mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

મોર્નિંગ ટીની જેમ તમિળનાડુમાં રોજ સવારે લઠ્ઠાનું સેવન થાય છે

Updated: Jun 25th, 2024

મોર્નિંગ ટીની જેમ તમિળનાડુમાં રોજ સવારે લઠ્ઠાનું સેવન થાય છે 1 - image


- રાજકીય આક્ષેપબાજીમાં સળગતો મુદ્દો અટવાયો

- પ્રસંગપટ

- લઠ્ઠકાંડમાં હંમેશા મિથેનોલ ખલનાયક હોય છેઃ માફિયાઓના હાથમાં નિયંત્રણ વિનાનો ધંધો 

ભારતની લોકશાહી વિચિત્ર રાજકીય નેતાઓથી ભરેલી છે. તેઓ દરેક મુદ્દાનો રાજકીય રંગે રંગવામાં ઉસ્તાદ બની ગયા છે, જેના કારણે મૂળ મુદ્દો દૂર હડસેલાઇ જાય છે. જ્યાં દારૂની છૂટ નથી એવા ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, કેમ કે અહીં  દારૂ સત્તાવાર રીતે છૂટથી મળતો નથી.  આશ્ચર્યની વાત એ છે કે તમિળનાડુમાં દારૂની છૂટ હોવા છતાં તાજેતરમાં લઠ્ઠાકાંડમાં ૫૬નાં મોત થયાં છે. કરણનાપુરમ્માં બનેલા લઠ્ઠાકાંડની દુર્ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. દારૂ પીને રસ્તા પર લથડીયાં ખાતા પુરુષોનું દ્રશ્ય દારૂની છૂટ ધરાવતાં રાજ્યોમાં સામાન્ય હોય છે. 

તમિળનાડુ સહિતનાં દક્ષિણનાં રાજ્યોના દૂર છેવાડાનાં ગામોમાં દારૂ મનોરંજનનું સાધન છે. અહીંના લોકો સસ્તું પીણું પીવા ટેવાયેલા છે. અહીં જાણે કે થાક ઉતારવા માટે નશો કરવાની પરંપરા છે. ગોવિંદરાજ છેલ્લાં ૨૦ વર્ષથી દેશી દારૂનો ધંધો કરે છે. વધુ તીવ્ર નશો થાય તે માટે એ પ્રવાહીમાં મિથેનોલ વગેરે ભેળવે છે. જોવા જેવું એ છે કે આ નશાકારક પીણું વેચનાર ગોવિંદરાજ ખુદ હાર્ટ પેશન્ટ છે એટલે પોતે બનાવેલું નશાકારક પીણું એ ખુદ પીતો નથી.

ઝેરી બની ગયેલા લઠ્ઠાનું કારણ શોધવાની જરૂર છે. તેમાં મિક્સ કરાતાં મિથેનોલ, ફટકડી તેમજ અન્ય તત્ત્વો કેટલાં હાનિકારક છે તેનું પરીક્ષણ કરવાની કોઇને પડી હોતી નથી. દેશી દારૂ બને છે, વેચાય છે અને છેલ્લે પીવાય છે, પણ તેનું ચેકિંગ કરવાની કોઈને દરકાર કરતું નથી. તમિળનાડુનાં ગામોમાં સવારે ૫થી ૮માં લોકો નશો કરીને કામ પર ચડવા ટેવાયેલા છે. માટે આ સમયગાળામાં મહત્તમ દારૂ પીવાય છે.  આપણે ત્યાં ગુજરાતમાં જેમ ચાથી દિવસની શરૂઆત થાય છે, એમ આ લઠ્ઠાગ્રસ્ત ગામોમાં નશાકારક પ્રવાહીથી દિવસનો પ્રારંભ થાય છે. 

