- પ્રસંગપટ
- દેશમાંથી કોફીની નિકાસનું પ્રમાણ ઘટયું
- કોફીના દાણા ખરીદી ઘરમાં જ કોફી ગ્રાઈન્ડ કરવાનું (દળવાનું) ચલણ શહેરો તથા નગરોમાં જોેવા મળ્યું છે
દેશમાં કોફી બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. આ પૂર્વે કોફીના વપરાશમાં દક્ષિણ ભારતના વિવિધ શહેરો અને રાજ્યો નોંધપાત્ર હિસ્સો ધરાવતા હતા તથા દેશના અન્ય શહેરો તથા રાજ્યોમાં કોફીનો વપરાશ સરખામણીએ ખાસ્સો ઓછો રહ્યો હતો.
જો કે હવે દેશના વિવિધ મોટા શહેરો તથા નગરોમાં ખાસ કરીને યુવા વર્ગ તથા નવી પેઢીંમાં કોફીની માગમાં નોંધપાત્ર વૃદ્ધી જોવા મળી હોવાનું કોફી બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. ભારતમાં ઘરની બહાર પીવાતી કોફીની માગ વાર્ષિક ૧૫થી ૨૦ ટકાના વૃદ્ધી દરે વધવાની શક્યતા તાજેતરમાં એક સર્વેમાં બતાવાઈ છે.
તથા ૨૦૨૮ સુધીમાં આવી બજારનું કદ વધી ત્રણ અબજ ડોલરથી ઉપર જાય તો નવાઈ નહિં એવી ગણતરી જાણકારો બતાવતા હતા. કોફીના દાણા ખરીદી ઘરમાં જ કોફી ગ્રાઈન્ડ કરવાનું (દળવાનું) ચલણ પણ તાજેતરમાં ખાસ કરીને શહેરો તથા નગરોમાં જોેવા મળ્યું છે. કોફીના દાણા ઘરમાં દળવાથી એક વિશેષ સુગંધ-અરોમાનું વાતાવરણ પણ સર્જાતું હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
દરમિયાન દેશમાં ૨૦૨૫-૨૬ની કોફી મોસમમાં (ઓકટોબરથી સપ્ટેમ્બર) કોફીનું ઉત્પાદન ઘટી આશરે ૬૦ લાખ ગુણી (૬૦ કિલોની) આસપાસ થવાની શક્યતા બતાવાઈ છે. ૨૦૨૪-૨૫ની કોફી મોસમમાં આ આંકડો આશરે ૬૨ લાખ ગુણીનો નોંધાયો હતો. આ અંદાજ યુનાઈટેડ સ્ટેટસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર યુએસડીએ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. કોફીના ઉત્પાદક વિસ્તારોમાં પ્રતિકૂળ હવામાનના પગલે અરેબિકા તથા રોબસ્ટા બન્ને પ્રકારની કોફીની પેદાશને યીલ્ડને પ્રતિકૂળ અસર પડી હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.ઘરઆંગણે માગ પણ વધી રહી છે. ખાસ કરીને સોલ્યુબલ કોફીની માગમાં વિશેષ વૃદ્ધી થઈ છે. કોફીના બજાર ભાવ પણ ઉંચા ગયા છે. કોફીની નિકાસ ૬૨.૧૦ લાખ ગુણીથી ઘટી ૫૯.૯૦ લાખ ગુણી આસપાસ થવાની શક્યતા બતાવાઈ છે. ભારતની કોફીમાં ઈટાલી, જર્મની, રશિયા તથા યુનાઈટેડ આરબ અમીરાતના દેશોની માગ જોવા મળે છે. ઓકટોબરથી જાન્યુઆરી દરમિયાન કોફીના શિપમેન્ટોમાં આશરે પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કોફીના ભાવ ઉંચા જતાં યુરોપની માગને અસર પડતી જોવા મળી છે.
એસ્પ્રેસો તથા ઈન્સ્ટન્ટ કોફીની માગ ઊંચી રહેતાં રોબસ્ટા કોફીની માગ વધી છે. કોફીનું પ્લાન્ટીંગ ૪ લાખ ૭૫ હજાર જેટલા હેકટર્સમાં થયું છે. ભારતમાં કોફીનું ઉત્પાદન મુખ્યત્વે કર્ણાટક, કેરળ તથા તામિલનાડુમાં તથા ત્યારબાદના કર્મે આંધ્ર-પ્રદેશ, ઓરિસ્સા તથા ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ જોવા મળે છે.
ભારતમાં કોફીની આંતરિક માગ આશરે ૧૪ લાખ ગુણી ગણાય છે. સોલ્યુબલ કોફીની માગ આ પૈકી આશરે ૭૦ ટકા ગણાય છે. જોકે માથાદીઠ વાર્ષિક ધોરણે કોફીનો વપરાશ માંડ ૦.૦૭ કિલો રહ્યો છે જે હવે વધવાની શક્યતા જાણકારો બતાવતા હતા. વૈશ્વિક સ્તરે કોફીનો જે માથાદીઠ વપરાશ થાય છે તેની સરખામણીએ ભારતમાં આવો માથાદીઠ વપરાશ નોંધપાત્ર નીચો રહ્યો છે.
દરમિયાન, મુલ્યના સંદર્ભમાં ભારતમાંથી કોફીની નિકાસ એપ્રિલમાં ૪૭થી ૪૮ ટકા વધી ૨૦૨૯થી ૨૦૩૦ લાખ ડોલરને આંબી ગઈ છે. કોફીના ભાવ ઉંચા રહેતાં મુલ્યના સંદર્ભમાં નિકાસમાં ખાસ્સી વૃદ્ધી થઈ હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
ગયા વર્ષે એપ્રિલમાં આ આંકડો ૧૩૭૨થી ૧૩૭૩ લાખ ડોલરનો નોંધાયો હતો. જો કે ક્વોન્ટીટીના સંદર્ભમાં જોઈએ તો એપ્રિલમાં કોફીની નિકાસ ૩૯૮૨૭ ટનથી ઘટી ૩૫૨૫૯ ટન થઈ છે દરમિયાન, યુરોપના કોફી આયાતકારોના જણાવ્યા મુજબ ભારતના કોફી ઉાગડતા ખેડૂતોએ જંગલોની રક્ષા કરવાના યુરોપના નિયમોને અનુસરવું જરૂરી છે. આમ નહિં થાય તો જુલાઈથી યુરોપ આપણી કોફી આયાત કરશે નહિં એવા સમાચાર આવ્યા હતા.


