Get The App

પાણી માત્ર જીવન નહીં, વ્યૂહરચના પણ હોઈ શકે છે

Updated: Apr 26th, 2025

GS TEAM

Google News
Google News
પાણી માત્ર જીવન નહીં, વ્યૂહરચના પણ હોઈ શકે છે 1 - image

- નદી અવરોધવાના કિસ્સા દુનિયાભરના દેશોમાં બન્યા છે

- તુર્કીએ વિશાળ ડેમ બનાવ્યા ને ઇરાક-સિરીયામાં જળસ્તર ઘટી ગયા, ઇથિયોપિયાએ નાઇલ નદી પર બાંધેલો ડેમ ઇજિપ્ત માટે ખતરારૂપ બન્યો 

- પ્રસંગપટ

પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા ઘાતકી આતંકવાદી હુમલાની ભારતે આપેલી સૌથી પહેલી ઉત્તમ પ્રતિક્રિયા હોય તો તે છે, ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૯૬૦માં થયેલા ઇન્ડસ વોર્ટસ ટ્રિટી (સિંધુ જળ સંધિ) પર લગાવી દીધેલી રોક. વર્લ્ડ બેન્કની મધ્યસ્થતામાં થયેલી આ સંધિ પાકિસ્તાનને સિધુ, ઝેલમ અને ચિનાબ - આ ત્રણ પશ્ચિમી નદીઓના જળ વાપરવાની મંજૂરી આપે છે, જ્યારે ભારત રાવી, બિયાસ અને સતલજ જેવી પૂર્વીય નદીઓ પર નિયંત્રણ ધરાવે છે. કાનૂની રીતે ભારતને પશ્ચિમી નદીઓનો વપરાશ કૃષિ માટે અને હાઇડ્રોપાવર ઉત્પન્ન કરવા માટે કરી શકે છે, પણ તેના પ્રવાહ અટકાવવાનો કે નિયંત્રણ કરવાનો અધિકાર નથી. આ સ્થિતિ હવે ભૂતકાળ બની જવાનો છે. પહેલગામના ટેરરિસ્ટ અટેક પછી ભારતે કહી દીધું છેઃ સંધિના નિયમોની ઐસીતૈસી. પાણી અને લોહી બન્ને એકસાથે નહીં વહી શકે. 

શું આ પ્રકારની સ્થિતિ દુનિયાના અન્ય દેશોમાં ક્યારેય સર્જાઈ છે? હા. એક દેશે બીજા દેશમાં વહેતી નદીના પ્રવાહને અટકાવી દીધો હોય અથવા નિયંત્રિત કર્યો હોય તેવું એકાધિક વખત બન્યું છે. પહેલું ઉદાહરણ છે મધ્ય-પૂર્વની યૂફ્રેટીસ અને ટાઇગ્રિસ નદીઓ. તુર્કી આ નદીઓના ઉપરવાસમાં સ્થિત છે, જ્યારે ઇરાક અને સિરીયા આ નદીઓના નીચાણવાળા વિસ્તારમાં આવેલા છે. ઇરાકના વિરાટ મેસોપોટિમિયનાં મેદાનો એક સમયે સંસ્કૃતિઓનું પારણું કહેવાતાં હતાં. તુર્કીએ આ નદીઓ પર વિશાળ ડેમો બનાવી નાખ્યા, પરિણામે સિરિયા અને ઈરાકમાં જળસ્તરો ઘટી ગયા. ઇરાકનાં ખેતરો સૂકાવાં લાગ્યાં, ઢોરઢાંખર મરવા લાગ્યાં. ઇરાકના કેટલાય લોકોએ સ્થળાંતર કરવું પડયું. સિરીયાએ તો દુકાળ અને સિવિલ વોર જેવી સ્થિતિ પણ જોઈ. અરે, આઇએસઆઇએસ જેવું આતંકવાદી જૂથ શહેરો પર સિતમ વરસાવવા માટે ડેમના પાણીને કંટ્રોલ કરવા લાગ્યા. આરોપો ઉઠયા. 'ઉપરવાસની તાકાત' હોવાને નાતે તુર્કીમાં નદીનાં પાણી એક શક્તિશાળી રાજકીય હથિયાર બની ગયાં. 

