટકા સિવિલ સર્વન્ટ, ૪૦ ટકા ડિફેન્સ સર્વિસ અને ૨૦ ટકા અન્યોને સભ્યપદ આપવાની પ્રથા છે. સભ્યોના પુખ્ત વયના સંતાનોને પ્રવેશ માટે ગ્રીન કાર્ડ અપાતા હતા પરંતુ તેમાં સગાવાદનો આક્ષેપ થતા તે સિસ્ટમ બંધ કરવી પડી હતી. દિલ્હીની જીમખાના ક્લબ હકીકતે વગદારોનો અડ્ડો બની ગઇ હતી.
દિલ્હી જીમખાનાના વહિવટકારો હવે તાત્કાલીક કેન્દ્ર સરકાર સાથે બેઠક કરવા માંગે છે કેમકે તેમની પાસે વગદાર સભ્યો છે અને દરેક એમ માને છે કે સરકાર તેમને પૂછ્યા વગર ક્લબની જમીન પાછી લઇ શકે નહીં. સમસ્યા એ પણ છે કે ક્લબમાં કામ કરતા ૬૦૦ કર્મચારીઓની નોકરી છીનવાઇ જવાની છે. દિલ્હીના વગદાર લોકો જ્યાં સભ્ય છે તે ક્લબના આર્કિટેક રોબોર્ટ ટોર રસેલ હતા જેમણે તીનમૂર્તિ હાઉસ અને કોનોટ પેલેસની પણ ડિઝાઇન કરી હતી. પાંચ જુન પહેલાં ૨૭.૩ એકર જગ્યા સરકારને પરત કરવાની નોટીસ પાછળનું કારણ સરકારે ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માંગે છે તેમજ પ્રજાની સલામતી માટેનું કારણ પણ બતાવ્યું છે.
ક્લબે તેના સભ્યોને લખ્યું છે કે લેન્ડ એન્ડ ડેવલોપમેન્ટ ઓફિસ તરફથી ૨૨ મેના રોજ પત્ર મળ્યો છે જેમાં સફદરગંજ રોડ ખાતેની જગ્યા પરત આપવાનું કહ્યું છે.કેન્દ્ર સરકારે ક્લબને સ્પષ્ટ કહ્યું છેકે ક્લબની જમીનની સરકારને સલામતીના કારણોસર સખત જરૂર છે. ક્લબની જમીન વડાપ્રધાનના નિવાસની નજીક છે તેમજ તેની ફરતે ડિફેન્સ ખાતાની મહત્વની ઓફિસો છે. સરકારના આદેશ અનુસાર ૨૭.૩ એકર જમીન પરના બાંધકામ લોન તેમજ અન્ય સ્ટ્રક્ચર સાથે જમીન આપવાની રહેશે. ક્લબને એમ પણ કહેવાયું છેકે શાંતિથી અને વિવાદ વગર જમીન સરકારને હસ્તક કરી દો નહીંતર પાંચ જુને અમે કબજો લઇ લઇશું.
દિલ્હીની બહુ નામાંકીત અને રાજકીય સેલિબ્રીટીની બેઠકો સાથે સંકળાયેલી ક્લબની જમીન સરંડર કરાશે એટલે ક્લબને તાળા વાગશે તે જાણીને અનેક સભ્યોેએ આઘાત વ્યક્ત કર્યો છે. કેટલાક સભ્યો સરકારના આદેશ પર સ્ટે લાવવા મથે છે પરંતુ તે શક્ય નથી કેમકે ક્લબનો વહિવટ સરકારે નિમેલી કમિટી પાસે છે. ક્લબનું મેનેજમેન્ટ કોર્ટમાં જઇ શકે એમ નથી. જો કોઇ સભ્ય વ્યકિતગત સ્તરે કોર્ટમાં જાય તો તેની પાસે લીઝ પરની જમીન પરત લેવાના સરકારના હકને પડકારવાની દલીલો જોઇએ.
દાયકાઓથી દિલ્હી જીમખાના ક્લબ સરકારના ટોચના અધિકારીઓ, નિવૃત્ત લશ્કરી અધિકારીઓ વગેરે માટે બેઠક સમાન બની ગઇ હતી. કેટલાક માટે તે બિઝનેસ પોઇન્ટ પણ હતી. જ્યાં દિલ્હીના વગદાર લોકોની બેઠક હોય તે ક્લબને ૨૦૨૨થી કેન્દ્ર સરકાર સાથે ટસલ ચાલે છે. ૨૦૨૨માં નેશનલ કંપની લો ટ્રીબ્યુનલે સરકારને ક્લબનું મેનેજમેન્ટ લઇ લેવાનું કહ્યું હતું. ત્યારે ક્લબ પર આરોપ હતો કે કંપનીના કાયદાનો ભંગ કરાતો હતો અને ક્લબમાં નાણાકીય ગેરરીતી સામે આવી હતી. જુન પાંચની આડે માંડ દશ દિવસ બાકી છે છતાં ક્લબના ૬૦૦ જેટલા સ્ટાફને વહિવટકારોએ જોબ છોડવી પડશે તે બાબતનો કોઇ સંકેત કે નોટીસ પણ નથી આપી. સ્ટાફ મેનેજમેન્ટ પાસે સ્પષ્ટતા માંગે છે.
સ્ટાફના માથે લટકતી તલવાર છે અને ક્લબના કોઇ સભ્ય પણ તેમને શાંત્વના આપવા નથી દેખાતા. છેલ્લા અહેવાલો અનુસાર ક્લબના સભ્ય અભિષેક મનુ સિંધવી હાઇકોર્ટમાં ગયા છે અને કેસની સુનાવણી ૨૬મી મે મંગળવારના રોજ રખાઇ છે.