ડીએમકેના નેતા આર.એસ. ભારતીએ કહ્યું કે આ લઠ્ઠાકાંડ તો ડીએમકેની સરકાર બદનામ થાય તે માટે ભાજપના તમિળનાડુના પ્રમુખ કે. અન્નામલાઇએ કરેલું સુવ્યવસ્થિત કાવત્રું છે! ૫૬ લોકો મોતના મુખમાં પહોંચી ગયા છતાં રાજકારણીઓ મૃત્યુનો મલાજો સાચવી શક્યા નથી. આર.એસ. ભારતી માત્ર અન્નામલાઇનું નામ જોડીને અટક્યા નહોતા. તેમે કહ્યું હતું કે લઠ્ઠો બનાવવામાં મિથેનોલ વપરાયું તે પાડોશી ભાજપશાસિત રાજ્ય પુડીચેરીથી મંગાવાયું હતું. ભારતીએ પુડીચેરીનું નામ કેમ જોડયું તે પણ સમજવા જેવું છે. લઠ્ઠાકાંડ સર્જાયો તે દિવસે અન્નામલાઇએ  કહ્યું હતું કે તમિળનાડુના મુખ્યપ્રધાને રાજીનામું આપવું જોઇએ. નાણાપ્રધાન નિર્મલા સીતારામને પણ વિવાદમાં ઝૂકાવીને કહ્યું હતું કે લઠ્ઠાકાંડ વિશે કેમ રાહુલ ગાંધી કશું બોલતા નથી?

ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ નડ્ડાએ કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુનને કહ્યું છે કે તમિળનાડુુના લઠ્ઠાકાંડ બાબતે તમે કેમ કોઇ પ્રત્યાધાત આપતા નથી? અમે તમારા પ્રત્યાઘાત જાણવા માગીએ છીએ. લઠ્ઠાકાંડના મુદ્દે સૌએ તમિળનાડુની સરકાર સામે આક્ષેપો કર્યા છે. લઠ્ઠાકાંડમાં મૃતકોને ઘેર જવાની તસ્દી બહુ ઓછા રાજકારણીઓએ લીધી છે. વિપક્ષે ખાસ કરીને ભાજપે ટીકા કરી છે તો કોંગ્રેસે લઠ્ઠાકાંડ પર મોં બંધ રાખીને ઢાંકપિંછોડા કરવાનો પ્રયાસ કર્યો છે. કોઇએ એમ નથી કહ્યું કે દેશી દારૂ બનાવતી ફેક્ટરીઓ બંધ કરવી જોઇએ કે તેમાં વપરાતા કેમિકલ્સની ચકાસણી કરવી જોઇએ કે આ પ્રવૃત્તિને કાયદાના નિયંત્રણ હેઠળ લાવવો જોઇએ.

હકીકત એ છેકે સવારે મોર્નિંગ ટીની જેમ આ પીણું પીવું તે અહીંની પરંપરા છે. તેના પર કોઇનું નિયંત્રણ નથી. આ પીણું વધુ નશાકારક બનાવવા વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. આખો વ્યવસાય માફિયાઓ અને મજૂર વર્ગના હાથમાં છે. મિથેનોલ અવારનવાર ખલનાયકની ભૂમિકા ભજવે છે, પણ તેના પર કોઇનું નિયંત્રણ નથી. તેને દારૂમાં વાપરવાની કોઇ માત્રા નક્કી થતી. 

ભૂતકાળમાં દેશમાં અનેકવાર લઠ્ઠાકાંડ સર્જાયા છે, પરંતુ તે ફરીવાર ન બને તેવા પ્રયાસો કાગળ પર જ જોવા મળે છે. દારૂબંધી ના હોય તેવાં રાજ્યોમાં લઠ્ઠો ગરીબોનું પીણું બની ગયો છે. આ લેટેસ્ટ લઠ્ઠાકાંડમાં પણ જીવ ગુમાવનારા સૌ ગરીબ વર્ગના લોકો હતા.

Gujarat