કોપરમા કરંટઃ કચ્છમાં ઉત્પાદન વધ્યું, ટનના 9000 ડોલર
- પ્રસંગપટ
- ચીનના સ્મેલ્ટરોમાં ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય કરાયોઃ જો કે ઘરઆંગણે ઉત્પાદન વધી રહ્યાના મળેલા નિર્દેશો
ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સ બિનલોહ ધાતુઓની બજારમાં ઘરઆંગણે તથા વૈશ્વિક સ્તરે પ્રવાહો ઝડપથી પલ્ટાતા જોવા મળ્યા છે. નોન-ફેરસ મેટલ્સમાં કોપર ઈઝ કિંગ મનાતું આવ્યું છે. કોપરના ભાવની ઉછળકુદ પર મેટલ્સ બજારના ખેલાડીઓની નજર રહેતી હોય છે. વૈશ્વિક સ્તરે ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સના ટ્રેડિંગમાં બ્રિટનમાં આવેલા લંડન મેટલ અન્સચેન્જને કેન્દ્ર સ્થાને ગણવામાં આવે છે. લંડન મેટલ એક્સચેન્જમાં થતી વધઘટની તાત્કાલિક અસર વિશ્વ ભરના મેટલ્સ બજારો પર તુરંત દેખાય છે. દરમિયાન, વૈશ્વિક સ્તરે તથા ઘરઆંગણે કોપર બજારમાં તાજેતરમાં તોફાની તેજી જોવા મળી હતી અને તેના છાંટા અન્ય મેટલ્સની બજારો પર પણ ઉડયા હતા. વિશ્વ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ કોપરના ભાવ ટૂંકાગાળામાં નોંધપાત્ર ઉછળી ટનના ૯૦૦૦ ડોલરની સપાટીને આંબી જતા ૧૧ મહિનાની નવી ઉંચી સપાટી બજાર ભાવમાં જોવા મળી હતી. ચીનના બજારોમાં કોપરના ભાવ વધી ચીનની યુઆન કરન્સીમાં ગણીએ તો ૭૩ હજાર યુઆનની સપાટી કુદાવી ગયાના સમાચાર મળ્યા હતા.
ચીનથી મળેલા સમાચારો મુજબ ત્યાં સ્મેલ્ટરોમાં કોપરનું ઉત્પાદન ઘટી રહ્યું છે. ચીનના મોટા મોટા કોપર સ્મેલટરોએ ઓપરેશન ઘટાડવા તથા મેન્ટેનન્સ શેડયુલમાં બદલાવ લાવવા અને નવા પ્રોજેકટો વિલંબમાં મૂકવા નિર્ણય કર્યાના વાવડ મળ્યા હતા. કોપર કોન્સન્ટ્રેટસની સપ્લાય ટાઈટ બની છે. ચીનના નોર્થ કોપરે ઉત્પાદન ઘટાડવા પહેલ કરી છે.
ત્યાં કોપર ઉત્પાદક એકમોને તાજેતરના મહિનાઓમાં ખાસ્સું નુકશાન થતાં હવે ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય ત્યાં કરવામાં આવ્યો છે. જો કે ગ્લોબલ કોપર સ્મેલ્ટર્સ દ્વારા કુલ ઉત્પાદન ક્ષમતામાં આશરે ૧૭ લાખ ટનનો વાર્ષિક વધારો કરવામાં આવનાર છે એવા સમાચાર પણ બહાર આવ્યા છે. આવી સ્થિતિમાં કોપરની તેજી ટકશે કે નહિં એવો પ્રશ્ન પણ વિશ્વ બજારના જાણકારોમાં પુછાતો થયો છે.
વૈશ્વિક સ્તરે કોપર-ઓરની અછત દેખાઈ છે. બેન્ક ઓફ અમેરિકાના સૂત્રોના જણાવ્યા મુજબ ક્રૂડ ઓઈલ, કોપર તથા ગોલ્ડના ભાવ ઉંચા જતા જોવા મળ્યા છે. ચીનમાં ૨૦૧૩માં ૫૫થી ૫૬ લાખ ટન કોપરનું સ્મેલ્ટીંગ થયું હતું તે ૨૦૨૩ સુધીમાં ૧૧૩થી ૧૧૪ ટકા વધી ૧૧૮થી ૧૧૯ લાખ ટન સુધી પહોંચ્યું હતું. હવે ત્યાં કોપર સ્મેલટરો દ્વારા ઉત્પાદન ઘટાડવા તરફ ગતિવિધી શરૂ થઈ છે અને તેના પગલે કોપર બજાર મંદીમાંથી બહાર આવી તેજી તરફી થયાના વાવડ મળ્યા હતા.
રિસાઈકલીંગ મારફત પણ કોપરની સપ્લાય થાય છે પરંતુ આવી સેકન્ડરી સપ્લાયની સરખામણીએ પ્રાઈમરી સપ્લાય નોંધપાત્ર ઉંચી રહેતી હોય છે જેમાં હવે આગેકૂચ ધીમી પડી છે. દરમિયાન, ભારતમાં કોપરનો સિનારીયો બદલાઈ રહ્યાના સંકેતો મળ્યા છે. ભારત આગળ ઉપર કોપરના નેટ આયાતકાર દેશમાંથી નેટ નિકાસકાર દેશ બનવાની શક્યતા બજારમાં ચર્ચાતી થઈ છે.
કચ્છ-ગુજરાતમાં ઉત્પાદન વધી રહ્યું છે. ભારત કોપરના વિષયમાં ૨૦૧૭-૧૮માં નેટ આયાતકાર દેશ બન્યું હતું. કોપરની આયાતમાં ૨૦૨૧-૨૨ના નાણાંવર્ષમાં આશરે રૂ.૨૨ હજાર કરોડનો ખર્ચ થયો હતો તે વધીને ૨૦૨૨-૨૩માં રૂ.૨૭ હજાર કરોડની સપાટી પાર કરી ગયો હતો. કેન્દ્ર સરકારના કોલ એન્ડ માઈનિંગ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ પાછલા નાણાંવર્ષમાં દેશમાં કોપરની આયાતમાં ખાસ્સી વૃદ્ધી થઈ હતી.
જો કે ભારતમાં ઉત્પાદન તથા ઉત્પાદન ક્ષમતા વધી રહી છે એ જોતાં દેશમાં કોપરનું ઉત્પાદન આગળ ઉપર વધી બમણું થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે. ૨૦૨૨-૨૩ના નાણાંવર્ષમાં દેશમાં કોપર ઉત્પાદનની ક્ષમતા ૭ લાખ ૮૫ હજાર ટન હતી જ્યારે ઉત્પાદન ૫ લાખ ૫૫ હજાર ટન થયું હતું.
કોપર ઉત્પાદન ક્ષમતામાં ૬૦થી ૬૫ ટકાની વૃદ્ધી થવાની શક્યતા જોતાં દેશમાં કોપરનું ઉત્પાદન આગળ ઉપર વધી આશરે ૧૦ લાખ ટન સુધી પહોંચવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા.
વર્તમાન નાણાં વર્ષમાં એપ્રિલથી જાન્યુઆરીમાં દેેશમાં કોપરનું ઉત્પાદન ૪ લાખ ૬૫ હજાર ટન થયું છે. દેશમાં વાર્ષિક માગ ૬ લાખ ૬૦ હજાર ટનની ગણાય છે. આગળ ઉપર ઉત્પાદન વધતાં દેશમાં કોપરની સરપ્લસ સપ્લાય ઊભી થશે એવી ગણતરીએ કોપરની નિકાસની શક્યતા વધશે એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું.