બિહારમાં ગમે તે જીતે, પણ જરૂરછે અંધશ્રદ્ધાનું સંપૂર્ણ નિવારણ કરવાની
- રાજકીય પક્ષોની હૂંસાતૂંસી પાછળની કાળી બાજુ
- બિહારમાં છેલ્લાં 24 વર્ષમાં ડાકણ હોવાના બહાને 2,500થી વધુ મહિલાઓની હત્યા કરવામાં આવી છે
- પ્રસંગપટ
બિહારમાં ચૂંટણીનો માહોલ ઉત્તરોત્તર તીવ્ર બનતો જાય છે. સત્તાધારી એનડીએ સામે લાલુપ્રસાદ યાદવનું રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) તેમજ કોંગ્રેસના નેતૃત્વ હેઠળ વિપક્ષી ગઠબંધન મેદાનમાં ઉતર્યું છે. આ માહોલ વચ્ચે બિહારમાં હત્યા, લૂંટ, બળાત્કાર, ખંડણી જેવી ઘટનાઓમાં એકાએક ઉછાળો આવ્યો છે. પટણામાં એક ડાક્ટરને તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ સમાચાર શાંત થાય તે પહેલાં પૂર્ણિયામાં મેલી વિદ્યાના નામે એક આખા પરિવારને સળગાવી દેવાની ઘટના બની ને આખો દેશ સ્તબ્ધ થઈ ગયો. પૂર્ણિયા જિલ્લાના તેટગામા નામના ગામમાં એક પરિવારના પાંચ સભ્યો મેલી વિદ્યા કરતા હોવાના આરોપ હેઠળ જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.
આઝાદીના સાડાસાત દાયકા પછી પણ અંતરિયાળ ગામોમાં અંધશ્રદ્ધા વિરુદ્ધ જાગૃતિ પેદા થઈ શકી નથી તે કમનસીબી છે. પૂર્ણિયામાં એક બાળકની બીમારી મટતી ન હતી તો એનો દોષ સીતાદેવી નામની મહિલા પર ઢોળી દેવામાં આવ્યો હતો. સીતાદેવીને 'ડાકણ' તરીકે ખપાવી દેવામાં આવી. મામલો એટલો વધી ગયો કે સીતાદેવી સહિત પરિવારના પાંચ સભ્યોની હત્યા કરવામાં આવી. ઘટના સમયે બસ્સો કરતાં વધારે લોકો હાજર હતા.
સવાલ આ છેઃ શું રાજ્યમાં આટલા બધા અપરાધો થઈ રહ્યા છે એનો સંબંધ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી સાથે છે? કોઈને ડાકણ તરીકે ખપાવી દઈને હત્યા કરી દેવી તે અંધશ્રદ્ધાનો સંભવતઃ સૌથી બિહામણો ચહેરો છે. દેશમાં આટલા બધા કાયદા હોવા છતાં જઘન્ય ઘટનાઓ ઘટી રહી છે. વાત માત્ર બિહાર પૂરતી સીમિત નથી, દેશભરમાં આવા બનાવો વારંવાર બનતા રહે છે. બીમારી, વધતું દેવું, સંતાનોનાં લગ્ન ન થવાં, પાક નિષ્ફળ જવો વગેરે બાબકો માાટે સ્ત્રીઓ પર દોષારોપણ થાય છે, ને પછી એમને ડાકણ તરીકે ખપાવીને તેમને મારી નાખવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ જમાનામાં પણ ભારતમાં આવા અંધવિશ્વાસુ લોકો સક્રિય છે એ કેવી વક્રતા!
સીતાદેવીના પરિવારનો એક જ સભ્ય બચી શક્યો છે - સોનુ. તેણે કહ્યું હતું કે એનાં દાદી, પિતા, માતા અને ભાઈને એની નજર સામે જીવતાં સળગાવી દેવામાં આવ્યાં હતાં. એક ટોળું મોડી રાત્રે ઘરમાં ધસી આવ્યું હતું. બૂમરાણ મચાવી રહેલા આ લોકોએ ઘરના તમામ સભ્યોને મારવાનું શરૂ કરી દીધું ને તમને બંધક બનાવ્યા. સોનુ કોઈક રીતે છટકીને થોડે દૂર છુપાઈ ગયો. સોનુ કહે છે કે તેણે ગામલોકોને તેના પરિવારના સભ્યોને ખેંચીને જીવતા સળગાવતા જોયા. પછી મૃતદેહોને બોરીઓમાં ભરીને દફનાવી દેવામાં આવ્યા. સોનુ કહે છે કે એ ભાગવા માગતો ન હતો, પરંતુ જો તેણે ત્યાં રહીને પરિવારને બચાવવાનો પ્રયાસ કર્યો હોત તો તેને પણ મારી નાખવામાં આવ્યો હોત.
આવી ઘટના બને પછી દર વખતે પ્રશ્ન એ ઊભો થાય છે કે કાયદો આવી હત્યાઓને કેમ રોકી શકતો નથી? સૌથી પહેલાં તો, આવી હત્યા થવી જ શા માટે જોઈએ? અંધશ્રદ્ધાનાં મૂળિયાં બહુ ઊંડાં હોય છે. ઝારખંડના આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ ભયાનક અંધશ્રદ્ધા ઊંડા મૂળિયાં ઘાલીને બેઠી છે. ગામની જે મહિલા પર ડાકણ હોવાનું દોષારોપણ થતું હોય છે તે ઘણું કરીને અતિ દરિદ્ર અને દલિત હોય છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના ડેટા અનુસાર, ૨૦૦૦થી ૨૦૨૪ દરમિયાન એકલા બિહારમાં ડાકણ હોવાના બહાને ૨,૫૦૦ થી વધુ મહિલાઓની હત્યા કરવામાં આવી છે. ઝારખંડમાં છેલ્લાં ૨૦ વર્ષમાં ૧૮૦૦થી વધુ મહિલાઓને ડાકણ ઠેરવીને મારી નાખવામાં આવી છે. આનો અર્થ એ થયો કે, ઝારખંડમાં દર ચાર દિવસે એક મહિલા અંધશ્રદ્ધાનો શિકાર બને છે. આ આંકડા મોટા હોઈ શકે છે, કેમ કે આવા ઘણા કેસ પોલીસના ચોપડે નોંધાતા જ નથી.
જે દેશમાં સ્ત્રીને શક્તિનું સ્વરુપ ગણવામાં આવે છે ત્યાં આ પ્રકારની ઘાતકી ઘટનાઓ અત્યંત તીવ્ર વિરોધાભાસ પેદા કરે છે. આ પ્રકારનો ડેટા સામે આવે છે ત્યારે ભારતની પ્રગતિની હકીકતો બેસ્વાદ બની જાય છે.