- પૈસા કમાઈ લેવાની લાલચમાં અનેક લોકો ફસાય છે
- પ્રસંગપટ
- પોલીસ અને ધરપકડનો ડર બતાવીને ડિજિટલ એરેસ્ટ કરનારાઓેને નાણાં લૂંટવાની ફાવટ આવી ગઇ છે
વધુ કમાણી કરાવી આપતાં ઇન્વેસ્ટમેન્ટની લાલચ આપીને થતાં કૌભાંડો અને ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા પડાવી લેવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેેતી. ભારત સરકારના ડેટા મુજબ એપ્રિલ ૨૦૨૧થી નવેમ્બર ૨૦૨૫ દરમિયાન ભારતીયોના ૫૪,૦૦૦ કરોડ રૂપિયા ડિજિટલ એરેસ્ટના નામે લૂંટી લેવાયા છે. સાયબર પોલીસ સતર્ક છે, પરંતુ વધુ કમાવવાની લાલચમાં લોકો ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડનો શિકાર બનતા જાય છે. લોકો લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે. ગુનેગારો ભાગ્યેજ પકડાય છે. ડિજિટલ એરેસ્ટની ચાલ એવી રીતે ગોઠવાય છેકે તેમાં ફસાનાર સમાજમાં આબરૂ જશે તે ડરે જિંદગીની કમાણી સોંપી દે છે.
શિકાર બનનાર સિનિયર સિટીઝનોને ધકપકડનો ડર સતાવે છે અને પોતાના સંતાનો શું કહેશે તેનો પણ ડર સતાવે છે. ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડ અને ડિજિટલ કૌભાંડની વધતી ઘટનાઓએ સાયબર પોલીસને સતત ટેકનોલોજીથી અપડેટ થવાનું સૂચવે છે. કૌભાંડ કરનારાઓ શિડયુલ બેંકના ખાતાનો નંબર આપીને લોકોને વિશ્વાસમાં લે છે. તેમનું નેટવર્ક જોઇને સાયબર પોલીસ પણ મૂંઝવણમાં મુકાતી હોય છે. કૌભાંડનો શિકાર બનનાર જ્યારે તેના લાખો રૂપિયા કૌભાંડકર્તાના બેંકના ખાતામાં જમા કરાવે છે ત્યારે તે પૈસા એકાદ દિવસ માટે પણ ખાતામાં રહેતા નથી અને વિવિધ મ્યુલ એકાઉન્ટમાં ફરતા થઇ જાય છે. મ્યુલ અકાઉન્ટ એટલે કોઈ ભળતી જ વ્યક્તિનું બેન્ક ખાતું કે જેમાં એની જાણ બહાર ગેરકાયદે ટ્રાન્ઝેક્શન થતાં હોય.
ડિજીડટલ એેરેસ્ટ કરનારા પોતાની જાતને પોલીસ અધિકારી તરીકે ચીતરવા વીડિયો કોલ કરતી વખતે યુનિફોર્મ પહેરે છે અને સામેની વ્યક્તિને જાળમાં ફસાવે છે. એ પોતાના શિકાર બની ગયેલા માણસને રીતસર તતડાવે છે, ધમકાવે છે. એકવાર માણસ પૂરેપૂરો શિકંજામાં ફસાય પછી તેના લગભગ બધા જ પૈસા નિચોવી લેવાય છે.
સરકાર, રિઝર્વ બેંકે અને મીડિયાએ અનેક પ્રયાસો કરીને લોકોને ચેતવ્યા છે, પરંતુ વધુ કમાઈ લેવાની લાલચમાં અનેક લોકો ફસાતા રહે છે. પોલીસનો અને ધરપકડનો ડર બતાવીને ડિજિટલ એરેસ્ટ કરનારાઓેને લાખોની લૂંટની ફાવટ આવી ગઇ છે.
પોન્ઝી સ્કેમ, ગેરંટેડ રીટર્ન જેવી સ્કીમો મુકીને પહેલાં લોકોને બેંકના વ્યાજ કરતાં બમણી રકમ ચૂકવીને વિશ્વાસમાં લેવાય છે. પોન્ઝી સ્કીમ ચલાવનારા, ડિજિટલ એરેસ્ટ કરનારા અને અસલી પોલીસ વચ્ચે સાંઠગાંઠ હોવાનું પણ જોવા મળે છે. જે-તે ગુનેગારો સુધી સ્થાનિક પોલીસ સમયસર પહોંચતી નથી એટલે તેને ભાગવાનો મોકોે મળી જાય છે.
ઘેર માલનો સ્ટોક કરીને બેઠા બેઠા જ પૈસા કમાઓ એવી સ્કીમ મુકીને લોકોને ફસાવનારા ઇન્દોરના લોકો પોલીસની પકડમાં ક્યારેય નથી આવતા. આવા લોકો એક સ્કીમમાં પૈસા કમાઇને પછી બીજી સ્કીમ તૈયાર કરીને બીજા નામે બજારમાં નવેસરથી ઉતરે છે. તેઓ જાણે છેકે પોલીસ તંત્રના હાથ લાંબા ભલે હોય પણ તેમના સુધી પહોંચી શકવાના નથી. ડિજિટલ એરેસ્ટ કરનારાનું નેટવર્ક બેન્કોથી શરૂ થઇને પોલીસની રહેમ નજર હેઠળ ચાલતું હોય છે.
બેંકોમાં ચાલતા મ્યુલ એકાઉન્ટને કારણે તો હેકર્સ અને ઓનલાઇન છેતરપીંડી કરનારા ફૂલ્યાફાલ્યા છે. બેંકોની અંદરનો સ્ટાફ જ બેંકોને ફોલી ખાતો હાય તેવી અનેક ઘટનાઓ જોવા મળી છે. બેંકોના સ્ટાફને ખ્યાલ હોય છે કે સિનિયર સિટિઝનોનાં ખાતાં ક્યાં છે અને તેમના ખાતામાં વપરાયા વિનાના કેટલા લાખ રૂપિયા પડયા છે
મ્યુલ એકાઉન્ટ શોધતા પોલીસને ભારે જેહમત ઉઠાવવી પડે છે. જો બેંકો સહકાર આપે તો ડિજિટલ એરેસ્ટ કરનારા અનેક લોકો જેલના સળીયા પાછળ હોય, પરંતુ બેંકોએ ડિજિટલ કૌભાંડો કરનારાને પકડવામાં કોઇ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો નથી.
ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કરીને લોકોને ખંખેરતા લોકોના પૈસાની હેરાફેરી બેંકોખાતાં મારફતે જ થાય છે. ભારતમાં જુદી જુદી બેન્કોની ૭૦૦ કરતાં વધારે બ્રાન્ચોમાં અંદાજે ૮.૫ લાખ જેટલા મ્યુલ બેન્ક અકાઉન્ટસ આઇડેન્ટિફાય કરવામાં આવ્યાં છે. મ્યુલ એકાઉન્ટમાં અપાયેલા એડ્રેસ, પાસપોર્ટ ફોટો વગેરેનું વેરિફીકેશન કરાયું નથી હોતું. ક્રિપ્ટો કૌભાંડમાં ફસાયેલા લોકો પજણ ઓછા નથી.


