Get The App

છૂટાછેડા લીધેલી દીકરીને બેન્ડ વાજા સાથે આવકારીને નવી જીંદગી આપી

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
છૂટાછેડા લીધેલી દીકરીને બેન્ડ વાજા સાથે આવકારીને નવી જીંદગી આપી 1 - image


- દીકરીનો પણ સ્વમાનભેર જીવવાનો હક છે

- પ્રસંગપટ

- કોણ સાચું અને કોણ જુઠ્ઠું તે સમજવામાં વર્ર્ષોે બગાડવા તેના બદલે છૂટા થઇ જવું જોઇએ એવી માન્યતા...

આપણે ત્યાં સેલિબ્રીટીના લગ્નોની ખૂબ ચર્ચા થાય છે. તાજેતરમાં  સોનાક્ષી સિંહાના અને ઝાહીરના લગ્ન વિશે હોટ ચર્ચા ચાલે છે પરંતુ તૂટતાં લગ્નો અને પિતાના ઘેર પરત આવતી દિકરીઓની સમસ્યા અંગે ભાગ્યેજ કોઇ ચર્ચા થતી જોવા મળે છે. ધામધૂમથી દિકરીને પરણાવ્યા બાદ તેના છૂટાછેડાની વાત જ્યારે સપાટી પર આવે ત્યારે દિકરીના મા-બાપ પર મુસીબતનો પહાડ તૂટી પડે છે.

શરૂઆતમાં બધું બાંધી મૂઠી રાખવામાં આવે છે અને સમાધાન માટે પ્રયાસો કરાતા હોય છે. ધીરેધીરે છૂટાછેડાની વાત લીક થાય છે અને દિકરીને પરત પિતાને ઘેર આવવાનું નિશ્ચિત બની જાય છે. છૂટાછેડાની સમસ્યા શિક્ષીત વર્ગમાં વધુ જોવા મળી રહી છે. એવું શિક્ષણ શું કામનું કે જે લગ્ન ટકાવી રાખવાના પ્રયાસ કરવાના બદલે તે તૂટે તેમાં આનંદ લૂંટતા હોય.

છૂટાછેડાના કિસ્સામાં માવડીયા છોકરાઓ અને તેના માતા પિતા વધુ જવાબદાર હોવાનું મનાયું છે. કેટલાક કિસ્સામાં દિકરીના માં બાપ ઇચ્છતા હોય છે કે રોજ દિકરી હેરાન થયા કરે તેના કરતાં છૂટું કરીને ઘેર બોલાવી દેવી જોઇએ. દિકરીને ક્યાં સુધી લાચારીની દશામાં સાસરે રાખવી અને ક્યાં સુધી સામાવાળાની બદમાશીનો ભોગ બન્યા કરવું એવું દિકરીના કુટુંબીઓ વારંવાર વિચારતા હોય છે. હદ કરતાં વધુ લાચારી ભોગવવી તેના બદલે છૂટા થવામાંજ શાણપણ છે. 

જે દિકરો સ્વમાનભેર જીવે છે એમ દિકરીનો પણ સ્વમાનભેર જીવવાનો હક છે. લગ્ન પછી તેને તેના પતિ કે તેના માતા પિતાના ભરોસે છોડી ના દેવાય. આવી એક નવી સિસ્ટમ લોકોના મનમાં ડેવલોપ થઇ રહી છે. જો દિકરા-દિકરી વચ્ચે કોઇ ભેદભાવ ના હોય તો દિકરીની જીંદગીનું પણ વિચારવું જોઇએ. કેટલાક લગ્નો અનેક પ્રયાસો છતાં તૂટવાજ સર્જાયા હોય એમ લાગે છે. કોણ સાચું અને કોણ જુઠ્ઠું તે સમજવામાં વર્ર્ષોે બગાડવા તેના બદલે છૂટા થઇ જવું જોઇએ એવી માન્યતા પ્રબળ બની રહી છે. 

જ્યારે દિકરી છૂટાછેડા લઇને પાછી ફરે છે ત્યારે તેણે કોઇ ગુનો કર્યો હોય એમ બધા તેની સામે જોયા કરે છે. તેના કુટુંબીઓ પણ આઘાતમાં હોય છે. મોટાભાગના લોકો શું કહેશે તેની બળતરા અનુભવતા હોય છે. પરંતુ દિકરી આખરે તો દિકરી છે. ગયા મહિને ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક દિકરીના  બાપે અનોખું અને  અનુકરણીય પગલું ભર્યું હતું. દિકરીના પિતા બીએસએનએલના નિવૃત્ત કર્મચારી છે. અહેવાલો અનુસાર તેમનું નામ અનિલકુમાર છે અને તેમની દિકરીનું નામ ઉર્વી છે. ઉર્વીનું આઠ વર્ષનું લગ્ન જીવન દહેજના કારણે દૂષિત બની ગયું હતું. તેનો પતિ કોમ્પ્યુટર એન્જીન્યર હતો. ઉર્વીના સાસરીયાં અને પતિની પૈસાની ભૂખ સંતોષી શકાય એમ નહોતી. તે મારઝૂડનો અનુભવ કરતી હતી. અંતે કેસ છૂટાછેડામાં પરિણમ્યો હતો. આપણા સમાજમાં છૂટાછેડા પાછળ દિકરીનો વાંક જોવાનો પણ રીવાજ ચાલ્યો આવે છે.

દીકરીના પિતા અનિલકુમારને બહુ આઘાત લાગ્યો હતો. તેમણે દિકરીને પરત લાવવાની ઘટનાને બહુ ધામધૂમથી ઉજવી હતી. જેમ દિકરીને વળાવી હતી એવીજ રીતે બેન્ડવાજા અને બારાત સાથે તેને પાછી ઘેર લાવ્યા હતા. તેમનું કહેવું હતું કે મારી દિકરી રોજેે રોજ અપમાન સહન કરી નર્કમાં રહે  તેના બદલે બિન્દાસ્ત મારા ઘેર આવીને રહે. 

મારે કંઇ છૂપાવવાનું નથી માટે તેને ઢોલ નગારાં સાથે આવકારી હતી. પાડોશીઓને એમ થયું હતું કે નવેસરથી લગ્ન થઇ રહ્યા છે પરંતુ જ્યારે તેમને હકીકતની ખબર પડી ત્યારે તે પણ આવકારમાં જોડાયા હતા. અનિલકુમાર માને છે કે છૂટાછેડા લીધેલી દીકરીઓને દરેક માબાપે આવકારીને તેને નવી જીંદગી પ્રદાન કરવી જોઇએ.

Prasangpat

Google NewsGoogle News