- મેન્ટેનન્સ વગેરેની નિયત થયેલી રકમ લોકો આપતા નથી
- પ્રસંગપટ
- 260 ડીફોલ્ટરોની યાદી બનાવીને નામો બોર્ડ પર મુક્યા છે : 40 લાખ રૂપિયા બાકી નીકળે છે
બાકી લેણા મેળવવા એ મોટી બેંકો માટે પણ માથાના દુખાવા સમાન સાબિત થઇ રહ્યું છે. પ્રાઇવેટ નાણા ધીરનારા મૂળ રકમ કરતાં પણ વધુ વસૂલી દાદાગીરી કરીને લઇ શકે છે. પરંતુ સોસાયટીઓ અને મોટી વસાહતો અને ફ્લેટોમાં સફાઇ, મેન્ટેનન્સ વગેરેની નિયત થયેલી રકમ અનેક લોકો આપતા નહીં હોવાની ફરિયાદ વધવા લાગી છે.
સરકાર જેમ ઢોલ નગારાં વગાડીને કે ઘરની બહાર નોટિસ લગાડીને બાકી લેણા વસૂલ કરવાના નૂસખા અજમાવે છે એવું સોસાયટીના સંચાલકો કરી શકતા નથી. કેટલાક સભ્યો પોતાને ત્યાં બે ફોર વ્હીલર હોવા છતાં મેન્ટેનન્સની રકમ નિયમિત આપતા નથી.
બેંકો જેને વિલફૂલ ડિફોલ્ટર્સ કહે છે એવુંજ સોસાયટીઓમાં જોવા મળે છે. સોસાયટીઓમાં કોઇ ઝગડો વહોરવા તૈયાર નથી હોતું એટલે દરેક ચૂપ રહે છે જેનો લાભ કેટલાક સભ્યો ઉઠાવતા હોય છે. બહુ રિમાઇન્ડર કરાય એટલે બહુ ઉપકાર કરતા હોય એમ થોડા રૂપિયા જમા કરાવે છે.
જોકે આવું કરનારાને ખબર નથી હોતી કે વહીવટ કરનારાઓને સફાઇ કામદારો વગેરેને નિયમિત પૈસા ચૂકવવાના હોય છે. જો તેમને પગાર ના ચૂકવાય તો તે સફાઇ કામ બંધ કરીદે અને સોસાયટી ઉકરડો બની શકે છે. હવેના મેન્ટનન્સમાં સીસટીવી કેમેરા, સિક્યોરીટીના પગાર, પાઇપલાઇન રીપેર, સ્ટ્રીટ લાઇટ,ડેલી સફાઇ વગેરેનો સમાવેશ થાય છે.
ગુરૂગ્રામના દક્ષિણ વિસ્તારમાં આવેલી સોસાયટીએ ૨૬૦ ડીફોલ્ટરોની યાદી બનાવીને તેમના નામો સોસાયટીના બોર્ડ પર મુક્યા છે. તેમની પાસેથી ૪૦ લાખ રૂપિયા બાકી નીકળે છે. બાકીદારોને નોટિસ અપાઇ છે કે જો બાકીના નાણા નહીં ભરો તો તમારા ઘેર આવતી સ્વિગી, ઝોમેટો,અન્ય કુરીયર સર્વિસ વગેરે બંધ કરી દઇશું તે તો ઠીક પણ ઘેર આવતા કામવાળા અને કાર વોશિંગવાળા પણ બંધ કરી દઇશું. આ યાદીમાં કેટલાક વિલફૂલ ડીફોલ્ટરો છે.
જેવા આ અહેવાલો સમાચાર માધ્યમોમાં ચમક્યા કે તરતજ અન્ય માધ્યમો ત્યાં પહોંચી ગયા હતા. બહુ ઉહાપોહ થતાં સોસાયટીના વહીવટકારોે કહ્યું કે અમે હજુ કોઇ સર્વિસ બંધ નથી કરી પણ તે બાબતની નોટિસ ઇસ્યુ કરી છે. નોટિસ મોકલાતાં ૨૬૦માંથી ૮૦ લોકોએ બાકી લેણા ભરી દીધાં છે. નોટિસ દરેક ઘરની ગૃહિણીને અપાઇ હતી જેથી તેમને ખ્યાલ આવે કે કાલથી ઘરમાં કામ કરનારા નથી આવવાના. તે તેમના પતિ પર પ્રેશર લાવીને કહી શકે કે કાલથી કામવાળા નહીં આવે તો અમને મુસીબત થશે માટે પૈસા ભરી દો.
સોસાયટીએ અપનાવેલો નો સ્વિગી, નો ઝોમેટો, નો કામવાળવાળો આઇડિયા કામ કરવા લાગ્યો છે. લોકો બાકીના પૈસા ભરવા આવી રહ્યા છે. સોસાયટીમાં ૧૦૦૦ કુટુંબો રહે છે. દર મહિને મેન્ટેનન્સ પેટે ૧૨૦૦ રૂપિયા ઉઘરાવાય છે.
જે લોકોના પૈસા બાકીછે તેમને બે અઠવાડિયાની મુદત અપાઇ છે. તેમ છતાં પણ જોતે પૈસા નહીં ભરે તો તેના પર નો સ્વિગી, નો ઝોમેટો , નો કામવાળાવાળું શસ્ત્ર ઉગામાશે.
ગુરૂગ્રામના લકઝરી રેસીડેન્સ ડીએલએફ કેમેલીયાસ નજીક આવેલી આ સોસાયટીમાં વહીવટકારોે લીધેલા કડક પગલાઓને અન્ય રહેવાસીઓ આવકારી રહ્યા છે. સોસાયટીની બહાર જ બાકી ડીફોલ્ટરોની યાદી મુકવામાં આવી છે. સોસાયટીમાં નાના મોટા મતભેદો હશે પરંતુ સફાઇ તેમજ મેનટેનન્સના પૈસા નહીં ચૂકવવા તે વહીવટકારો માટે કામ મુશ્કેલ બનાવી દે છે.
ગઇ ૮ માર્ચે સોસાયટીની ગવર્નીંગ બોડીની મિટીંગ મળી હતી તેમાં બાકીના ૪૦ લાખ રૂપિયા કેવી રીતે મેળવવા તેની ચર્ચા કરાઇ હતી. વહીવટકારોના કડક પગલાંનો વિરોધ પણ થયો છે પરંતુ બાકી રહેલાં નાણા મેળવવાનો આ ઉત્તમ ઉકેલ સાબિત થયો છે. અન્ય સોસાયટીઓ માટે પણ આ આઇડિયા અનુકરેેણીય બની શકે છે.