નાઇલ નદીની વાત કરીએ તો, આ નદી સદીઓની માત્ર પાણી જ નહીં, તણાવનું પણ વહન કરે છે. ઈજિપ્તનું અસ્તિત્વ, એનું ૯૦ ટકા અર્થતંત્ર નાઇલ પર નિર્ભર છે. ઇજિપ્ત લાંબા સમયથી ડરે છે કે ઉપરવાસના દેશો ક્યારેક તેના પ્રવાહને રોકી શકે છે. એ ડર સાચો પડયો, જ્યારે ઈથિયોપિયાએ ગ્રાન્ડ રેનેસાંસ ડેમનું નિર્માણ શરૂ કર્યું. ઈજિપ્તે તેને અસ્તિત્વ માટે ખતરા તરીકે જોયું. અલબત્ત, યુદ્ધ તો ન ફાટી નીકળ્યું, પરંતુ દેશનું વાતાવરણ ડહોળાઈ ગયું હતું. આ ડેમે ઇથિયોપિયાને એક પ્રકારનો પાવર આપી દીધો - માત્ર ઇલેક્ટ્રિક પાવર જ નહીં, પણ પોલિટિકલ પાવર પણ ખરો. 

પૂર્વ તરફ આવીએ તો ચીન શક્તિશાળી બ્રહ્મપુત્રા નદીના ઉપરવાસને નિયંત્રિત કરે છે. ડોકલામ મુદ્દે ભારત અને ચીન વચ્ચે તણાવ વધી ગયો હતો ત્યારે ચીને આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ કહેવાય તેવો હાઇડ્રોલોજિકલ ડેટા શેર કરવાનું બંધ કરી દીધું હતું. આ ચીનનું આક્રમણ નહોતું પણ એક સંદેશો હતો - અમે આજે ડેટા રોકી શકીએ છે તો કાલે પાણી પણ રોકી શકીએ છીએ! 

જોર્ડન નદીનો ઇતિહાસ પણ કંઈ સુખદ નથી. આ નદી ઘણીવાર ઇઝરાયેલ, જોર્ડન અને પેલેસ્ટિનિયનો વચ્ચેના ક્રોસફાયરમાં ફસાઈ ગઈ છે. ૧૯૬૭ના યુદ્ધ પછી જોર્ડન નહીં પણ મહદ અંશે ઇઝરાયેલનો અંકુશ રહ્યો છે. પરિણામે પેલેસ્ટાઇન અને જોર્ડન માટે નદીમાં નીર ઓછાં વહે છે. 

જ્યારે કોઈ દેશ નદીના કુદરતી પ્રવાહને અવરોધવાનો નિર્ણય લે છે, ત્યારે તેનો અસર માત્ર સરહદ સુધી સીમિત રહેતી નથી. તે જે-તે દેશની જમીનો સૂકવી નાખે છે, ખેતરો સૂકવી નાખે છે, અને એવા તરંગો ઊભા કરે છે જે સમગ્ર પ્રદેશના અર્થતંત્ર તેમજ રાજકીય પરિસ્થિતિ પર ફટકો પડે. આના પરિણામ તાત્કાલિકપણે યુદ્ધમાં આવતું નથી, પણ સંકટો સળગતાં રહે છે, ભારેલા અગ્નિ જેવા સંજોગો ઊભા જાય છે. 

અત્યારે જો ભારત પાકિસ્તાન તરફ નદીના જળના પ્રવાહને અવરોધિત કે મર્યાદિત કરવાનો સંકેત આપે છે, તો એકલવાયું પગલું નથી. તે જૂના સંઘર્ષોનો પડઘો છે. પાણી માત્ર જીવન નહીં, પરંતુ વ્યૂહરચના બની જાય છે. નદીઓ કુદરતી હોઈ શકે છે, પરંતુ તેઓ સરહદો પાર કેવી રીતે વહે છે તે હંમેશા રાજકીય બાબત હોય છે.