- યોગની આડમાં પ્રદીપ બનાવટી નોટ છાપતો હતો
- પ્રસંગપટ
- મહારાષ્ટ્રનો અશોક ખરાત રેપીસ્ટ હતો ને વશીકરણ કરીને મહિલાઓને ફસાવતો હતો
- અશોક ખરાત
- પ્રદીપ જોતંગીયા
સાધુ-સંત-મહાત્મા કે ગુરૂ બનવા માટે શિક્ષિત હોવાની કશી જરૂર નથી. દેશમાં શિક્ષણનું સ્તર વધ્યું હોવા છતાં સાધુ-સંત-બાબાનો સ્વાંગ સજીને બેઠેલાં નઠારાં તત્ત્વો જાતજાતના કારનામા કરતા રહે છે. છેલ્લા પંદર દિવસમાં બે ઘટનાઓ એવી બની છે કે જેના કારણે કપાળે ચંદનના લેપ લગાવીને ફરનારાઓ કે ચમત્કારનો દાવો કરનારાઓ સામે ફરી એક વાર લોકો શંકાથી જોઈ રહ્યા છે.
લોકો સંસારની સમસ્યાના ઉકેલ માટે ચમત્કારિક સંતોની શોધમાં ભટક્યા કરતા હોય છે. નબળા મનના ત્રસ્ત લોકો આવા બાબાઓની જાળમાં ફસાઇ જાય છે. હવે તો આ બાબાઓએ ચેટજીપીટી જેવા એઆઈ ટૂલ્સ સુધ્ધાં વાપરવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મિડીયા પર ઓશો રજનીશની સ્ટાઇલમાં ગુરૂ બનીનેે ફરતા નઠારા લોકોનો રાફડો જોવા મળે છે.
સુરતનો યોગગુરૂ પ્રદીપ જોતંગીયા ૨.૩૮ કરોડ રૂપિયાની બનાવટી ચલણી નોટો સાથે પકડાતાં તેમની પાસેથી યોગ શીખતા અને રોજ તેમનો ઉપદેશ સાંભળનારાઓને આઘાત લાગ્યો છે. યોગ શીખવવાની આડમાં પ્રદીપ જોતંગીયા સમય જતાં ગોડમેન પ્રદીપજી બની ગયો હતો. સુરતના કામરેજમાં એનું સત્યમ યોગ ફાઉન્ડેશન અનેક લોકો માટે શ્રદ્ધાનું સ્થાન બની ગયું હતું. પ્રદીપની ગાડીમાંથી જ જાલી નોટો પકડાતાં આ યોગી સાથે સંકળાયેલા સૌનો ફફડાટ વધ્યો હતો, કેમ કે દરેકની ઇન્કવાયરી થઈ રહી છે. પ્રદીપજી ચેટજીપીટી વાપરતો હતો અને બનાવટી ચલણી નોટ માટેનો કાગળ ચીનથી મગાવતો હતો.
બીજી બાજુ, નાસિકના અશોક ખરાતનો કેસ પણ ખૂબ ચગ્યો છે. એ પોતાની પાસે ખોટા સાપ રાખતો હતો, જંગલી પ્રાણીઓનાં ચામડા રાખીને સીરી એપ દ્વારા વિવિધ અવાજો કાઢીને પોતે કેવો ચમત્કારિક છે તે દર્શાવતો હતો.
અશોક ખરાત મર્ચન્ટ નેવીનો નિવૃત્ત કર્મચારી છે. જે મહિલાએ તેની સામે ફરિયાદ કરી છે તેનું એ છેલ્લાં ત્રણ વર્ષથી શોષણ કરતો હતો. ખરાત સામે ફરિયાદ થયા પછી અન્ય એક મહિલા ફરિયાદ નોંધાવા આગળ આવી છે અને કહ્યું છે મારા પતિને ઓફિસની બહાર ઊભો રાખીને અંદર તે મારી સાથેે કાળાં કામ કરતો હતો. કહે છે કે ખરાત લોકો પર વશીકરણ કરતો હતો અને પોતાની વાત નહીં માને તો એનું બહુ ખરાબ થશે એમ કહીને ડરાવતો હતો. પોતાની પાસે દૈવી શક્તિ છે એવો દાવો કરીને એ રીમોટ કન્ટ્રોલથી સાપ બોલાવતો હતો.
અશોક ખરાતની છેતરપીંડીઓ અને બળાત્કારોનો વ્યાપ વિદેશ સુધી લંબાયેલો છે. તેણે વિદેશની મુસાફરી ૧૫૦ વાર કરી છે.મહારાષ્ટ્રના મહિલા કમિશનનાં રૂપાલી ચકનાકર પર પણ અશોક ખરાટના કારણે છાંટા ઉડયા છે. ખરાટ સાથેનો તેમનો વીડિયો બહુ વિવાદાસ્પદ બન્યો છે.
થોડાં વર્ષો પહેલાં કેરળમાં એક કિસ્સો બની ગયો હતો. એક યુવતીએ સ્વબચાવમાં પોતાનું જાતીય શોષણ કરનારા ગોડમેનનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. તિરૂવનંતપુરમની પોલીસને તેણે સામેથી બોલાવીને ગુનો કબૂલ કર્યો હતો. તેણે કહ્યું કે જો હું કેસ કરત તો નિવેડો આવે ત્યાં સુધી વાત બહુ ખેંચાત અને ત્યાં આ નરાધમ અન્ય યુવતીઓનો શિકાર કરતો રહેત. આ યુવતીએ કહ્યું હતું કે જો હું આ ઢોંગી સ્વામી સામે બળાત્કારની ફરિયાદ કરત તો કોઇ મારી વાતને સાચી માનત નહીં. હવે મેં જ્યારે તેનું પેનિસ કાપી નાખ્યું છે ત્યારે લોકો મારી વાતને સાચી માની રહ્યા છે.
આ યુવતીની માતા તેમના ઘેેર આવતા સ્વામીનાં કરતૂતોની જાણ હતી, પરંતુ આ માણસને પોતાના ગુરૂ માનતી હોવાથી ચૂપ રહેતી હતી. અંતે યુવતીએ ખુદ આકરું પગલું ભરીને જાતે જ ન્યાય કરી નાખ્યો. જો આ પ્રકારની મહિલાઓને પ્રોત્સાહન અપાય તો અન્ય મહિલાઓમાં હિંમત આવશે અને તે પોતાનું શોષણ બચાવી શકશે.
બની બેઠેલા મહાત્માઓના કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે. લોકોને પણ ચેતવવામાં આવે છે, પરંતુ જાતજાતની જટિલ સમસ્યાઓમાં અટવાઈ ગયેલા અંધશ્રદ્ધાળુ લોકો જાણેઅજાણે ફ્રૉડ બાબાઓની જાળમાં ફસાઇ જાય છે. આવી સમસ્યાનો એક જ ઉપાય છે - લોકોએ ખુદ જાગૃત બનવું પડશે. તો જ આ બનાવટી બાબાઓની દુકાનો બંધ થશે.


