Get The App

2025નો સૌથી મોટો ફ્લોપ શો ક્રિપ્ટો કરન્સીઃ સરકારનો ડીંગો

Updated: Dec 26th, 2025

GS TEAM

Google News
Google News
2025નો સૌથી મોટો ફ્લોપ શો ક્રિપ્ટો કરન્સીઃ સરકારનો ડીંગો 1 - image

- આખું વર્ષ ક્રિપ્ટો કરન્સીને માન્યતા મળવાની અફવા 

- પ્રસંગપટ

- સરકારની નજર 44,000 જેટલા ક્રિપ્ટો ટ્રેડર્સ પરઃ રિઝર્વ બેંક તેને ગેમ્બલીંગ કહે છે

૨૦૨૫ની વિદાયની આડે હવે જ્યારે માંડ અઠવાડીયું બાકી રહ્યું છે ત્યારે આર્થિક ક્ષેત્રે સૌથી મોટા ફ્લોપ શોની યાદીમાં ક્રિપ્ટો કરન્સીનો સમાવેશ કરી શકાય છે. આખું વર્ષ ક્રિપ્ટો કરન્સીને માન્યતા મળવાની છે તેવી અફવા ચાલુ રહી હતી. ભારતમાં ક્રિપ્ટો લોબી બહુ પાવરફુલ હોવાનો દાવો કરાયો હતો, પરંતુ નાણાપ્રધાને કોઇને મચક નહોતી આપી.

ભારતમાં બિટકોઈન જેવી ક્રિપ્ટો કરન્સી ખરીદી અને વેચી શકાય છે, પણ તેને રુપિયાના બદલામાં કાયદેસર રીતે વટાવી શકાતી નથી. ભારતમાં તમે કોઈને રૂપિયાને બદલે ક્રિપ્ટો કરન્સી લેવાની ફરજ ન પાડી શકો. અનેક વગદાર લોકોની પસંદગી ક્રિપ્ટો કરન્સી રહી છે, પરંતુ ૨૦૨૫ના વર્ષના અંતે તેમને લાગ્યું છે કે સરકારે તેમની આગળ આશાનું ગાજર લટકાવી રાખ્યું હતું અને અંતે તેે ચેપ્ટર જ બંધ કરી દીધું. કેટલાંક વગદાર જૂથો વતી નાણાપ્રધાન અને રિઝર્વ બેંકને ક્રિપ્ટો કરન્સીની માન્યતા બાબતે સીધા પ્રશ્નો પૂછાતા હતા, પરંતુ નાણાપ્રધાન ચોક્કસ લાઇનદોરી હેઠળ ચાલતાં હતાં.

ક્રિપ્ટો કરન્સી માટે ભારત સરકાર ગમે એટલો નનૈયો ભણે પણ ક્રિપ્ટોમાં રોકાણ કરનારા અને તેની સાથે ડીલીંગ કરનારા આશા સાથે થનગની રહ્યા હતા. અવાનનવાર ક્રિપ્ટો કરન્સીનાં કૌભાંડો અને હવાલા નેટવર્કમાં તેનો ઉપયોગ પકડાયા હોવા છતાં આજે પણ રોકાણકારોમાં તે રસનો વિષય બની રહ્યો છે. તાજેતરમાં રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નરે પણ કહ્યું હતું  કે ક્રિપ્ટો કરન્સીના વહિવટને ગેમ્બલીંગ સાથે સરખાવી શકાય. તેમણે એમ પણ કહ્યું છે કે જે કરન્સીને રિઝર્વ બેંકની માન્યતા નથી મળી તેમાં રોકાણ કરનારાને કોઇ કાયદાકીય રક્ષણ મળવાનું નથી. 

