- પ્રકાશ રાજ, વિજય દેવરકોન્ડા જેવા ફિલ્મસ્ટાર્સ સામે કેસ
- પ્રસંગપટ
- પચ્ચીસ જેટલા સેલિબ્રિટીઓ સામે પગલાં ભરીને તેલંગણા પોલીસે સપાટો બોલાવી દીધો છે
આઇપીએલનો જંગ શરૂ થતાં જ ઓનલાઇન સટ્ટો રમાડનારાઓ મોટા પાયે મેદાનમાં આવી ગયા છે. લોકો પોતાના પરસેવાની કમાણી સટ્ટામાં ગુમાવી બેસતા હોય છે. કમનસીબી એ છે કે લોકોને ઓનલાઇન સટ્ટો રમવા લલચાવવા સેલિબ્રિટીઓ તેમજ ઇન્ફલ્યુએન્સરોનો જાહેરાતોમાં ઉપયોગ કરવામાં આવે છે.
ઓનલાઇન સટ્ટો, જુગાર કે કેસિનો રમાડતી એપ્સનું કામકાજ ગેરકાયદે હોય છે. આ એપ લોકોને ઉલ્લુ બનાવે છે અને ઇનામોની લાલચ આપીને લોકો પાસેથી તેેમના પરસેવાની કમાણી આંચકી લે છે. આવી સાઇટો ગ્રાહકો ખેંચી લાવવા માટે અને પોતાનું પ્રમેાશન કરવા માટે સેલિબ્રિટીઓ તેમજ ઇન્ફલ્યુએન્સરોને કામે લગાડી દે છે.
સદભાગ્યે તેલંગણા પોલીસ લોકોને ઓનલાઇન સટ્ટેા રમતા અટકાવવા મક્કમ બની ગઈ છે. તાજેતરમાં તેલંગણા પોલીસે એક બિઝનેસમને કરેલી ફરિયાદના આધારે પચ્ચીસ જેટલા સેલિબ્રિટીઓ સામે પગલાં લઈને તરખાટ મચાવી દીધો છે. પોતાને કોઈ હાથ ન લગાવી શકે એવા રોફમાં ફરતા વિજય દેવરકોન્ડા અને પ્રકાશ રાજ જેવા ફિલ્મસ્ટારોનો પણ આમાં સમાવેશ થઈ ગયો.
જ્યારે પ્રકાશ રાજ જેવો ચહેરો કોઇ ગેમ રમવા લોકો પ્રોત્સાહિત થાય તેવી જાહોેરાતો આપે ત્યારે ભલભલા લોકોનું મન વધારે પૈસા કમાવી લેવા લલચાય તે સ્વભાવિક છે. આવી સાઇટો પર ફસાઈ જનાર ભાગ્યે જ જીતે છે. તેના ભાગે માત્ર ગુમાવવાનું આવે છે. એ વાત અલગ છે કે પ્રકાશ રાજ જેવા સેેલિબ્રિટીઓ આ વેબસાઇટની વિજ્ઞાપનોમાં ચમકીને ચિક્કાર રૂપિયા કમાઈ લે છે. જનતા માટે વિજય દેવરકોન્ડાઓ અને પ્રકાશ રાજો પોતાના હીરો છે. એમના શબ્દોનું વજન પડે છે. તેઓ જે બોલે તેને તેઓ સાચું માની લે છે. એમની વાત પર ભરોસો મૂકીને લોકો જુગાર રમવાના રવાડે ચડે છે ને પછી પેટ ભરીને પસ્તાય છે.
પ્રકાશ રાજ બેશરમીથી વિજ્ઞાપનમાં કહે છે કે તમારું નસીબ અજમાવો. તમારા ઘરઆંગણે તક આવી છે. તમારા સપનાં સાકાર કરો. જંગલી રમી પર આવનારા ૯૯ ટકા લોકો કમાઇને ઘેર જાય છે.
જંગલી રમીનું પ્રમોેશન પ્રકાશ રાજ અને રાના દગુબત્તી કરી રહ્યા છે, જ્યારે વિજય દેવરકોન્ડા એ-૨૩ રમી, યોલો-૨૪૭, ફેરપ્લે લાઇવ, અને જીત વિનનું પ્રમોશન કરે છે. તેલંગણા પોલીસે લીધેલા પગલાંથી ટોલિવૂડના અભિનેતાઓ અને ઇન્ફલ્યુએન્સરોમાં સોપો પડી ગયો છે.
ફાલતુ એપ્સને પ્રમોટ કરનારાઓમાં માનચુ લક્ષ્મી,પરિણીતા તેમજ નિધિ અગ્રવાલનો પણ સમાવેશ થાય છે.
આ સાઇટો ઓનલાઇન ગેમ રમાડવાના બહાના હેઠળ સટ્ટો રમાડવાનો પોતાનો પડદા પાછળનો એજન્ડા અમલી બનાવી દે છે. સોશિયલ મીડિયા પર ઇન્ફલ્યુએન્સરો દાવો કરતા હોય છે કે એક દિવસમાં ૧૦૦ રૂપિયા રોકીને સાંજે હું પાંચ ગણા પૈસા કમાયો.
એવું કહેનારાઓ પણ પડયા છે જે કહેશે કે એાનલાઇન પૈસા કમાવામાં કશું ખોટું નથી. આ કોઇ સટ્ટોે નથી. તમારા નસીબનું તમે કમાઇ શકો છો! આવું બધું સાંભળીને જરૂરતમંદો અને લાલચીઓ બન્ને આંખો મીચીને નસીબ અજમાવવા તૈયાર થઈ જાય છે. આ ગેમ્સ ઇત્યાદિ એવી રીતે ડિઝાઇન થયા હોય છે કે શરૂઆતમાં તે પાંચના દસ કરી પણ આપે, પણ પછી ધીમે ધીમે ચિત્ર પલટે છે, 'રમતવીર'નાં નાણાં ખેંચાઇ જાય છે ને આખરે એ પાયમાલ થઈ જાય છે.
ઓનલાઇન ગેમીંગનો ચસકો લાખો લોકોને લાગેલો છે. આપણે ત્યાં જૂની કહેવત છે કે હાર્યો જુગારી બમણું રમે. ઓનલાઇન ગેમિંગનું ડિઝાઇનિંગ જ આ રીતે કરવામાં આવ્યું હોય છે કે યુઝર્સ પૈસા કમાવવાની વાલચ રોકી શકતો નથી અને એ વધુને વધુ પૈસા રોક્યા જ કરે છે.
જુગાર એક એવો નશો કે જેની તરફ બુદ્ધિશાળી માણસ પણ ખેંચાઈ શકે છે. મહાભારતમાં યુધિષ્ઠિર જેવા જ્ઞાનીએ રાજપાટ તો ઠીક પોતાની પત્નીને પણ દાવમાં લગાવી દીધી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે વિશ્વમાં ઓનલાઇન ગમિંગનો બિઝનેસ ૨૦૨૫ના અંત સુધીમાં ૨૯.૪૮ અબજ ડોલરના આંકડાને વટાવી દેશે. આઇપીએલ જેવી તીવ્ર રસાકસીની મેચો દરમ્યાન ઓનલાઇન ગેમિંગના યુઝર્સમાં મોટો ઉછાળો આવતો હોય છે તે સમજી શકાય તેવું છે.