ક્રિપ્ટો કરન્સી ભારતમાં માન્ય નથી તેવી ખબર હોવા છતાં હવે મહિલાઓ પણ ક્રિપ્ટોમાં રોકાણ કરી રહી છે. આંધ્રપ્રદેશ પહેલું એવું રાજય બન્યું છે કે જ્યાં પુરૂષો કરતાં મહિલાઓ ક્રિપ્ટોમાં વધુ રોકાણ કર્યું છે. સમગ્રપણે દેશમાં કુલ ક્રિપ્ટો રોકાણકારોમાં ૮૮ ટકા પુરૂષો છે જ્યારે મહિલાઓની સંખ્યા ૧૨ ટકા જેટલી છે. ૨૦૨૫માં ભલે ક્રિપ્ટોની માન્યતા અંગે અવઢવ જોવા મળી હોય, પરંતુ રોકાણકારોએ તેમાં સતત રસ બતાવ્યો હતો. એમાંય ૨૦ જાન્યુઆરીના રોજ ક્રિપ્ટોમાં વિશેષ રોકાણ જોવા મળ્યું હતું. ગઇ દિવાળીમાં ક્રિપ્ટોમાં કરાતા રોકાણમાં ૧૩ ટકાનો ઉછાળો નોંધાયો હતો. તે દર્શાવે છે કે કેટલાક લોકોએ ક્રિપ્ટોમાં રોકાણ કરવાના વિચારને અપનાવી લીધો હતો. 

ક્રિપ્ટો કરન્સીના રોકાણમાં ૨૬થી ૩૫ વયજૂથના રોકાણકારોએ વિશેષ રસ લે છે. ભારતીય રોકાણકારો સતત નવાં ક્ષેત્રો શોધતા હોય છે. ક્રિપ્ટોમાં રોકાણ સલામત ના હોય તો પણ તે તેમાં નાણા રોકીને તેઓ ખુદને 'રિસ્ક-ટેકર' ગણાવીને રોફથી ફરે છે. 

એક ક્રિપ્ટો કૌભાંડ પકડતાં સત્તાધારીઓએ દિલ્હી, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ૨૧ સ્થળો પર દરોડા પાડયા હતા. તપાસ સંસ્થા ઇડી દ્વારા પ્રિવેેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ તપાસ કરવામાં આવી હતી. જેમની સામે તપાસ શરૂ કરાઇ છે તેમણે ફેસબુક, વોટ્સએપ, ઇન્સટાગ્રામ, ટેલિગ્રામ વગેરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તગડા ક્વિક રીટર્નની જાહેરાતો આપી હતી.

ગુનેગારો ૨૦૧૫થી સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરતા આવ્યા છે. આ કૌભાંડીઓ ક્રિપ્ટોના ટ્રાન્ઝેકશન રોકડમાં ફેરવી આપીને બેંકમાં જમા કરી આપતા હતા. ઇન્દોરમાં થયેલા એક લગ્નમાં  સોના ચાંદીનાં ઘરેણા પાછળનો ખર્ચ ક્રિપ્ટો કરન્સી મારફતે ચૂકવાયા હતા, જેના કારણે બે નંબરી નાણાનો ટ્રેક પકડી શકાતો નહોતો.  કૌભાંડીઓ પોતાની વેબસાઇટ બનાવીને તેમાં ત્વરીત નાણા કમાવવાના આઇડિયા આપતા હતા. ક્રિપ્ટોના રોકાણના નિષ્ણાતોના ઓપિનિયન તેમના ફોટા સાથે તેમની જાણ બહાર અપાયા હતા.

ક્રિપ્ટો કરન્સી સાથે અનેક હવાલા કૌભાંડો સંડોવાયેલા છે. ભારતના સત્તાધારીઓ જાણતા હતા કે વૈશ્વિક આર્થિક પ્લેટફોર્મ પર મની લોન્ડરીંગ કરનારાઓ માટે ક્રિપ્ટો આસાન હથિયાર બની જવાનું છે, તેથી જ તેને માન્યતા આપવાથી દૂર રખાયું હતું. સરકારની નજર ૪૪,૦૦૦ જેટલા ક્રિપ્ટો ટ્રેડર્સ પર છે. ક્રિપ્ટોના ક્રેઝને અટકાવવા સરકારે ૩૦ ટકા જેટલો ટેક્સ નાખ્યો છે. ભારતમાં માન્યતા મળશે તે આશાએ લોકો તેમાં રસ લેતા હતા. એક અહેવાલ અનુસાર ભારતમાં ૨.૫ કરોડ લોકોએ  ક્રિપ્ટોમાં નાણા રોક્યા છે. જોકે ૨૦૨૫ના વર્ષે તેમને ડિંગો બતાવ્યો છે.